ભાડાની ગાડીમાં અકસ્માત થાય તો પણ વીમા કંપનીએ વળતર આપવું પડે: સુપ્રિમ

22 July 2021 10:50 AM
India Top News
  • ભાડાની ગાડીમાં અકસ્માત થાય તો પણ વીમા કંપનીએ વળતર આપવું પડે: સુપ્રિમ

ભાડા પર વાહન લેનાર માલિક જેવો જ: સુપ્રિમ કોર્ટનો ફેસલો

ભાડા પર લીધેલી બસને અકસ્માતમાં વીમા કંપનીએ વળતર આપવાનો ઈન્કાર કર્યો હતો

નવી દિલ્હી તા.22
સુપ્રિમ કોર્ટે એક મહત્વનો ફેસલો આપતા જણાવ્યું હતું કે જો ગાડી માલીક પાસેથી કોઈ શખ્સ કે સંસ્થા એગ્રીમેન્ટ અંતર્ગત વાહન ભાડે લે છે તો વાહનની સાથે જ તેનો થર્ડ પાર્ટી વિમો પણ ટ્રાન્સફર માનવામાં આવશે. એગ્રીમેન્ટના સમયગાળા દરમ્યાન ભાડાથી લેવાયેલા વાહન સાથે દુર્ઘટનાના કિસ્સામાં વીમા કંપની વળતર આપવાથી બચી નહિં શકે.

આ અંગેની વિગત મુજબ બસ માલીકે યુપી સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને એગ્રીમેન્ટ અંતર્ગત બસ ભાડે આપી હતી. ભાડાના સમયગાળાનો વીમો પણ માલિકે કરાવી રાખ્યો હતો. બસનો તા.25 ઓગસ્ટ 1998 માં અકસ્માત થયો હતો અને તેમાં એક વ્યકિતનું મૃત્યુ થયુ હતું. પરિવારે બહરાઈચના મોટર એકસીડન્ટ કલેમ ટ્રીબ્યુનલમાં અરજી આપી વળતર માગ્યુ હતું.

ટ્રીબ્યુનલે વીમા કંપનીને આદેશ આપ્યો કે તે મૃતકના પરિવારને રૂા.1.82 લાખનુ વળતર 6 ટકા વ્યાજ સાથે આપે પરંતુ વીમા કંપનીએ ટ્રીબ્યુનલના ફેસલાને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી વળતરના ચુકવણાની જવાબદારી વીમા કંપનીની નથી, કારણ કે બસને ભાડા પર યુપી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ચલાવી રહી હતી. કોર્પોરેશને અલાહાબાદ હાઈકોર્ટનાં ફેસલાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.

ભાડા પર ગાડી લેનાર માલીક જેવો: સુપ્રિમ કોર્ટ:
સુપ્રિમ કોર્ટની સામે સવાલ હતો કે જો વાહન ઈુશ્યોડ છે અને તેને એગ્રીમેન્ટ અંતર્ગત કોર્પોરેશન નકકી રૂટ પર ચલાવી રહ્યું છે અને તે દરમ્યાન અકસ્માત થાય છે તો વળતર આપવા માટે વીમા કંપની જવાબદાર હશે કે કોર્પોરેશન કે પછી વાહન માલીક? સુપ્રિમ કોર્ટે માન્યુ કે એગ્રીમેન્ટ અંતર્ગત કોર્પોરેશન વાહન માલિકની જેમ જ છે. કારણ કે તે વાહનનો કમાન્ડ તેની પાસે છે. ડ્રાઈવર કંડકટર તેના અંતર્ગત કામ કરી રહ્યા હતા. આ સ્થિતિમાં વાહનની સાથે વીમા પોલીસી પણ ટ્રાન્સફર માનવામાં આવશે.


Related News

Loading...
Advertisement