કાનુનના અર્થઘટન સમયે ન્યાયમૂર્તિ ‘લક્ષ્મણ રેખા’ ન ઓળંગે: સુપ્રીમ

22 July 2021 11:08 AM
India Top News
  • કાનુનના અર્થઘટન સમયે ન્યાયમૂર્તિ ‘લક્ષ્મણ રેખા’ ન ઓળંગે: સુપ્રીમ

સંસદે શું ઈરાદા સાથે કાનૂન બનાવ્યા છે તે વિચારવું જરૂરી: સ્પષ્ટ વાત

કાનૂનમાં સુધારા કરવાની સતા ફકત સંસદને જ છે: મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આર્બીટ્રેશન એકટમાં કરેલા સુધારાને ફગાવ્યો: જો કે જમીન વળતરનો મુદો માન્ય રાખતી સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી:
સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈ પણ કાનૂનની વ્યાખ્યા કરતા સમયે ન્યાયમૂર્તિએ આ કાનૂન પાછળના ધારાગૃહના ઈરાદાને ધ્યાનમાં રાખવાનો રહેશે. મદ્રાસ હાઈકોર્ટના લવાદ સંબંધી એક એવોર્ડ (ચુકાદા)ને રદ કરવાના અને અદાલતોને આ પ્રકારના સુધારાની સતા છે તેવા ચુકાદાને સર્વોચ્ચ અદાલતે રદ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આર્બીટ્રેશન એકટની કલમ 34 હેઠળ અપાતા એવોર્ડ (ચુકાદા)ને સુધારતા સમયે એ ખાસ ખ્યાલ રાખવાનો રહેશે કે લક્ષ્મણ રેખા ઓળંગી જવાય નહી.

કોઈપણ વૈધાનીક સતાનું અર્થઘટન કરતા સમયે ન્યાયમૂર્તિએ ખુદને સંસદના નજરીયાને ધ્યાનમાં લેવાનું રહે છે અને એ ખાસ નિશ્ર્ચિત કરવાનું રહેશે કે સંસદે કયા ઈરાદા સાથે કાનૂન બનાવ્યો છે અને સંસદે બહું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈપણ સતાને આર્બીટ્રેશન એકટની કલમ 34 હેઠળ જે એવોર્ડ આપવામાં આવે છે તેમાં સુધારો કરી શકશે નહી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ આર.એફ.નરીમાનની ખંડપીઠે આ સાથે મદ્રાસ હાઈકોર્ટ સંવાદ એવોર્ડમાં જે સુધારો કર્યો હતો તે રદ કર્યો હતો.

ખંડપીઠે જણાવ્યું કે આ પ્રકારના કાનૂનમાં સુધારો કરવાની સતા ફકત સંસદને જ છે અને વિવિધ બાબતોના આ કાનૂન બાબતના નિરીક્ષણને ખ્યાલમાં રાખી શકે છે પણ અંતિમ નિર્ણય સંસદનો જ હશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી કેન્દ્રની એક રીટ રજુ થઈ હતી જેમાં સોલીસીટર જનરલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતનો જે આર્બીટ્રેશન એકટ 1996 છે તે આંતરરાષ્ટ્રીય કોમર્શીયલ આર્બીટ્રેશનના મોડેલ પર તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં આ કાયદાને પડકારતી તક મર્યાદીત જ છે. આ કેસ હાઈવે નિર્માણ માટે જમીન હસ્તાંતરણ કરવા અંગનો જ હતો.

જો કે સર્વોચ્ચ અદાલતે રસપ્રદ રીતે આ કેસમાં હાઈવે ઓથોરીટીએ જે જમીન વળતર આપ્યું હતું તેની સામે વધુ વળતરનો હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારના હાઈવે નિર્માણમાં આ જ સ્થિતિની જમીનના હસ્તાંતરણમાં એવોર્ડ કરતા વધુ વળતર હાઈવે ઓથોરીટીએ આપ્યો જ છે. ઉપરાંત મહત્વનું એ છે કે લવાદનો ચુકાદો 7-10 વર્ષ પ્રવર્તી છે અને આ લાંબા કાળમાં હવે અદાલત કેસ ફરી જે તે સક્ષમ અદાલત પાસે મોકલે તે યોગ્ય ગણાશે નહી.


Related News

Loading...
Advertisement