કચ્છમાં બનશે દેશનો સૌથી મોટો વિટ્રિફાઈડ ટાઈલ્સ પ્લાન્ટ: સનહાર્ટ ગ્રુપે અજંતા ઓરેવા ગ્રુપ સાથે મીલાવ્યો હાથ

22 July 2021 11:21 AM
kutch Rajkot
  • કચ્છમાં બનશે દેશનો સૌથી મોટો વિટ્રિફાઈડ ટાઈલ્સ પ્લાન્ટ: સનહાર્ટ ગ્રુપે અજંતા ઓરેવા ગ્રુપ સાથે મીલાવ્યો હાથ

* મોરબીની બે દિગ્ગજ ટાઈલ્સ ઉત્પાદક કંપનીએ ‘એક’ થઈ રચ્યો ઈતિહાસ

* 270 કરોડનું કરાશે રોકાણ, વર્ષે 399 કરોડના ટર્નઓવરનો અંદાજ: રોજગાર આપવાના આશયથી કંપની કાચા માલ માટે પોતે જ સપ્લાયરોને તૈયાર કરશે: દેશના જીડીપી અને વિદેશી હુંડિયામણમાં વધારો કરવા પ્લાન્ટ બનશે સહાયક-સનહાર્ટ ગ્રુપના ચેરમેન ભૂદરભાઈને વિશ્વાસ

* 99 એકર જગ્યામાં નિર્માણ પામનારા પ્લાન્ટમાં તબક્કાવાર ત્રણ પ્રોડક્શન લાઈન્સની કરાશે સ્થાપના, પ્રથમ લાઈન 6 મહિનામાં થઈ જશે કાર્યરત

રાજકોટ, તા.22
ભારત જ નહીં બલ્કે વિદેશમાં આગવું સ્થાન મેળવી ચૂકેલા મોરબીના સિરામિક ઉદ્યોગે વધુ એક સાહસિક પગલું ઉઠાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ના વિઝનને સાર્થક કરવા માટે કચ્છના સામખીયાળીમાં દેશનો સૌથી મોટો વિટ્રિફાઈડ ટાઈલ્સ પ્લાન્ટ આકાર પામવા જઈ રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવા માટે દિગ્ગજ ટાઈલ્સ ઉત્પાદક કંપની સનહાર્ટ ગ્રુપ અને અજંતા ઓરેવા ગ્રુપે હાથ મીલાવીને ઈતિહાસ રચી દીધો છે.

આ પ્લાન્ટને ઉભો કરવા માટે 270 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેના થકી વર્ષે રૂા.399 કરોડનું ટર્નઓવર થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અંગે સનહાર્ટ ગ્રુપના ચેરમેન ભુદરભાઈએ જણાવ્યું કે આજના સમયમાં ટાઈલ્સ દરેક વ્યક્તિના જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. વાત ઘરની હોય, ઓફિસની હોય કે પછી કોઈ અન્ય જગ્યાની તેમાં ટાઈલ્સ વગર કલ્પના કરવી મુશ્કેલ બની ગઈ છે. ટાઈલ્સના ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી ત્રણ દેશમાં ભારત સામેલ થયું છે અને તેના માટે મોરબીના સિરામિક ઉદ્યોગનો સિંહફાળો રહ્યો છે.

સનહાર્ટ બ્રાન્ડ ભારતીય સિરામિક ઉદ્યોગની છઠ્ઠી સૌથી યુવા બ્રાન્ડ બની ગઈ છે. સનહાર્ટ બ્રાન્ડની પ્રોડક્ટસમાં આકર્ષક વિવિધતા છે જેને સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવે છે. આ બ્રાન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ વિઝનને ખરા અર્થમાંસાકાર કરે છે. છેલ્લા પાંચ વર્ષથી ભારતીય સિરામિક કંપનીના સ્વરૂપે સનહાર્ટની ગણતરી ભારતના સૌથી મોટા નિકાસકાર તરીકે થાય છે તેમજ થ્રી-સ્ટાર એક્સપોર્ટ હાઉસનો દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ સિરામિક બ્રાન્ડ પણ છે. ટાઈલ્સની ગુણવત્તા માટે તેમાં નવીનતા આપી સનહાર્ટ કંપનીએ કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે પણ ગત વર્ષે 639 કરોડ રૂપિયાના ટર્નઓવરનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.

ભુદરભાઈએ વધુમાં જણાવ્યું કે અમારા માટે ગર્વની વાત છે કે અમે આંતરરાષ્ટ્રીય માપદંડ ઉપર ખરા ઉતરવામાં સફળ રહ્યા છીએ. હવે આ સફળતાને વધુ આગળ લઈ જવા માટે અજંતા ઓરેવા ગ્રુપ સાથે મળીને કચ્છના સામખીયાળીમાં વિટ્રિફાઈડ ટાઈલ્સના પ્લાન્ટની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. જયસુખભાઈ ભાલોડિયાના નેતૃત્વ હેઠળની કંપની અજંતા ઓરેવા ગ્રુપ સાથે અમારી ભાગીદારી સાથે મળીને કામ કરવાની અદ્ભુત શક્તિનું પ્રતીક છે. આ પ્લાન્ટમાં ત્રણ પ્રોડક્શન લાઈન્સ બનાવવામાં આવશે જે પૈકી પ્રથમ લાઈન્સ છ મહિનામાં કાર્યરત થઈ જશે.

ખાસ કરીને રોજગાર આપવાના આશયથી કાચા માલને પૂરો પાડવા માટે કંપની સપ્લાયરોને તૈયાર કરશે. આ ઉપરાંત પ્લાન્ટના ઉત્પાદન સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ એજન્સીઓને તૈયાર કરવામાં આવશે જેમાં ટ્રાન્સપોર્ટ, બેન્કીંગ સેવાઓનો લાભ મળશે અને તેના થકી મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળી રહેશે. એકંદરે કંપની પોતાની સાથે હિતધારકોનો વિકાસ થાય તેવી ખેવના રાખી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના સામખીયાળીમાં 99 એકર જગ્યામાં આ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. આ માટે ‘સનશાઈન વિટરિયસ ટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ’ના નામથી અલગ એકમ બનાવવામાં આવશે જે સનહાર્ટ બ્રાન્ડ હેઠળ પોતાની પ્રોડક્ટસનું બજારમાં વેચાણ કરશે.

પ્લાન્ટ થકી 750થી વધુ લોકોને મળશે રોજગાર
વિટ્રિફાઈડ ટાઈલ્સ પ્લાન્ટ થકી 750થી વધુ લોકોને રોજગાર મળી રહેશે જેમાં 546 શ્રમિકો, 100 અર્ધ-શિક્ષિત કર્મચારીઓ, 50 શિક્ષિત કર્મચારીઓ, 24 ઓફિસ સ્ટાફ અને પ્રોફેશ્નલ સ્ટાફ સામેલ છે. આ પ્લાન્ટને સ્થાપિત કરવાનો મુળ હેતુ વિદેશી નિકાસ સંબંધિત માંગને પૂર્ણ કરવાનો રહેશે. આ પ્લાન્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને રીતે લોકોને રોજગારી આપનારો બની રહેશે.

પ્લાન્ટમાં દરરોજ 51,000 ચો.મી. વિટ્રિફાઈડ ટાઈલ્સનું થશે ઉત્પાદન
સામખીયાળીમાં નિર્માણ પામનારા દેશના સૌથી મોટા વિટ્રિફાઈડ ટાઈલ્સ પ્લાન્ટમાં દરરોજ 51,000 ચોરસમીટર વિટ્રિફાઈડ ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્લાન્ટમાં અત્યંત આધુનિક અને ઉચ્ચ શ્રેણીના મશીનનો ઉપયોગ કરવામાં આવનાર હોવાનું સનહાર્ટ ગ્રુપના ચેરમેન ભુદરભાઈએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ પ્લાન્ટમાં ત્રણ પ્રોડક્શન લાઈન્સની સ્થાપના કરાશે અને તે પૈકીની પ્રથમ લાઈન્સ છ મહિનામાં કાર્યરત થશે. આ પ્લાન્ટમાં તબક્કાવાર 270 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેના થકી વર્ષે રૂા.399 કરોડનું ટર્નઓવર થવાનો અંદાજ છે.

ત્રણ વર્ષમાં 1500 કરોડનું ટર્નઓવર સિદ્ધ કરવાનો લક્ષ્યાંક
સનહાર્ટ ગ્રુપના ચેરમેન ભુદરભાઈએ જણાવ્યું કે તબક્કાવાર રીતે ટાઈલ્સ, સેનેટરી વેર અને બાથવેરમાં સનહાર્ટ ગ્રુપ રોકાણ કરશે. કંપનીએ આગામી ત્રર વર્ષમાં રૂા.1000 કરોડનું તથા આગામી પાંચ વર્ષમાં રૂા.1500 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો લક્ષ્યાંક સેવ્યો છે અને તેને સાકાર કરવા માટે રાત-દિવસ એક કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement