જામનગરમાં 22 દિવસમાં કોરોનાના માત્ર 45 કેસ: 54 દર્દી થયા ડિસ્ચાર્જ

23 July 2021 03:02 PM
Jamnagar
  • જામનગરમાં 22 દિવસમાં કોરોનાના માત્ર 45 કેસ: 54 દર્દી થયા ડિસ્ચાર્જ

ત્રણ સપ્તાહમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ ન થયાનો તંત્રનો દાવો

જામનગર તા.23
જામનગર શહેર છેલ્લા ત્રણ દિવસથી કોરોના મુકત રહ્યા બાદ ગઇકાલે શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જયારે જિલ્લામાં ગઇકાલે એક પણ કેસ નોંધાયો ન હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં એટલે કે જુલાઇ માસના વિતેલા 22 દિવસમાં કોવિડ હોસ્પિટલમાં કોરોનાને લીધે એક પણ દર્દીનું મૃત્યુ ન થયાનું આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયું છે.
જામનગર શહેર અને જિલ્લામાં જુલાઇ માસમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા 13 માસના તળિયે પહોંચ્યું છે. ગત મે માસ બાદના સૌથી ઓછા કેસ ચાલુ માસમાં નોંધાયા છે.
જુલાઇ માસના ગઇકાલ સુધીમાં એટલે કે છેલ્લા 22 દિવસમાં જામનગર શહેરમાં કોરોનાના 21 કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 25 દર્દી સ્વસ્થ થયા હોવાનું જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યુ છે. જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે એક પણ કેસ નોંધાયો ન હોવાથી છેલ્લા 22 દિવસમાં 24 વ્યકિતને કોરોના થયાનું અને તેની સામે 29 દર્દી સ્વસ્થ થયાનું ચિત્ર યથાવત રહેવા પામ્યું હતું.

પોઝીટીવીટી રેટમાં ધરખમ ઘટાડો
જામનગર શહેર અને ગ્રામ્યમાં કોરોના સંક્રમણના કેસની તુલના ટેસ્ટીંગ સાથે કરવામાં આવે તો પોઝીટીવીટી રેટમાં ધરખમ ઘટાડો જુલાઇ માસના ત્રણ સપ્તાહમાં જોવા મળ્યાનું જાહેર કરાયું છે. જુલાઇના ત્રણ સપ્તાહમાં જામનગર શહેરમાં 29,179 ટેસ્ટ સામે 21 પોઝિટીવ કેસ અને ગ્રામ્યમાં 17,034 ટેસ્ટ સામે 24 પોઝિટીવ કેસ નોંધાયા હતાં. આમ કુલ 46,213 ટેસ્ટ સામે 45 કેસ જ નોંધાયા હતાં. જેથી પોઝિટીવીટી રેટ માત્ર 0.09 ટકા નોંધાયો હતો.


Loading...
Advertisement
Advertisement