સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી પછી નાણાં નહીં ચૂકવાતા ખેડૂતોમાં રોષની લાગણી

23 July 2021 02:46 PM
Jamnagar
  • સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી પછી નાણાં નહીં ચૂકવાતા ખેડૂતોમાં રોષની લાગણી

જિલ્લામાં 187 ખેડૂતોને પેમેન્ટ નહીં ચૂકવાયાનું બહાર આવ્યું: 22,039 ખેડૂતનો ચણાના ટેકાને જાકારો

જામનગર તા.23
જામનગર જિલ્લામાં 16 માર્ચથી શરૂ કરાયેલી ટેકાના ભાવે ચણાની ખરીદીમાં 22039 ખેડૂતોએ ચણાના ટેકાને જાકારો આપી દીધો છે. મહિનાથી ખરીદી બંધ હોવા છતાં જિલ્લાના 187 ખેડૂતોને નાણાં નહીં ચૂકવાતા ખેડૂતો રોષે ભરાયા છે. કાલાવડ તાલુકામાં 115 ખેડૂતોને ચૂકવણું બાકી હોવાનું બહાર આવ્યું છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે એક ખેડૂત પાસેથી મહતમ 50 મણની ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ યાર્ડ અને ટેકાના ભાવમાં નજીવો તફાવત હોવાથી જિલ્લાના 22039 ખેડૂતોએ ચણાના ટેકામાં જોડાયા ન હતાં. સરકાર દ્વારા મહીનાથી ખરીદી બંધ થઇ હોવા છતાં હજુ 187 ખેડૂતને ટેકાના ભાવના નાણાંનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. સૌથી વધુ કાલાવડ તાલુકાના 115 ખેડૂતોને નાણાં ચૂકવાયા નથી જેનાથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.

રાજયની સાથે જામનગર શહેર-જિલ્લામાં ગત 16 માર્ચથી માર્કેટીંગ યાર્ડમાં પુરવઠા નિગમ દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે 30 જૂન સુધી ચાલી હતી. જો કે, આ દરમ્યાન કોરોના મહામારીના કારણે દોઢ મહિના સુધી ખરીદી બંધ રહી હતી. સરકાર દ્વારા 20 કીલો ચણાનો ટેકાનો ભાવ રૂ.1020 નકકી કરાયો હતો. એક ખેડૂત પાસેથી મહતમ 50 મણ ચણાની ખરીદી કરવામાં આવી હતી. ટેકાના ભાવે ચણા વેંચવા જામનગર શહેર-જિલ્લામાં કુલ 49713 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. પરંતુ તેમાંથી ફકત 27674 ખેડૂતે ટેકાના ભાવે ચણાનું વેંચાણ કર્યું હતું. આથી કુલ 22039 ખેડૂતોએ ટેકાના ભાવને જાકારો આપ્યો હતો. જેની પાછળ ખેડૂત દીઠ મહતમ 50 કીલોની ખરીદી અને યાર્ડ તથા ટેકાના ભાવમાં નજીવો તફાવત કારણભૂત છે. જામનગર જિલ્લામાં સરકાર દ્વારા 266325 કવીન્ટલ ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. જોકે જિલ્લાના 22039 ખેડૂતોએ સરકારના ટેકાના ભાવે ચણાની ખરીદીને સ્વીકારવાને બદલે ખુલ્લા યાર્ડમાં જ ચણાનું વેચાણ કર્યુ હોવાનું જાણવા મળે છે.


Loading...
Advertisement
Advertisement