ટોક્યોમાં વધી રહેલા કોરોના કેસ: ઓલિમ્પિક રદ્દ થવાનો ખતરો

21 July 2021 12:21 PM
Sports
  • ટોક્યોમાં વધી રહેલા કોરોના કેસ: ઓલિમ્પિક રદ્દ થવાનો ખતરો

આયોજકોના શ્વાસ અધ્ધર: કેસમાં ઘટાડો લાવવા તજવીજ: ખેલાડીઓ પણ ચિંતીત

નવીદિલ્હી, તા.21
શુક્રવારથી શરૂ થઈ રહેલા ઓલિમ્પિકને લઈને રમતપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે બરાબર ત્યારે જ આ રમતોત્સવ જ્યાં થવાનો છે તે ટોક્યોમાં કોરોનાના કેસ વધવા લાગતાં ટૂર્નામેન્ટ રદ્દ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિકના મુખ્ય અધિકારી તોશહિરો મુતોએ કહ્યું કે જો આવી જ સ્થિતિ રહેશે તો ટૂર્નામેન્ટ રદ્દ પણ થઈ શકે છે.

ટોક્યો મેટ્રોપોલિટિયન સરકારની વેબસાઈટ અનુસાર ટોક્યોમાં મંગળવારે કોરોનાના 1387 નવા કેસ સામે આવ્યા છે. એવું પૂછવા પર કે શું ઓલિમ્પિકને હજુ પણ રદ્દ કરવામાં આવી શકે છે કેમ કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ સવાલનો જવાબ આપતા મુતોએ કહ્યું કે તેઓ સંક્રમણ સંખ્યા ઉપર નજર રાખશે અને જરૂર પડ્યે આયોજકો સાથે સંપર્ક પણ કરશે. જો કોરોનાના કેસ સતત વધ્યા તો અમે ચર્ચા યથાવત રાખશું અને સ્થિતિ પ્રમાણે નિર્ણય લેશું.

જો કે તેમણે ટૂર્નામેન્ટ રદ્દ થવાની વાતનો ઈનકાર પણ નહોતો કર્યો. ઉલ્લેખનીય છે કે જાપાનમાં અત્યારે કોરોના કટોકટી લાગુ કરવામાં આવી છે અને તેની વચ્ચે જ 23 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી ટોક્યો ઓલિમ્પિક શરૂ થવાનો છે. આ રમતોત્સવ માટે ખેલાડીઓ ટોક્યો પણ પહોંચી ગયા છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.


Related News

Loading...
Advertisement