લોકમેળા કદાચ નહીં યોજાય : ગુજરાતમાં પણ ઓકસીજનના વાંકે કોઇ મોત નથી

21 July 2021 03:50 PM
Junagadh Gujarat Rajkot
  • લોકમેળા કદાચ નહીં યોજાય : ગુજરાતમાં પણ ઓકસીજનના વાંકે કોઇ મોત નથી

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગર્ભિત નિર્દેશ : કોરોના હળવો થયો છે, ગયો નથી; ભીડ ભેગી થવા નહીં દેવાય

ઓકસીજનની અછતમાં પણ સરકારે સ્થિતિ સંભાળી રાખી હતી : કોઇ મુદ્દા ન હોવાથી વિપક્ષ ભ્રમ ફેલાવે છે

જુનાગઢ, તા.21
ગુજરાતમાં કોરોના સંક્રમણ હળવુ થવાને પગલે મોટા ભાગની પ્રવૃતિ ખુલ્લી મુકી દેવામાં આવી છે. ત્યારે આવતા મહિનામાં જન્માષ્ટમી મેળા યોજાશે કે કેમ તે વિશે અટકળો શરૂ થઇ હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એવો ગર્ભિત નિર્દેશ કર્યો હતો કે કદાચ જન્માષ્ટમીના લોકમેળા નહીં યોજાય. આ ઉપરાંત ઓકસીજનના વાંકે ગુજરાતમાં એક પણ કોરોના દર્દીનું મોત નહીં થયાનો દાવો કર્યો હતો.

જુનાગઢના પ્રવાસે રહેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં એવું સાફ કર્યુ હતું કે રાજયમાં કોરોના ભલે હળવો થયો છે પરંતુ સંપૂર્ણ ખત્મ થયો નથી. ભીડ એકઠી થાય તેવા મોટા કાર્યક્રમોને મંજૂરી નથી જ લગ્ન-અંતિમ યાત્રા કે સામાજીક-રાજકીય કાર્યક્રમો માટે પણ મર્યાદા છે જ આગામી શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી મેળા થતા હોય છે. હજારો-લાખો લોકો એકઠા થતા હોય છે આમ તેમાં ભીડ ભેગી થવાનું જોખમ રહે જ છે એટલે કોઇપણ જન્માષ્ટમી લોકમેળાને કદાચ મંજુરી આપવામાં નહીં આવે જોકે રાજય સરકારે તે વિશે હજુ કોઇ આખરી નિર્ણય લીધો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટનો લોકમેળો વિખ્યાત છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પણ લોકો આવતા હોય છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકમેળો યોજવા વિશે સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું જ છે જયારે મુખ્યમંત્રીના વિધાનને ઘણા સૂચક જાણી શકાય તેમ છે. બીજી તરફ કોરોનાની પ્રચંડ લહેર વખતે ઓકસીજનના વાંકે મોતના મામલે વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારના દાવામાં સૂર પુરાવતા એમ કહ્યું કે ગુજરાતમાં પણ કોરોના કાળમાં ઓકસીજનના વાંકે એકપણ મોત નિપજયું નથી.

વિરોધ પક્ષ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે વિરોધ પક્ષો પાસે કોઇ મુદ્દા ન હોવાથી ખોટો ભ્રમ ઉભો કરી રહ્યા છે. ઓકસીજનની અછત ઉભી થઇ ત્યારે પણ રાજય સરકારે ભરચકક પ્રયત્નો કરીને સપ્લાય જાળવી રાખી હતી. ટોચના ઉદ્યોગૃહોથી માંડીને શકય તમામ ઉત્પાદક મથકોએથી સપ્લાય મેળવી હતી. માત્ર સરકાર જ નહીં ખાનગી હોસ્પિટલોને પણ પર્યાપ્ત ઓકસીજન પુરવઠો મળે તેની કાળજી રાખી હતી. ઉપરાંત હોમ આઇસોલેટ દર્દીઓને પણ ઓકસીજન સિલીન્ડર મળતા રહે તે માટે સરકારી તંત્રો-અધિકારીઓને ફિલ્ડમાં ઉતારીને ગોઠવણ કરી હતી.

આ રીતે એક પણ દર્દીનું ઓકસીજનના વાંકે મૃત્યુ થવા દેવાયુ ન હતું. વિરોધ પક્ષો ખોટો ભ્રમ સર્જી રહ્યા છે કારણ કે તેઓ પાસે કોઇ મુદ્દા નથી. રાજકારણ રમવાનો પ્રયાસ કરી રહ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ગઇકાલે સંસદમાં જાહેર કર્યુ હતું કે દેશમાં ઓકસીજનની અછતથી એક પણ વ્યીકતનું મોત થયાના રીપોર્ટ નથી. કેન્દ્રીય મંત્રીના દાવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ સૂર પુરાવ્યો છે.


Related News

Loading...
Advertisement