પંજાબમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા નવજોત સિઘ્ધુ : કેપ્ટને આશિર્વાદ આપ્યા

23 July 2021 04:14 PM
India Politics
  • પંજાબમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા નવજોત સિઘ્ધુ : કેપ્ટને આશિર્વાદ આપ્યા

પંજાબમાં કેપ્ટન અને સિઘ્ધુએ ‘ચા’ પર સમાધાન કર્યુ

પંજાબ કટોકટી ઉકેલાઇ ગયો હોવાનો રાહુલ ગાંધીનો દાવો : પ્રદેશ કોંગ્રેસ મથકે બંને નેતાઓ મળ્યા

અમૃતસર તા.23
પંજાબમાં કોંગ્રેસ પ્રમુખ પદે નવજોતસિંહ સિઘ્ધુની નિયુકિતના મુદ્દે સર્જાયેલા વિખવાદમાં અંતે આજે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ તથા સિઘ્ધુએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં સાથે બેસીને સમાધાનનો સંકેત આપી દીધો છે. નવજોત સિઘ્ધુએ આજે પ્રદેશ પ્રમુખ તરીકેનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો હતો અને કોંગ્રેસ ભવન ખાતે આયોજીત એક સમારોહમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દસિંહ પહોંચી ગયા હતા અને બંનેએ પહેલા 10 મિનિટ સુધી અલગથી ચર્ચા કરી હતી.

નવજોત સિઘ્ધુ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પહેલા પહોંચ્યા હતા અને કેપ્ટન આવતા જ તેઓ સામે ચાલીને તેઓનું સ્વાગત કરવા ગયા હતા અને તેમને પ્રદેશ પ્રમુખની ઓફિસમાં લઇ ગયા હતા તથા બંનેએ ચાય પર ચર્ચા કરી હતી. આ સમયે પ્રદેશના પ્રભારી હરીશ રાવત તથા સીનીયર કોંગ્રેસ નેતા અને સાંસદ મનિષ તિવારી પણ સામેલ હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ સિઘ્ધુ અને કેપ્ટન જૂથને હાલ સમાધાન કરી લેવા કોંગ્રેસ મોવડી મંડળે આદેશ આપ્યો હતો અને ગઇકાલે ખુદ સિઘ્ધુએ પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને આમંત્રણ આપ્યુ હતું અને એક લેખીત આમંત્રણમાં તમે પક્ષમાં મારાથી પણ મોટા છો અને તેથી આર્શિવાદ દેવા માટે આપે આવુ પડશે તેવુ જણાવ્યુ હતું. બાદમાં કેપ્ટને આમંત્રણ સ્વીકાર્યુ હતું. આ અગાઉ સિઘ્ધુ એક વખત કેપ્ટન અમરિન્દરસિંહને તેમના ફાર્મ હાઉસ ખાતે મળવા ગયા હતા.

પરંતુ કેપ્ટને મળવાનો ઇન્કાર કરીને જણાવ્યુ હતું કે જયાં સુધી મારી સરકાર સામેના આક્ષેપો સિઘ્ધુ પાછા ન ખેંચે અને દિલગીરી વ્યકત ન કરે ત્યાં સુધી હું તેની સાથે વાતચીત કરવા તૈયાર નથી. જો કે પક્ષના મોવડીઓના દબાણ હેઠળ કેપ્ટને હાલ યુઘ્ધ વિરામ સ્વીકારી લીધા હોવાના સંકેત છે તો બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મુલાકાત પર પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યુ હતું કે બંનેનો વિવાદ ઉકેલાઇ ગયો છે અને પંજાબ કટોકટી પણ ઉકેલાઇ ગઇ હોવાનું મંતવ્ય રાહુલ ગાંધીએ વ્યકત કર્યુ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement