મેડીકલ કોલેજમાં એડમીશનના નામે છેતરપિંડીનું દેશવ્યાપી કૌભાંડ: રાજકોટના જય ગોવાણીની ધરપકડ

22 July 2021 10:49 AM
Rajkot Crime Saurashtra
  • મેડીકલ કોલેજમાં એડમીશનના નામે છેતરપિંડીનું દેશવ્યાપી કૌભાંડ: રાજકોટના જય ગોવાણીની ધરપકડ

રાજકોટના ઉધોગપતિની પુત્રીને મેડિકલમાં પ્રવેશના નામે 22 લાખ પડાવી લેનાર પિતા-પુત્ર સામે ગુનો નોંધાયા બાદ મોટો ખુલાસો: દેશવ્યાપી કૌભાડમાં મુંબઈની નામાંકિત મેડીકલ કોલેજના ડીનની પણ સંડોવણી: ઈરફાન નામનો શખ્સ દેશભરની અલગ અલગ મેડીકલ કોલેજમાં પ્રવેશના નામે 25 થી 85 લાખ પડાવતો હોવાનો પર્દાફાશ: રાજકોટ એસ.ઓ.જીના પીઆઈ આર.વાય.રાવલ સહિતની ટીમે હાથ ધરેલી તપાસ

રાજકોટ તા.22
મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને રાજકોટના ઉદ્યોગકાર સહિત ચારેક જણા સાથે લાખો રૂપીયાની ઠગાઈ કરવા અંગે પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ શહેર એસ.ઓ.જીએ આ પ્રકરણમાં સંડોવાયેલા પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ પોલીસે પુત્રની ધરપડક કરી પિતાની શોધખોળ શરુ કરી છે.પ્રાથમિક તપાસમાં આ કૌભાડ દેશ વ્યાપી હોવાનું બહાર આવ્યું છે.જેમાં મુંબઈની એક કોલેજના ડીન અને આ દેશ વ્યાપી કૌભાડમાં મુખ્ય સુત્રધાર ઇરફાન નામનો શખ્સ હોવાનું બહાર આવ્યું છે.રાજકોટ એસ.ઓ.જીએ જય ગોપાલ ગોવાણીને સંકજામાં લીધો છે.રાજકોટ ઉપરાંત મુંબઈ,દિલ્લી,હૈદરબાદમાં પણ મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાના નામે 25 લાખ થી 85 લાખ જેટલી રકમ ઉધરાવી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં પિતા પુત્ર વિરુદ્ધ 3 થી 4 અરજી થઈ છે જેમાં સંભવત ગુના નોંધાશે.

રાજકોટના સાધુ વાસવાણી રોડ પરના ગોપાલ ચોકમાં આદિત્ય હાઈટસ બિલ્ડીંગમાં રહેતા અને શાપર-વેરાવળમાં યમુના ફોર્જ નામનું કારખાનું ધરાવતાં શૈલેષભાઈ મગનભાઈ મણવરે નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે અગાઉ રાજકોટના મવડીપ્લોટમાં રહેતા મૂળ વડોદરાના જય ગોપાલ ગોવાણી અને તેના પિતા ગોપાલ ગોકળદાસ ગોવાણીના નામ આપ્યા હતા ફરીયાદમાં જણાવ્યા મુજબ પુત્રી પાનસી(ઉ.વ.21)એ 2018 ની સાલમાં ધો.12 માં અભ્યાસ પૂરો કરી પુત્રીનું મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે પ્રયત્નશીલ હતા. આ વખતે તેની જ્ઞાતિના ગોપાલભાઈ કે જે તેના સાઢુ રાજેન્દ્ર હાંસલીયાના સગા થાય છે, તેના પરીચયમાં આવ્યા હતા. ગોપાલે તેને કહ્યું કે તેનો પુત્ર જય એડમીશનનું કામકાજ કરે છે. એટલું જ નહીં મેડીકલને લગતા એડમીશન પણ કરાવી આપે છે તેમ કહી પુત્ર જયનો તેની સાથે પરીચય કરાવી આપ્યો હતો.

પુત્રી પાનાસીને મેડિકલ ફેકલ્ટીમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપી જય અને તેના પિતાએ શૈલેષભાઈ મણવર પાસેથી પુત્રીનું મેડીકલના મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન થઇ જશે તેવી ખાતરી આપી તે સમયે રૂ.10 લાખ આપવાની અને એડમિશન બાદ અન્ય રકમ આપવાની વાત કરતા 20 લાખ ચૂકવી દીધા હતા, રકમ લીધાના પંદર દિવસ બાદ જય ગોવાણી કારખાનેદારની ઘરે ગયો હતો અને આ વખતે એડમિશનમાં મોડા થયા છીએ તેમ કહી 3 લાખ પરત આપી ગયો હતો. ત્યારબાદ વર્ષ 2019માં જય ગોવાણી બીજી વાર શૈલેષભાઈ મગનભાઈ મણવરના ઘરે પહોંચ્યો હતો અને સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટામાં એડમિશન નક્કી થઇ ગયું છે તેમ કહી રૂ.9 લાખ લઇ ગયો હતો,

ત્યારબાદ કોલેજ ફી અને હોસ્ટેલ ફીના નામે નાણાં ઉઠાવી ગયો હતો, આરોપી જય ગોવાણી કટકે કટકે રૂ.20.50 લાખ લઇ ગયા બાદ લાંબો સમય વીતી જવા છતાં પાનસીને એલોટમેન્ટ લેટર નહીં મળતાં શૈલેષભાઈ મણવરે સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજમાં તપાસ કરતાં પુત્રી પાનસીનું એડમિશન નહીં થયાનું સ્પષ્ટ થયું હતું. શૈલેષભાઈ મગનભાઈ મણવરે સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં અંતે બંને સામે ફરિયાદ નોંધાવી હતી, પ્રવેશના નામે છેતરપીંડી કરતા પિતા-પુત્રએ અન્ય ત્રણ વ્યક્તિ પરેશભાઇ પટેલના પુત્ર, રાજેશભાઇ ગજેરાની પુત્રી અને અશોકભાઇ ભૂવાના પુત્રને એડમિશન આપવાના બહાને મોટી રકમ લઇ લીધાનું પણ જાણવા મળ્યું છે.એસઓજીના પીઆઈ આ.વાય.રાવલ અને તેમની ટીમે તપાસ કરી આ પ્રકરણમાં સંડોવાયેલા જય ગોપાલ ગોવાણીને ઝડપી લીધો છે જયારે તેના પિતા ગોપાલ ગોવાણીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ ઝડપાયેલા જય ગોપાલ ગોવાણીએ રાજકોટ અને ગુજરાતમાં અલગ અલગ એનક શહેરોમાં મેડીકલમાં પ્રવેશના નામે લાખોની છેતરપીંડી કરી છે. આ કૌભાંડ આંતર રાજ્યનહી પરંતુ દેશ વ્યાપી હોવાનો ઘટસ્ફોટ થયો છે જેમાં જય ગોપાલ ગોવાણી ઉપરાંત ઈરફાન અને મુંબઈની નામાંકિત મેડીકલ કોલેજના ડીનની પણ સંડોવણીનો ખુલાસો થયો છે.આગાઉ અમદાવદમાં જય ગોપાલ ગોવાણીની ધરપડક થઈ હતી તે વખતે પણ આ કૌભાંડના છેડા મુંબઈ અને હૈદરબાદ સુધીના હોવાનું બહાર આવ્યું હતું.


Related News

Loading...
Advertisement