રિંગરોડ-2 : કાલાવડ રોડથી ગોંડલ રોડ તા.7 પછી ચાલુ

21 July 2021 06:41 PM
Rajkot
  • રિંગરોડ-2 : કાલાવડ રોડથી ગોંડલ રોડ તા.7 પછી ચાલુ

રિંગરોડ-2ના ફેઇઝ 2માં કટારિયા ચોકડીથી ગોંડલ રોડ(ટોયોટાનો શો-રૂમ) સુધીના રસ્તાનું સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન થશે લોકાર્પણ, રૂડાએ કલેકટર સમક્ષ મુક્યો વર્ક રિપોર્ટ

ફેઇઝ-2નો રસ્તો 10.50 કી.મી.નો : હાલ ટુ લેન બન્યો, નજીકના ભવિષ્યમાં જ ફોર ટ્રેક બનાવવાનું કામ શરૂ થશે

રાજકોટ, તા.21
રાજકોટની ફરતે અંદાજે 51.68 કિ.મીથી વધુ ઘેરાવામાં તૈયાર થતા રિંગરોડ-2ના બીજા ફેઇઝ કાલાવડ રોડ(કટારિયા ચોકડી)થી સીધા જ ગોંડલ રોડ(ટોયોટા)ના શો-રૂમ પાસે નીકળી શકાશે. ફેઇઝ-2નું કામ પુર્ણ થઇ ચુક્યુ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ પુર્ણ થતો હોય તા.2 થી 7 દરમિયાન થનાર સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન રિંગરોડ-2નો આ ફેઇઝ-2ના રોડનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામા આવશે. તા.7મીથી કાલાવડ રોડથી સીધા જ ગોંડલ નેશનલ હાઇ-વે પર વાહનો સળસળાટ દોડવા લાગશે.

રિંગરોડ-2 એટલે કે, ઘંટેશ્વરથી કોસ્મો, ઢોલરા, માલિયાસણ, મોરબી રોડ અને રોણકી થઇને માધાપર ચોકડી સુધીનો ઘેરાવો 51.68 કી.મી.નો છે. કુલ ચાર ફેઝમાં આ કામ થવાનું છે. એ પૈકી પ્રથમ ફેઝ ઘંટેશ્વરથી કાલાવડ રોડ સુધી હાલ સિંગલ ટ્રેક બનાવીને વાહન વ્યવહાર શરૂ કરાયા બાદ વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ફોર ટ્રેકનું કામ શરૂ કરી દેવામા આવ્યુ છે. ફેઇઝ-2માં કાલાવડ રોડ(કટારિયા ચોકડી)થી ગોંડલ સુધીના રોડનું કામ પુર્ણતાના આરે છે. ફેઇઝ-3માં ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીનું કામ પણ ચાલી રહ્યુ છે. આ સાથે હવે ભાવનગર રોડથી અમદાવાદ રોડ(માલિયાસણ) સુધીના ફેઇઝ-4નું કામ રૂડાએ શરૂ કરી દીધુ છે.

દરમિયાન કાલાવડ રોડ(કટારિયા ચોકડી)થી સીધા જ નેશનલ હાઇ-વે ગોંડલ રોડ(ટોયોટા)ના શો-રૂમ પાસે નીકળતો રિંગરોડ-2ના ફેઇઝ-2નું કામ પુર્ણ થઇ ચુક્યુ છે. 10.50 કિ.મી.ના આ રોડનું લોકાર્પણ થવા જઇ રહ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારને પાંચ વર્ષ પુર્ણ થતુ હોય આ પ્રસંગે આગામી તા.2થી 7 સુધી સુશાસન સપ્તાહની ઉજવણી થવાની છે. લોકાર્પણ-ખાતમુહુર્તના અનેક કાર્યક્રમો યોજાવાના છે. જેમા રિંગરોડ-2ના ફેઇઝ-2ના રોડનું પણ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામા આવશે. ફેઇઝ-2નો વર્ક રિપોર્ટ રૂડાએ બે દિવસ પહેલા જ કલેકટર અરૂણ મહેશ બાબુને આપીને લોકાર્પણ કાર્યક્રમની તૈયારી માટે ચર્ચા કરી હતી.

 

કાંગશિયાળી અને પારડી પાસેના બ્રિજનું પણ ઈખના હસ્તે લોકાર્પણ
રિંગરોડ-2ના ફેઇઝ-2માં કાલાવડ રોડથી ગોંડલ રોડ વચ્ચે બે બ્રિજ આવે છે. એક બ્રિજ કાંગશિયાળી પાસે અને બીજો પારડી પાસે બન્યો છે. આ બન્ને બ્રિજનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામા આવશે.


ફેઇઝ-4માં ભાવનગર રોડથી અમદાવાદ વચ્ચે પારડી પાસે રિવર બ્રિજનું કામ ખોરંભે ચડ્યું
ભાવનગર રોડથી મહિકા ગામ, ઠેબચડા, અમરગઢ ભીચરી, ખેરડી, માલિયાસણ થઇને સીધા જ અમદાવાદ નેશનલ હાઇ-વે પર નીકળી શકાશે. રિંગરોડ-2ના આ ફેઇઝ-4ના માર્ગમાં પારડી પાસેથી એક નદી પસાર થાય છે. તેના ઉપર 80 મીટરનો બ્રિજ બનાવવાનું કામ શરૂ થતા જ પ્રારંભે જ કામ ખોરંભાઇ ગયુ છે. નદીના ચેકડેમમાં ભરપૂર પાણી આવતા રિવર બ્રીજ માટે પાઇલ ફાઉન્ડેશન થઇ શકે તેમ નથી. બ્રિજ માટે 7 મીટર ઉંડેથી હાર્ડરોક(પથ્થરાળ) જમીન આવતી હોય 7 મીટર ઉડેથી પાઇલ ફાઉન્ડેશન કરવુ પડે તેમ છે. તેમ પ્રોજેક્ટ સંભાળતા રૂડાના અધિકારી કાલરિયાએ જણાવ્યુ હતુ.


Related News

Loading...
Advertisement