જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો 34.5 ડીગ્રી પહોંચ્યો

23 July 2021 02:48 PM
Jamnagar
  • જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો 34.5 ડીગ્રી પહોંચ્યો

જામનગર તા.23
જામનગર શહેરમાં દિવસભર વાદળો અને સૂર્યનારાયણ વચ્ચે સંતાકુકડી જેવો ઘાટ વાતાવરણમાં બની રહે છે. કાળા ડિબાંગ વાદળો અને ભેજનું પ્રમાણ 91 ટકા હોવા છતાં વરસાદ થતો નથી. જેનાથી ખેડૂતો ઉપર વરસાદને લઇને ચિંતાના વાદળો સર્જાયા છે. જોકે હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઇ છે.

જામનગર શહેરમાં લઘુતમ તાપમાનનો પારો સતત બીજા દિવસે પણ 28 ડીગ્રી પર રહ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં 2 ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 34.5 ડીગ્રી નોંધાયુ હતું. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 91 ટકા રહ્યું છે. ભેજનું પ્રમાણ વધતા જ બફારામાં પણ વધારો થયો છે. જોકે પવનની ગતિમાં ઘટાડા સાથે પ્રતિકલાક પવનની ગતિ 14.7 કિ.મી.ની નોંધાઇ છે. શહેરમાં પવનની ગતિ ઘટી છે. ભેજનું પ્રમાણ વધ્યુ છે આમ છતાં વરસાદ ન થતાં ખેડૂતોમાં વરસાદને લઇને ચિંતાના વાદળો ઘેરાઇ રહ્યા છે. અને શહેરીજનો ગરમી અને બફારા વચ્ચે ત્રાહીમામ થઇ ઉઠે છે. સવારથી જ સુર્યનારાયણના આકરા તાપના મીજાજથી રાહત મેળવવા વિદ્યુત ઉપકરણો અને ઠંડા-પીણાનો ઉપયોગ વધારી રહ્યા છે. અને વરસાદની રાહ ચાતક નજરે જોઇ રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement