વોર્ડ નં.12 અને 18નાં છેવાડાનાં વિસ્તારનાં લોકોને આવક સહિત દાખલા મેળવવા પડતી હાલાકી

21 July 2021 06:56 PM
Rajkot
  • વોર્ડ નં.12 અને 18નાં છેવાડાનાં વિસ્તારનાં લોકોને આવક સહિત દાખલા મેળવવા પડતી હાલાકી

15 કિ.મી. દૂર આવેલી મામલતદાર કચેરીએ જવુ પડે છે : વિપક્ષી નેતા ભાનુબેનની રજુઆત

રાજકોટ તા.21
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને વોર્ડ નં.12ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ઉર્વશીબા કનકસિંહ જાડેજાએ રાજકોટ ના કલેક્ટરને રજૂઆત માં જણાવ્યું છે કે રાજકોટ શહેરના વોર્ડ નં.12 અને વોર્ડ નં.18 માં વાવડી ગામ તળ, વિશ્વકર્મા સોસાયટી, આંગન સીટી, આંગન રેસીડેન્સી, શક્તિ નગર, મહમદી બાગ, રસુલપરા વિસ્તાર, નુરાનીપરા, નારાયણનગર, સોલ્વન્ટ, હાઉસિંગ બોર્ડ ક્વાટર, સ્વાતી પાર્ક, કોઠારિયા ગામ, રણુજા, તિરુપતિ, પીરવાળી વિસ્તાર સહિતના વર્ષ 2014-15 માં રાજકોટ મહાનગરપાલિકામાં નવા વિસ્તારો ભેળવેલા છે.

ત્યારે આ વિસ્તારના હજ્જારો લોકોને મામલતદાર તરફથી કાઢી આપવામાં આવતા આવકના દાખલા, વિધવા પેન્શન, વડીલ વંદના કાર્ડ, નોન ક્રિમીનલ ના દાખલા, ઈ.ડબ્લ્યુ.એસ. સર્ટીફીકેટ, સહિતના દાખલા અને સરકારી કામકાજ માટે છેક 12 થી 15 કિલોમીટર દુર રાજકોટ શહેરની મધ્યમાં આવેલ જૂની કલેકટર કચેરીમાં આવેલ રાજકોટ તાલુકા મામલતદારની કચેરીમાં દુર સુધી જવું પડે છે.

ત્યારે લોકોને શહેરના ગોંડલ રોડ પર આવેલ દક્ષીણ મામલતદારની કચેરીમાં આ તમામ કામગીરી કરવા માટે નો લાભ મળે તેમજ આ વિસ્તારના લોકોનો ડેટા સ્થળાંતર કરવામાં આવે તેવી લોકોની અમારી પાસે અનેકવિધ રજુઆતો મળેલ છે જેથી વોર્ડ નં.12 અને વોર્ડ નં.18 ના લોકોને ખુબ દુર સુધી ન જવું પડે તેવો વ્યવહારિક ઉકેલ લાવવા રાજકોટ જીલ્લાના સમાહર્તાશ્રી ને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી અને વોર્ડ નં.12ના પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ઉર્વશીબા કનકસિંહ જાડેજાએ વિનંતી સાથે રજૂઆત કરી છે.


Related News

Loading...
Advertisement