ગુજરાતમાં શુક્રથી સોમવાર સુધીમાં વરસાદનો રાઉન્ડ: સૌરાષ્ટ્રમાં માત્રા ઓછી હશે

22 July 2021 03:50 PM
Ahmedabad Gujarat Rajkot
  • ગુજરાતમાં શુક્રથી સોમવાર સુધીમાં વરસાદનો રાઉન્ડ: સૌરાષ્ટ્રમાં માત્રા ઓછી હશે

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: અમુક દિવસે સાર્વત્રિક અને બાકી છુટોછવાયો વરસાદ થશે: ગુજરાતમાં બે થી ત્રણ ઈંચ, સીમીત ભાગોમાં 3 થી 8 ઈંચ વરસાદ વરસશે: સૌરાષ્ટ્ર-કચ્છમાં બે ઈંચ સુધી પાણી વરસશે

રાજકોટ તા.22
સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટાને બાદ કરતાં નોંધપાત્ર કે સાર્વત્રીક વરસાદ નથી પરંતુ આવતીકાલ તા.23 થી 26 જુલાઈ સુધી વરસાદનો એક રાઉન્ડ આવવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. ગુજરાતમાં વરસાદનું જોર વધુ હશે. સૌરાષ્ટ્રમાં માત્રા ઓછી રહેવા છતાં વરસાદ વ્યાપક રહેવાની શકયતા છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ઉતર પશ્ચીમી બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમ સર્જાઈ છે અને તેને આનુસાંગીક લો-પ્રેસર 7.6 કી.મીની ઉંચાઈએ છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ-પશ્ચીમ તરફ ઝુકે છે. ચોમાસુ ધરી ફીરોઝપુર-અલીગઢ-રાંચી-બાલાસીનોરથી લો-પ્રેસર સ્થળ અને ત્યાંથી મહત્વપૂર્ણ બંગાળની ખાડી સુધી છે. એક ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉતર કેરલ સુધી છે.

લો-પ્રેસર સીસ્ટમ ધરી પર આવતા બે દિવસ થાય તેમ છે. ઘરીને પશ્ચીમ છેડો દક્ષિણ તરફ આવવા સાથે દોઢ કિલોમીટરનાં લેવલે ચોમાસું ધરી રાજસ્થાનથી મધ્યપ્રદેશ-ઓડીશા બાજુથી લો-પ્રેસર સીસ્ટમ તરફ જશે. તા.23 થી 30 જુલાઈ સુધીની આગાહીમાં અશોકભાઈ પટેલે કહ્યું કે 23 થી 25 જુલાઈ દરમ્યાન 3.1 કીમીથી 5.8 કીમીના લેવલમાં બહોળુ સરકયુલેશન મધ્યપ્રદેશ તથા આગળ ફેલાશે. વધતી ઉંચાઈએ તેનો ઝુકાવ દક્ષિણ તરફ રહેશે.

આ સ્થિતિમાં 23 થી 26 જુલાઈ વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવશે અને ત્યારબાદનાં દિવસોમાં પણ છુટોછવાયો વરસાદ ચાલુ રહેવા સંભાવના છે. આગાહીના સમય ગાળામાં ઉતર દક્ષિણ તથા મધ્ય ગુજરાતના ભાગોમા હળવો-મધ્યમ ભારે વરસાદ થવાની શકયતા છે. અમુક દિવસે છુટોછવાયો તથા અમુક દિવસે સાર્વત્રીક વરસાદ થઈ શકે છે. સીમીત વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે આ સમયમાં બે થી ત્રણ ઈંચ વરસાદ થઈ શકે છે.

જયારે અતિભારે વરસાદ થાય ત્યાં 3 થી 8 ઈંચ સુધીનો વરસાદ થવાની શકયતા છે. ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા ઓછી રહેવાની શકયતા છે.છુટોછવાયો હળવો-મધ્યમ-ભારે વરસાદ શકય છે. એકાદ દિવસ મોટાભાગનાં વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. જયારે બાકી અન્ય દિવસોમાં જુદા જુદા ભાગમાં વરસાદ થવાની શકયતા છે.આ દરમ્યાન 50 ટકા વિસ્તારોમાં એક થી બે ઈંચ તથા બાકીના 50 ટકા વિસ્તારોમાં એક ઈંચ વરસાદ શકય છે. કચ્છમાં અર્ધાથી બે ઈંચ વરસાદની શકયતા છે.

પ્રશાંત મહાસાગરમાં મોટા વાવાઝોડાથી ભેજ ખેચાઈ જાય છે
અશોકભાઈ પટેલના કહેવા પ્રમાણે આગામી 27-28 મી જુલાઈએ વધુ એક લો-પ્રેસર સિસ્ટમ ઉદભવી શકે છે. છતા હાલમાં પ્રશાંત મહાસાગરમાં એક મોટુ વાવાઝોડુ ઉદભવ્યુ છે.અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીના પવન પ્રશાંત મહાસાગર તરફ જાય છે. આ વાવાઝોડુ ઘણા દિવસો પ્રશાંત મહાસાગરમાં જ રહેવાનું છે એટલે ભેજ ખેંચાઈ જશે.
Related News

Loading...
Advertisement
Advertisement