રવિ પૂજારીએ બોરસદ ફાયરિંગનો ગુનો કબૂલ્યો

22 July 2021 11:37 AM
Rajkot Crime
  • રવિ પૂજારીએ બોરસદ ફાયરિંગનો ગુનો કબૂલ્યો

‘બંદૂક કી ગોલી સોચતી નહીં હૈ કૌન કાઉન્સિલર હૈ ઔર કૌન મિનિસ્ટર’ : કાઉન્સિલરના ભાઈને ફોન કરી ધમકી આપેલી

રાજકોટ, તા.22
કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીનું નામ બોરસદ ફાયરીંગ કેસમાં ખૂલ્યા બાદ તેની બેંગલુરૂથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોરસદ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં તેના 7 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ક્રાઈમ બ્રાન્ચની આકરી રિમાન્ડ દરમિયાન રવિ પૂજારીએ બોરસદ ફાયરિંગનો ગુનો કબૂલ્યો છે, તેણે કાઉન્સિલરના ભાઈને ફોન કરી ધમકી આપેલી, જે ઓડિયોના આધારે રવિ પૂજારીનું વોઈસ સેમ્પલ લઈ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ માટે મોકલવામાં આવશે.

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારાએ વર્ષ 2017માં બોરસદના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરીંગ કરાવ્યા બાદ ભાઈ સંકેતને ઓસ્ટ્રેલિયાથી ફોન કરી ધમકી આપી હતી. ગુજરાત, મુંબઈ સહિત સમગ્ર દેશમાં સેલિબ્રિટી સહિત અનેક નામી-અનામી વ્યક્તિઓને ફોન કરી ધમકાવી, તથા ખંડણી માંગવાના ગુનામાં રવિ પૂજારી સંડોવાયેલો છે. નોંધનીય છે કે, રવિ પૂજારી વિરૂદ્ધ ખંડણી માંગવી, ધમકી આપવી સહિતના 14 ગુના પર ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહી છે.

કાઉન્સિલરના ભાઈ સંકેત પટેલને ફોન કરી ધમકી આપતા રવિ પૂજારીએ કહ્યું હતું કે, " બંદૂક કી ગોલી સોચતી નહીં હૈ કૌન કાઉન્સિલર હૈ ઔર કૌન મિનિસ્ટર, તેરે ભાઈ કો બોલના કાંઈ કો લિયે મેટર મેં ગિરતા હે, ઇધર ઉધર મેટરમે ઘુસ્તા હૈ, ઉસકો પતા નહિ કિસકે સાથ કિસ મેટરમાં ઝઘડા હુવા હૈ. ઈસ બાર સિર્ફ ટ્રાયલ દિયા હૈ, અગલી બાર ઠોક ડાલેગા." આ પ્રકારની ઓડિયો કલીપ સામે આવી છે. પૂજારીએ ક્રાઈમ બ્રાન્ચને રિમાન્ડ દરમિયાન બિન્દાસ જવાબો આપ્યા છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અનેક ગુના આચર્યા હોવાથી હવે તેને ગુનાની હિસ્ટ્રી યાદ નથી. અને અનેક માણસો હોવાથી હવે તે ક્યાં માણસો પાસે કામ કરાવેલું એ પણ તેને યાદ ન હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. તેમણે એ પણ કહ્યું કે તે ખંડણી માટે ફાયરિંગ કરાવતો. હથિયાર- બંદૂક લેવા તે હવાલા મારફત તેના સાગરીતોને રૂપિયા પહોંચાડતો હતો. ક્યારેક વિદેશમાં બેઠેલા તેના સાગરીતો પાસેથી પણ રૂપિયા મોકલવાતો હતો.

આણંદના ઉદ્યોગપતિ પાસે 25 કરોડની ખંડણી માંગેલી, સરકાર વિરુદ્ધ ન બોલવા ધારાસભ્યને ધમકી આપેલી
ગુજરાતમાં રવિ પૂજારી 21 કેસોમાં સંડોવાયેલો છે. વર્ષ 2017માં ફાયરીંગ પ્રકરણમાં રવિ પૂજારીનું નામ ખૂલ્યા અગાઉ તેણે વર્ષ 2016માં આણંદના બિલ્ડર અરવિંદભાઈ પટેલને ફોન કરી ધમકી આપી હતી અને રૂ. 25 કરોડની ખંડણી માંગી હતી. એ જ વર્ષ સહકારી મંડળીના એક આગેવાનને ફોન કરી રૂ.25 કરોડની ખંડણી માંગી હતી. આ સિવાય, પ્રજ્ઞેશ કેસ અને સરકાર વિરૂદ્ધ ન બોલાવા બાબતે ધારાસભ્ય અમિત ચાવડાને પણ ફોન કરી ધમકી આપી હોવાનહ ખુલ્યું હતું.

ફાયરીંગ કેસમાં 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે
બોરસદ ફાયરિંગ કેસમાં અગાઉ ખુલ્યું હતું કે, નગરપાલિકાની ચૂંટણી હારી જતા ચંદ્રેશ પટેલ તથા શ્યામગિરી ગોસ્વામીએ પ્રજ્ઞેશ પટેલની હત્યા કરવાનું નક્કી કરી કાવતરું રચ્યું હતું. રવિ પૂજારીના કહેવાથી સુરેશ કિટ્ટા પૂજારી તથા સુરેશ અન્ના પૂજારીએ વ્યવસ્થા ગોઠવી આપી હતી. પછી સુરેશ પિલ્લાઈ અને મહંમદ સાબીરે ફાયરિંગ કર્યું હતું. બનાવમાં 13 આરોપીની ધરપકડ કરાઈ હતી. તે સમયે રવિ પૂજારી વોન્ટેડ હતો.


Related News

Loading...
Advertisement