રિમાન્ડ દરમિયાન રવિ પુજારીએ કહ્યું, મને ગુનાની હિસ્ટ્રી યાદ નથી

21 July 2021 05:54 PM
Rajkot Crime Saurashtra
  • રિમાન્ડ દરમિયાન રવિ પુજારીએ કહ્યું, મને ગુનાની હિસ્ટ્રી યાદ નથી

અગાઉ રવિ પૂજારીને ક્રાઈમ બ્રાન્ચ બેંગ્લોરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી અમદાવાદ લાવી હતી : તે ગુજરાતના 21 ગુનામાં સંડોવાયેલો છે

* અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પૂજારીને રિમાન્ડ પર લીધો, આકરી પૂછપરછ શરૂ

* બેંગ્લોરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી પુજારીનો કબ્જો મેળવ્યા બાદ ક્રાઇમ બ્રાંચના થ્રીલેયર સુરક્ષાનું કવચ સાથે બોરસદની કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં 7 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા

* હત્યા માટે કેટલા રૂપિયાની સોપારી લેવાઈ હતી? ગુના આચર્યા બાદ પૂજારી ક્યાં - ક્યાં ગયો, પાસપોર્ટ કોને બનાવી આપ્યા? અન્ય ક્યાં ગુનામાં સંડોવણી છે? તે અંગે તપાસ થશે : અમદાવાદ ડીસીપી ક્રાઈમ ચૈતન્ય મંડલીકની ‘સાંજ સમાચાર’ સાથે ખાસ વાતચીત

રાજકોટ, તા.21
અંડરવર્લ્ડના નામચીન ગેંગસ્ટર રવિ પુજારીના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે. અગાઉ રવિ પૂજારીને ક્રાઈમ બ્રાન્ચ બેંગ્લોરથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી અમદાવાદ લાવી હતી. તે ગુજરાતના 21 ગુનામાં સંડોવાયેલો છે. હત્યા માટે કેટલા રૂપિયાની સોપારી લેવાઈ હતી? ગુના આચર્યા બાદ પૂજારી ક્યાં - ક્યાં ગયો, પાસપોર્ટ કોને બનાવી આપ્યા? અન્ય ક્યાં ગુનામાં સંડોવણી છે? તે અંગે તપાસ થશે. તેમ અમદાવાદ ડીસીપી ક્રાઈમ ચૈતન્ય મંડલીકે ‘સાંજ સમાચાર’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

બોલીવૂડ અભિનેતા સહિત મોટા વેપારીઓને ધમકી આપી ખંડણી માંગનાર કુખ્યાત રવિ પૂજારીને ક્રાઇમ બ્રાંચના થ્રીલેયર સુરક્ષાનું કવચ સાથે બોરસદ કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે રવિ પૂજારીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલા 21 ગુનામાંથી 7 કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને 7 કેસની ગુજરાત એટીએસની પાસે તપાસ છે. જો કે હાલ માત્ર બોરસદના કેસમાં જ તેના રિમાન્ડ મળ્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, બોરસદમાં કાઉન્સિલર પર ફાયરીંગ કરવાના કેસમાં ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ કરી છે. તેના સાગરિતો કોણ કોણ છે? બોરસદ કેસમાં તેની મદદગારી કોણે કરી હતી? સમગ્ર નેટવર્ક કઈ રીતે ચલાવતો હતો? તેની તપાસ કરવામાં આવશે. ગેંગસ્ટર આધુનિક સિસ્ટમથી ફોન કરી અને ધમકી આપતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી રવિ પૂજારી અન્ય દેશો કે જેમાં યુગાન્ડા, સાઉથ આફ્રિકા, સેનેગલમાં નામ બદલી રહેતો હતો.

બોરસદ કેસમાં 14 આરોપીની સંડોવણી હતી. જેમાથી 13 આરોપી ઝડપાયા હતા. પૂજારીએ આજે રિમાન્ડ દરમિયાન જણાવ્યું કે તેને ગુનાઓની હિસ્ટ્રી યાદ નથી. અને તે તપાસમાં સહયોગ ન આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે, આકરી પૂછપરછ શરૂ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.


ગુનાહિત પ્રવૃતિઓ પર કોઈ અફસોસ ન હોવાનો ફાંકો અને સરકારી મશીનરીએ મદદ કરી હોવાની કબૂલાત
ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ બાદ તેને રીમાન્ડ પર મોકલી દેવાયો છે. ત્યારે સૂત્રો તરફથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. રવિ પૂજારી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સહયોગ ન આપી રહ્યાનો ખુલાસો થયો છે. મહત્વનું છે કે, રવિ પૂજારીએ અસંખ્ય ગુના આચર્યા છે પરંતુ તેને હિસ્ટ્રી યાદ નહીં હોવાનું રવિ પૂજારી રટણ કરી રહ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી આચરેલા કોઈ પણ ગુનાનો અફસોસ ન હોવાનો રવિ પૂજારીએ ફાંકો માર્યો છે. ભૂતકાળમાં ઘણા ગુનામાં સરકારી મશીનરીએ મદદ કરી હોવાની દબાતા સૂરે કબૂલાત કરી હોવાનું પણ સૂત્ર જણાવી રહ્યાં છે.

પુરાવાઓ એકત્ર કરવા રવિ પૂજારીનો વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાશે
તપાસમાં સામે આવ્યું છે કે, પૂજારીએ અનેક લોકોને ફોન પર ધમકીઓ આપી છે ઉપરાંત તેના સાગરીતો સાથે પણ તે સંપર્કમાં રહેતો હોય, પોલીસ રવિ પૂજારીનો વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવાની કવાયત હાથ ધરવા જઇ રહી છે. પુજારીએ ગુજરાતમાં અનેક લોકોને ટેલિફોનિક ધમકીઓ આપી છે. જેથી પુરાવાઓ એકત્ર કરવા માટે વોઇસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવશે. તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

બોરસદના ગુનામાં આખું કાવતરું બરોડા જેલમાં રચાયુ’તું
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે, બોરસદના ગુનામાં આખું કાવતરું બરોડા જેલમાં રચાયુ હતું. કારણ કે, સુરેશ અન્ના, સુરેશ પલ્લાઈ આ તમામ આરોપી જેલમાં હતા અને તે સમયે આ કાવતરુ રચીને ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ક્રાઈમ બ્રાંચ આગામી સમયમાં બરોડા જેલમાં પણ તપાસ કરશે. બોરસદ સિવાય બાકીના કેસ માટે વિદેશ મંત્રાલય અને અન્ય વિભાગની મંજૂરી માગી વધુ કાર્યવાહી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement