ગેટ સેટ ગો: ‘ટોક્યો ઓલિમ્પિક’નો કાલથી પ્રારંભ: 11000થી વધુ ખેલાડીઓ બતાવશે દમ

22 July 2021 11:55 AM
Sports World
  • ગેટ સેટ ગો: ‘ટોક્યો ઓલિમ્પિક’નો કાલથી પ્રારંભ: 11000થી વધુ ખેલાડીઓ બતાવશે દમ

ફૂટબોલ મેચમાં બ્રાઝીલ અને બ્રિટને જીતથી શરૂ કર્યું અભિયાન: ભારતના 227 ખેલાડીઓ 18 રમતોમાં ઉતરશે: વહેલી સવારે 5:30 વાગ્યાથી મુકાબલા શરૂ: મેડલ ઈવેન્ટ 24 જૂલાઈથી શરૂ થશે: 8 ઓગસ્ટ સુધી ચાલશે રમતોત્સવ

પહેલી વખત પ્રેક્ષકો વગર ઓલિમ્પિક રમાશે : સવારે 5:30 વાગ્યે ભારતની મહિલા તિરંદાજ દીપિકા કુમારીનો મુકાબલો

નવીદિલ્હી, તા.22
આવતીકાલથી જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવનો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ તો ઓલિમ્પિકના વોર્મઅપ મુકાબલા 21 જૂલાઈથી જ શરૂ થઈ ગયા છે. ગયા વર્ષે કોરોનાને કારણે સ્થગિત થયેલી ઓલિમ્પિક આ વર્ષે ફરી શરૂ થઈ રહી છે. આ વખતે 200થી વધુ દેશના 11 હજારથી વધુ ખેલાડીઓ દમ બતાવવા ઉતરી રહ્યા છે જેમાં ભારતના 217 ખેલાડીઓ સામેલ છે. ભારતીય ખેલાડીઓ વિવિધ 18 રમતોમાં ‘તાકાત’ બતાવશે. કાલે સવારે 5:30 વાગ્યેભારતની મહિલા તિરંદાજ દીપિકા કુમારીનો મુકાબલો થશે.

ઓલિમ્પિકનો પહેલો મુકાબલો વહેલી સવારે 5:30 વાગ્યાથી થશે. મહિલા સોફ્ટબોલ મેચમાં મેજબાન જાપાનની ટક્કર ઓસ્ટ્રેલિયા સાથે થશે. આ સાથે જ મહિલા તીરંદાજ દીપિકા કુમારી પણ અભિયાનનો પ્રારંભ કરશે. જ્યારે8:30 વાગ્યે અમેરિકા અને ઈટાલી ટકરાશે તો 11:30 વાગ્યે મેક્સિકોનો મુકાબલો કેનેડા સામે થશે. પાછલા બે ઓલિમ્પિકમાં સોફ્ટબોલને જગ્યા મળી નહોતી. પહેલી વખત 1996માં તેને સામેલ કરાઈ હતી. અમેરિકાએ સૌથી વધુ ત્રણ વખત ગોલ્ડ મેડલ જીત્યા છે તો જાપાને એક વખત 2008માં બીજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ ઉપર કબજો કર્યો હતો.

કુલ છ ટીમોને આ રમતમાં સામેલ કરવામાં આવી છે જેમાં ત્રણ ટીમોને મેડલ મળવાનું પાક્કું છે. ટોક્યો ઓલિમ્પિકનો પ્રારંભ કાલથી થશે પરંતુ મહિલા ફૂટબોલના વોર્મઅપ મેચોની શરૂઆત બુધવારથી જ શરૂ થઈ ગઈ છે. બ્રાઝીલ અને બ્રિટને ટૂર્નામેન્ટમાં જીતથી શરૂઆત કરી છે. માર્ટાના બે ગોલની મદદથી બ્રાઝીલે ચીનને 5-0થી હરાવ્યું છે. માર્ટા આ રીતે સતત પાંચ ઓલિમ્પિકમાં ગોલ કરનારી પહેલી ખેલાડી બની ગઈ છે. દુનિયાની સાતમા નંબરની ખેલાડી માર્ટા ઉપરાંત દેબિંહા, આંદ્રેસા એલ્વેસ અને બીટ્રીઝે પણ ગોલ કર્યા હતા. દિવસના અન્ય મુકાબલામાં એલેન વ્હાઈટના બે ગોલની મદદથી બ્રિટને ચીલી વિરુદ્ધ 2-0થી જીત મેળવી હતી.

વ્હાઈટે 18મી મિનિયમાં ટીમને લીડ અપાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 23 જૂલાઈથી8 ઓગસ્ટ વચ્ચે આ વખતે ઓલિમ્પિકનું આયોજન થવાનું છે. પાછલા વર્ષે આ ટૂર્નામેન્ટ રમાવાની હતી પરંતુ કોરોનાને કારણે સ્થગિત કરવી પડી હતી. જાપાન સરકારે કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ વખતે ઓલિમ્પિક દરમિયાન દર્શકોના આવવા પર પાબંદી લગાવી છે.

ઉદ્ઘાટન સમારોહમાં અત્યંત ઓછા ભારતીય ખેલાડીઓ રહેશે હાજર
કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખી કાલથી શરૂ થનારા ટોક્યો ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ખેલાડીઓ ઓછી સંખ્યામાં હાજર રહેશે. યીમના માત્ર છ અધિકારીઓને જ તેમાં ભાગ લેવાની મંજૂરી મળી છે. જે ખેલાડીઓના પરમ દિવસ મેચ છે તેમને ઉદ્ઘાટન સમારોહમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે. આ રમતોત્સવમાં ભારતના 120થી વધુ ખેલાડીઓભાગ લઈ રહ્યા છે જ્યારે ભારતીય ટીમમાં અધિકારીઓ, કોચ તેમજ અન્ય સહયોગી સ્ટાફ સહિત કુલ 228 સભ્યો સામેલ છે. ભારતીય ઓલિમ્પિક એસો.ના મહાસચિવ રાજીવ મહેતાએ કહ્યું કે સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી વધુ સંખ્યામાં ખેલાડીઓને ઉદ્ઘાટન સમારોહમાં જવા દેવાશે નહીં.

ટોક્યોમાં રેકોર્ડબ્રેક 1832 કોરોના કેસ; ચાર ખેલાડી પણ ઝપટે ચડ્યા
ટોક્યોમાં કટોકટી છતાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓલિમ્પિક શરૂ થવાના બે દિવસ પહેલાં ટોક્યોમાં કોરોનાના 1832 નવાકેસ નોંધાયા છે જે છેલ્લા છ મહિનાના સૌથી વધુ છે. બીજી બાજુ કોરોનાથી સંક્રમિત થવાને કારણે અલગ અલગ દેશોના ચાર ખેલાડીઓ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગયા છે. આ ચાર ખેલાડીઓ પૈકી ત્રણ ખેલાડી ટોક્યોમાં જ્યારે એક પોતાના દેશમાં જ સંક્રમિત થઈ ગયો છે. બ્રિટનના ટોચનું રેન્કીંગ ધરાવતાં શૂટણ અંબર હિલ, ચીલીની ટેકવાન્ડો ખેલાડી ફર્નાંડા એગ્વાયર, નેધરલેન્ડની સ્કેટબોર્ડ ખેલાડી કેન્ડી જેકબ્સ અને ચેક રીપબ્લીકની ટેબલ ટેનિસ ખેલાડી પાવેલ સિરુસેક કોરોનાગ્રસ્ત થઈ ગઈ છે.


Related News

Loading...
Advertisement