ગુજરાતમાં ધો.9થી11માં આવતા સપ્તાહથી ફીઝીકલ શિક્ષણ

22 July 2021 11:06 AM
Gujarat Top News
  • ગુજરાતમાં ધો.9થી11માં આવતા સપ્તાહથી ફીઝીકલ શિક્ષણ

શિક્ષણક્ષેત્રને વધુ અનલોક કરવા તૈયારી: ધો.1થી8 વિશેનો નિર્ણય કોર કમીટી કેન્દ્રના માર્ગદર્શન મુજબ લેશે

અમદાવાદ તા.22
ગુજરાતમાં કોરોના કાબુમાં આવવા સાથે તબકકાવાર લગભગ તમામ પ્રવૃતિ અનલોક કરવામાં આવી છે. શિક્ષણક્ષેત્રે પણ ધો.12 તથા કોલેજના ઓફલાઈન કલાસ શરુ કરી દેવામાં આવ્યા છે હવે તેમાં વધુ છુટછાટ આપવાની તૈયારી છે. આવતા સપ્તાહથી ધો.9થી11ના ફીઝીકલ કલાસ શરુ કરી દેવામાં આવે તેવી શકયતા છે. રાજયમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થયો હોવાને પગલે શિક્ષણ વધુ અનલોક કરવાનો વ્યુહ અપનાવાયો છે.

રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ધો.9થી11ના કલાસ શરુ કરવા માટે તુર્તમાં નિર્ણય લેવામાં આવશે જયારે ધો.1થી8ના પ્રાથમીક શાળાના વર્ગો ફીઝીકલ ધોરણે શરુ કરવા માટે કોર કમીટી નિર્ણય લેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એવો સંકેત આપ્યો હતો કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન આધારીત નિર્ણય લેવામાં આવશે. શિક્ષણ વિભાગના સૂત્રોએ એમ જણાવ્યું છે કે શાળાઓ ખોલવામાં આવે તો પણ વિદ્યાર્થીઓની હાજરીને ફરજીયાત નહીં કરાય વાલીઓની લેખિત સંમતિ થકી જ વિદ્યાર્થીઓને ફીઝીકલ હાજરી માટે પ્રવેશ મળશે. દરેક કલાસમાં મહતમ 50 ટકાની હાજરીની છુટ્ટ અપાશે.

ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી માંડ 30 આસપાસના કેસ નોંધાય છે. એકપણ શહેર-જીલ્લામાં 10થી વધુ કેસ નથી એટલે ગત સપ્તાહમાં ધો.12 તથા કોલેજ ઉપરાંત ટયુશન કલાસની પણ છુટ્ટ આપવામાં આવી હતી. શાળા સંચાલકોના કહેવા પ્રમાણે ધો.12 માં પણ 50 ટકા વિદ્યાર્થીઓને જ આવવા દેવામાં આવે છે. વાલીઓમાં પોતાના સંતાનોને રૂબરૂ મોકલવામાં ખચકાટ છે. સરકાર વ્હેલી તકે સમગ્ર શિક્ષણ શરુ કરી દયે તેવી માંગ છે.

ઓનલાઈન શિક્ષણથી ભણતરમાં બાળકો પાછળ રહેવા લાગ્યા છે. શાળા સંચાલકો સંક્રમણથી બાળકોને બચાવવા શકય તમામ પગલા લેતા જ હોય છે. વાલીઓએ પણ ખચકાટ છોડવો જોઈએ. ફીઝીકલ શિક્ષણ પુર્વે તમામ શિક્ષકોના રસીકરણ માટે સરકારે ખાસ ગોઠવણ કરવી જોઈએ.


Related News

Loading...
Advertisement