ઑક્સિજનના અભાવથી મોતનો વિવાદ: તબીબો સરકારી લાઈનમાં; આમ આદમી વિરુદ્ધમાં

21 July 2021 06:12 PM
Rajkot India Politics
  • ઑક્સિજનના અભાવથી મોતનો વિવાદ: તબીબો સરકારી લાઈનમાં; આમ આદમી વિરુદ્ધમાં

કોરોનાની પ્રચંડ લહેર તથા ઑક્સિજન માટે રઝળપાટના સાક્ષી ‘આમ લોકો’ સરકારી દાવાથી સ્તબ્ધ

* કોરોના મોત વિશે સરકાર કેટલી હદે ખોટું બોલશે ? ખૂદ ભાજપ આગેવાને કહ્યું કે ‘મારા ગામમાં જ ઑક્સિજન ન મળતાં 25 લોકો મોતને ભેટ્યા છે, ગામેગામ લોકોનો ભોગ લેવાયો છે’

* જેમણે પોતાના સ્વજનને ઑક્સિજનના અભાવે ગુમાવ્યા છે તેઓ સરકારના આ દાવાથી પોતાના આંસુ રોકી ન શક્યા

* તબીબો એમ કહે છે કે ઑક્સિજનની અછત હતી પણ તેના વાંકે કોઈના મોત નથી થયા: ‘સત્તા પાસે શાણપણ ન હોય’ની માફક તેવી રીતે સરકારની હા માં હા મીલાવવા માટે તબીબો પણ મજબૂર !

રાજકોટ, તા.21
કોરોનાના પ્રથમ અને પ્રથમ મૃત્યુથી લઈને આજ સુધી હળાહળ ખોટું બોલી રહેલી સરકારે તો હવે માજા મુકી દીધી હોય તેવી રીતે હદ બહારનું ગપ્પું મારીને લોકોને ચકરાવે ચડાવી દીધા છે.

સંસદમાં દેશના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સાંસદના સવાલનો જવાબ આપતાં કહ્યું કે બીજી લહેર દરમિયાન દેશમાં એક પણ સ્થળે ઑક્સિજનના અભાવે દર્દીનું મોત થયું નથી ! તેમનો આ દાવો સાંભળી જેમણે ઑક્સિજનના વાંકે પોતાના સ્વજનને ગુમાવી દીધા છે તેઓ તો પોતાની આંખમાંથી આંસુ રોકી શકતાં નથી. બીજી બાજુ સમાજનો એક વર્ગ આ દાવો સાંભળીને પોતાનું હસવું રોકી શકતો નથી. કોરોનાની પ્રચંડ લહેરમાં દેશનું એક પણ ગામ કે એક પણ શહેર એવું નહીં હોય જ્યાં ઑક્સિજનની અછતને કારણે લોકોના ટપોટપ મોત ન નિપજ્યા હોય...પ્રાણવાયુ માટે થયેલી રઝળપાટના લાખો લોકો સાક્ષી બન્યા છતાં સરકારે કરેલા દાવાથી તેમની આંતરડી કકળી રહી છે.

ઑક્સિજનને કારણે રાજકોટમાં કેટલા મોત થયા તે વિશે સરકારી અને ખાનગી તબીબોને પૂછવામાં આવ્યું તો તેમણે પણ ‘મીલે સૂર મેરા તુમ્હારા’ની માફક સરકારની હામાં હા ભણતાં કહી દીધું હતું કે ઑક્સિજન નહીં મળવાને કારણે એક પણ મોત થયું નથી. જો કે વાસ્તવિકતા આ બિલકુલ નથી, નથી અને નથી જ...કેમ કે સૌ કોઈ જાણે છે કે રાજકોટમાં કેટલાય લોકો ઑક્સિજનના અભાવે મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. એકંદરે તબીબો અત્યારે સરકારી લાઈનમાં ઉભા રહી ગયા છે તો આમ આદમી આ દાવો સાંભળીને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો છે.

કોરોના મોત વિશે સરકાર આટલી હદે ખોટું બોલી નાખશે તેની કદાચ કોઈને કલ્પના પણ નહીં હોય. આશ્ર્ચર્યની વાત તો એ છે કે ખૂદ ભાજપના જ એક સરપંચે કહ્યું કે ‘મારા ગામમાં જ ઑક્સિજન ન મળવાને કારણે 25 લોકો મોતને ભેટ્યા છે, એકલા મારા ગામમાં જ નહીં બલ્કે ગામેગામ ઑક્સિજન ન હોવાને કારણે લોકોનો ભોગ લેવાયો છે, આવા સમયે આ પ્રકારનો દાવો સાંભળીને મને પણ દુ:ખ થઈ રહ્યું છે’ બીજી બાજુ તબીબો જાણે કે સરકારના જ બની ગયા હોય અને ‘સત્તા પાસે શાણપણ ન હોય’ તેવી નીતિ ધરાવી રહ્યા હોય તેવી રીતે દબાયેલા સ્વરે એમ જરૂર કહી રહ્યા છે કે અછત હતી પણ તેના વાંકે કોઈના મોત થયા છે તેમ બિલકુલ ન કહી શકાય.

જો કે તેમના આ સ્વરમાં ક્યાંકને ક્યાંક છૂપો ડર પણ જરૂર સંભળાઈ જ રહ્યો હતો. રાજકોટની વાત કરવામાં આવે તો ગાયત્રીનગર મેઈન રોડ ઉપર આવેલી કુંદન હોસ્પિટલમાં ત્રણ જેટલા દર્દીઓના ઑક્સિજન નહીં મળવાને કારણે મોત થયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તત્કાલિન કલેક્ટર રેમ્યા મોહન દ્વારા તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી અને તે કમિટી દ્વારા હોસ્પિટલને એવું કહીને ‘ક્લિનચીટ’ આપી દેવામાં આવી હતી કે એ ત્રણેય દર્દીઓની હાલત પહેલાંથી જ ખરાબ હતી !Related News

Loading...
Advertisement