ધો.10 પાસ વિમલ સીતાપરા ક્લિનિક ખોલી દર્દીઓની સારવાર કરતો, ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

21 July 2021 05:41 PM
Rajkot Crime Saurashtra
  • ધો.10 પાસ વિમલ સીતાપરા ક્લિનિક ખોલી દર્દીઓની સારવાર કરતો, ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

રાજકોટમાંથી વધુ એક બોગસ ડોકટર ઝડપાયો

* કોઠારીયા સોલ્વન્ટમાં અઢી વર્ષથી દવાખાનું રાખ્યા બાદ ત્યાં નજીકમાં જ એક મહિના પહેલા શીતળા ધારે શ્રીનાથજી ક્લિનિક શરૂ કરેલું

રાજકોટ, તા.21
કોરોના કાળમાં રાજકોટમાંથી વધુ એક બોગસ ડોકટર ઝડપાયો છે. ધો.10 પાસ વિમલ કેશુભાઈ સીતાપરા (ઉ.વ.37, શ્રીનાથજી સોસાયટી, મવડી પ્લોટ) ક્લિનિક ખોલી દર્દીઓની સારવાર કરતો હતો જેને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો છે. પોલીસે મેડિકલ સાધનો, દવા, ઈન્જેકશન અને રોકડ રકમ મળી અને રૂ.22,756નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


પોલીસ તરફથી મળતી વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જોગરણાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ સી.એમ. ચાવડા અને કરણભાઈ મારુની બાતમીના આધારે કોઠારીયા સોલ્વન્ટમાં શીતળા ધાર 25 વારિયા ક્વાર્ટર નજીક આવેલા શ્રીનાથજી ક્લિનિક ખાતે દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી વિમલ સીતાપરા કોઈ પણ જાતની તબીબી ડીગ્રી વગર દર્દીઓને સારવાર આપતો હતો. તેણે કોઠારીયા સોલ્વન્ટમાં અઢી વર્ષથી દવાખાનું રાખ્યા બાદ ત્યાં નજીકમાં જ એક મહિના પહેલા શીતળા ધારે શ્રીનાથજી ક્લિનિક શરૂ કર્યું હતું. તેમ જાણવા મળે છે. હાલ તેની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


દર્દીને તપાસવાના રૂા.50 અને બાટલો ચડાવવાના રૂા.250 લેતો હતો,
ડીગ્રી જેવા લાગતા કાગળોની ઝેરોક્ષ પણ લગાવી રાખી’તી
પોલીસને બોગસ તબીબ વિમલ જણાવ્યું હતું કે, તે દર્દીને તપાસવાના રૂ.50 લેતો હતો અને જો દર્દીને ગ્લુકોઝનો બાટલો ચડાવવાનો થાય તો રૂ.250 ફી પેટે વસુલતો હતો. ઉપરાંત આરોપીએ ડીગ્રી જેવા લાગતા કાગળોની ઝેરોક્ષ પણ પોતાના ક્લિનિમાં લગાવી રાખી હતી.

પાંચેક વર્ષ પહેલાં મધુરમ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો
બોગસ તબીબી વિમલ સીતાપરાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતી કે તે અગાઉ 2010થી 2015 સુધી શહેરની મધુરમ હોસ્પિટલમાં પટ્ટાવાળા અને કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ત્યાં ડોકટરો જે દવા દર્દીને આપતા તેનું નામ યાદ રાખી લેતો અને બાદમાં પોતાનું ક્લિનિક ખોલી જાહેર જનતાને આરોગ્ય સાથે ચેડાં કરવાનું શરૂ કર્યું હતું.


Related News

Loading...
Advertisement