જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂા.4.17 કરોડના વિવિધ કામોની દરખાસ્તોને બહાલી

23 July 2021 02:16 PM
Jamnagar Saurashtra
  • જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂા.4.17 કરોડના વિવિધ કામોની દરખાસ્તોને બહાલી

શ્રાવણી મેળાનું આયોજન સતત બીજા વર્ષે રદ કરવાનો કરાયો નિર્ણય: શહેરના આસ્ફાલ્ટ રોડ અને સ્પીડબ્રેકરની મરામતના કામો રૂા.105 લાખના ખર્ચે ચોમાસા બાદ કરાવવા ઠરાવ કરાયો: ગુલાબનગર ઇ.એસ.આર.ના ઇન્ફ્રાસ્ટ્રકચરના નવીનીકરણ માટે રૂા.1.86 કરોડ મંજૂર કરાયા: વોર્ડ.નં.1માં ગરીબનગર મેઇન રોડથી ઓસીયાનીક તરફના ગાડા માર્ગને રૂા.78 લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવા નિર્ણય

જામનગર તા.23
જામનગર મહાનગરપાલિકાની ગઇકાલે બપોરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 4.17 કરોડના વિવિધ કામોની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. આ વખતે પણ શ્રાવણીમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ મનીષભાઇ કટારીયાના પ્રમુખસ્થાને ગઇકાલે બપોરે યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિટિના 12માંથી કુલ 11 સભ્યો ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, કમિશ્ર્નર વિજયકુમાર ખરાડી, ડે.કમિશ્ર્નર વસ્તાણી, આસી.કમિશ્ર્નર (વહીવટ) ભાર્ગવ ડાંગર, આસી.કમિશ્ર્નર (ટેકસ) જીજ્ઞેશ નિર્મળ, સીટી ઇજનેર શૈલેષ જોષી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અન્વયે આસ્ફાલ્ટ રોડ અને સ્પીડબ્રેકરના રીપેરીંગ કામ માટે રૂા.105 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી ચોમાસુ પુરૂ થયા બાદ શરૂ કરાવવા તંત્રને તાકિદ કરાઇ હતી. આ ઉપરાંત પવનચક્કીથી જોલીબંગલા સુધીના ફોરલેન રોડ ઉપર સેન્ટ્રલ લાઇટીંગ વર્ક બાબતે કમિશ્ર્નરે રજૂ કરેલી દરખાસ્ત મુજબ રૂા.18.54 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

ગુલાબનગર ઇ.એસ.આર ખાતે 27 લાખ લીટર કેપેસીટીનો ક્ષતિગ્રસ્ત સંપ , પંપ રૂમ, પેનલ રૂમ ડિસ્મેન્ટલ કરીને તેના સ્થાને 36.70 લાખ લીટરનો સંપ અને પંપહાઉસ તેમજ પેનલ રૂમ, કોલોરીનેશન રૂમ બનાવવા તેમજ હયાત રિસ્ટોલ કરેલ પંપીંગ મશીનરી સીફટીંગ કરવાનું તેમજ હયાત ઇ.એસ.આર.ને કલર કરવા સહિતના કામ માટે રૂા.186 લાખના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

વોર્ડ.નં.6માં આવેલ વામ્બે આરોગ્ય કેન્દ્રમાં કોરોના સંદર્ભે સ્ટોર રૂમ, ઓપન ગ્રાઉન્ડમાં બ્લોક તથા ફેન્સીંગ કરવાના કામ માટે રૂા.8.30 લાખનો ખર્ચ મંજૂર કરાયું હતું. વોર્ડ.નં.2માં એસ.વી.ઇ.ટી કોલેજ પાછળ આવેલ કોમ્યુનીટી હોલનું રીપેરીંગ કરાવવા માટે રૂા.3.61 લાખ, વોર્ડ.નં.4માં મધુવન સોસાયટીના છેડે નદીના કાંઠે રૂા.6.50 લાખના ખર્ચે દિવાલ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.

15માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે વોર્ડ.નં.1માં ગરીબ નગર મેઇન રોડથી ઓસીયાનીક સોલવન્ટ ઇન્ડસ્ટ્રીઝ તરફ જતા હયાત ગાડા માર્ગ પર સી.સી.રોડ બનાવવા રૂા.78 લાખના ખર્ચની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અન્વયે વોર્ડ.નં.11માં કાલાવડ નાકા બહાર સતવારાવાડ શેરી.નં.1,2 અને 3માં રૂા.11.88 લાખના ખર્ચે સી.સી.રોડ બનાવવાનું કામ મંજૂર કરાયું હતું.
આગામી શ્રાવણ માસ દરમ્યાન યોજાનાર શ્રાવણી મેળાને રદ કરવાનો નિર્ણય રાજય સરકારના નિર્દેશ અનુસાર સ્થાયી સમિતિએ કર્યો હતો અને સાથોસાથ સ્પષ્ટ કર્યુ હતું કે, ભવિષ્યમાં જે પ્રમાણે રાજય સરકાર દ્વારા છુટછાટ જાહેર કરવામાં આવશે તે અનુસાર અમલવારી કરવામાં આવશે. આમ આ બેઠકમાં કુલ રૂા.4 કરોડ 17 લાખ 83 હજારના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement