મીઠાપુર નજીક પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

23 July 2021 03:01 PM
Jamnagar
  • મીઠાપુર નજીક પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત
  • મીઠાપુર નજીક પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

રેસ્કયુ ટીમની લાંબી જહેમત બાદ પાણીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

જામખંભાળીયા/દ્વારકા તા.23
ઓખા મંડળમાં હમુસર ગામે આવેલા એક ખેત-તળાવમાં ન્હાવા પડેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઓખા મંડળમાં અરેરાટીભર્યા આ બનાવની વિગત મુજબ મીઠાપુર નજીકના હમુસર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના ત્રણ યુવાનો ગઈકાલે ગુરુવારના રોજ હમુસર ગામ ખાતે આવેલી પાણી ભરેલી એક ખેત તલાવડીમાં સાંજે આશરે સાડા ચારેક વાગ્યે નહાવા પડ્યા હતા. તરતા ન આવડતું હોવા છતાં પણ પાણીમાં ન્હાવા ઉતરેલા આ યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી બે યુવાનો યેન-કેન પ્રકારે કાંઠા સુધી પહોંચી જવામાં સફળ થયા હતા. આશરે પચીસેક ફૂટ જેટલા ઊંડા અને આખા ભરેલા આ તળાવમાં હમુસર વિસ્તારમાં રહેતો નવાઝ મકોડા નામનો આશરે 19 વર્ષનો યુવાન પાણીમાં ગરક થઈ જતાં આસપાસના લતાવાસીઓએ આ અંગે તંત્રને જાણ કરાતા દ્વારકા અને ઓખા વિસ્તારની ફાયર ટીમ ઉપરાંત સ્કુબા ડાઈવિંગ કરતા નિષ્ણાત યુવાન આ સ્થળે દોડી ગયા હતા. પાણીમાં ગરક થઈ ગયેલા નવાઝની લાંબી શોધખોળ બાદ પાંચેક કલાકની જહેમત પછી રાત્રીના આશરે બારેક વાગ્યે તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આશાસ્પદ એવા યુવાનના અકાળે અવસાનના આ બનાવે પરિવારજનોમાં આક્રંદ સાથે આઘાતની લાગણી પ્રસરાવી છે.


Loading...
Advertisement
Advertisement