થોડો વખત જીએસટીમાં કાપ મુકો, વેપારીઓને નાણાં આપો

22 July 2021 11:16 AM
Business India
  • થોડો વખત જીએસટીમાં કાપ મુકો, વેપારીઓને નાણાં આપો

અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા પેચીદા પગલાને બદલે સીધી સહાય કરનારા કદમ ઉઠાવવા સીઆઈઆઈની સરકારને મહત્વપૂર્ણ સલાહ

નવી દિલ્હી તા.22
કોરોનાની થપાટમાંથી વેપાર ઉદ્યોગ સંપૂર્ણ બહાર આવી શકયો નથી. ડીમાંડ તથા ઘરાકી વધારવા માટે થોડા વખત માટે જીએસટીમાં કાપ મુકવા તથા નાના વેપારીઓને નાણાંકીય સહાય આપવા ઔદ્યોગીક સંગઠન ક્ધફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ) દ્વારા સરકારને સૂચન કરાયુ છે.

સંગઠન દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીથી દુનિયાભરમાં આર્થિક, વહીવટી, સામાજીક તથા નાણાકીય પ્રણાલીઓને અસર થઈ છે અર્થતંત્ર નબળુ પડયુ છે. વેપાર ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. જીવનવ્યવહાર તથા આજીવિકા પર દુરગામી પ્રભાવ છે. અર્થતંત્રમાં તેજી લાવવા તથા કોરોનાથી પ્રભાવિત લોકોના જનજીવન નોર્મલ બનાવવા માટે એવા નકકર કદમ ઉઠાવવાની જરૂર છે કે તેનાથી લોકોને સીધો લાભ મળે. સમયની જરૂરીયાતને પારખીને કદમ ઉઠાવવા પડે તેમ છે.

સંગઠનના મહાનિર્દેશક ચંદ્રજીત બેનર્જીએ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં જીંદગીની સાથોસાથ આજીવિકા-કમાણી પણ અગત્યની છે. સરકારે પરંપરાગત પગલાઓને બદલે સમયની માંગને અનુરૂપ હોય તેવા પગલા લેવાની અનિવાર્યતા છે. ભલે થોડા સમય માટે હોય પરંતુ ટુંકા સમયમાં જ અર્થતંત્રમાં જાન ફુંકી શકે તેવા હોવા જોઈએ. આ માટે કેટલાંક સમય માટે કેટલીક ચીજોમાં જીએસટી દર ઘટાડવા જોઈએ તથા નાના વેપારીઓને નાણાકીય સહાય પુરી પાડવી જોઈએ.

સરકારે આ માટે ખાસ ફંડ ઉભુ કરવુ જોઈએ. બીજી તરફ વેપાર ઉદ્યોગમાં અન્ય સંગઠન દ્વારા સંસદના વર્તમાન સત્રમાં આર્થિક બાબતોને લાગતા વિધેયકો પસાર કરવાની માંગ કરી છે તેના આધારે અર્થતંત્રને ધમધમતુ કરવામાં મદદ મળી જશે. વીમા ખરડા જેવા વિધેયકો પસાર થાય તો આર્થિક ઉદારીકરણની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગણાશે.


Related News

Loading...
Advertisement