ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળીમાં કૌભાંડનો મામલો પોલીસમાં પહોંચ્યો

21 July 2021 01:30 PM
Surendaranagar
  • ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળીમાં કૌભાંડનો મામલો પોલીસમાં પહોંચ્યો

મંડળીનાં સભાસદ દ્વારા જવાબદારો સામે લેખિત ફરીયાદ કરતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો

વઢવાણ, તા.21
સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળી કૌભાંડનો મામલો છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે આ કૌભાંડનો મામલો અંતે બી-ડિવિઝન પહોંચતા ચકચાર ફેલાઇ છે. મંડળીના સભાસદ દ્વારા લેખિતમાં જવાબદાર સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવતા પોલીસતંત્ર પણ દોડતું થઇ ગયું છે. ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળીના સભાસદ નંબર-1170 ધરાવતા વજુભાઈ ઉર્ફે વજેસંગભાઈ અલુભાઈ ગોહિલે મંડળીના કૌભાંડ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી કરી હતી. જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળી લિ.ના સભાસદોની સાર્વજનિક નાણામાંથી રૂ. 2,66,75,000ની સહકારી ખાતાના કર્મચારીઓ તથા મંડળીના ફડતા અધિકારી તેમજ મંડળીના પ્રમુખ તેમજ કારોબારી સભ્યો દ્વારા ગેરકાયદે રીતે ફ્રોર્ડ રેકર્ડ ઊભા કરી ખોટી રીતે રકમની ગેરરીતિ કરેલી છે. આથી તેઓની સામે ફોજદારી કાયદા અને અન્ય કાયદાઓ નીચે કાનુની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાઓ ભરવા અંગેની ફરિયાદ કરી હતી. બીજી તરફ શહેરની સાથે જિલ્લામાં ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળીના કૌભાંડનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ત્યારે આ મામલો પોલીસ મથકે પહોંચતા ચકચાર ફેલાઇ છે.

મૃતકોની તેમજ જીવત લોકોની પણ ખોટી સહીઓની રાવ
કોરોનાના સમય દરમિયાન (લોકડાઉન તથા અન્ય સરકારની ગાઇડલાઇન દ્વારા લોકો(સભાસદો) આવન-જાવન કરી શકતા નહી, તેનો ફાયદો ઉઠાવીને ફડતા અધિકારી તથા જિલ્લા રજીસ્ટ્રાર તેમજ અન્ય કર્મચારીઓ અને હાલના મંડળીના કારોબારી સભ્યો અને જમીન વેચાણ કરનાર વગેરેએ ભેગા મળી મંડળીની રકમ ચાંઉ(ખાઇ જવા)કરી જવા માટે પૂર્વ આયોજનના ભાગરૂપે તા. 12-3-2020ના રોજ સભાસદ દેદાદરાના રાયમલભાઈ ગોવિંદભાઈ ચાવડા તથા અન્ય સભાસદો (સાચા-ખોટા)ની સહીવાળી એક અરજીથી શરૂઆત કરેલ છે. જેમાં મુખ્ય અરજદાર રાયમલભાઈ ગોવિંદભાઇએ એમાં સહી કરેલ નથી. તેમજ અરજી કરનારના પટેલ છગનભાઈ બાવલભાઈ તા. 5-1-2008ના રોજ ગુજરી ગયેલ છે. જ્યારે પટેલ ગોવિંદભાઈ રામજીભાઈ કે જે છેલ્લા 6 થી 7 વર્ષથી અમેરીકા રહે છે તેની ખોટી બનાવટી સહીઓ કરેલ છે. તેવી જ રીતે ગુંદીયાળાવાળા ભુસડીયા સવાભાઈ હાજાભાઇ કે જે અભણ છે તેમની પણ ખોટી સહી કરેલ છે. જે સાચી રીતે અરજી પૈકીના નામનો ઉંડી તપાસ કરવામાં આવે તો મોટા ભાગની સહીઓ કૌભાંડી ટોળકીનાએ ઉભી કરી મંડળીને પુન:જીવીત કરવાનું કાવતરૂ રચેલુ હોય તેવી રાવ રજૂઆતમાં કરી હતી.


Loading...
Advertisement