ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસના પ્રભારી જાહેર થશે

23 July 2021 04:31 PM
Ahmedabad Gujarat Politics
  • ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસના પ્રભારી જાહેર થશે

પંજાબનું કોકડુ ઉકેલાતા હાઈકમાંડે ગુજરાતનો વારો લીધો: મુકુલ વાશનીક, અવિનાશ પાંડે, ઉપરાંત પૂર્વ પ્રભારી બી.કે.હરિપ્રસાદનાં નામ

અમદાવાદ તા.23
ગુજરાત કોંગ્રેસમાં કેન્દ્રીય પ્રભારીની નિયુકિતનાં વાંકે સંગઠનમાં બદલાવ કે નવી નિયુકિત અટકેલી છે ત્યારે આવતા મહિનામાં ઈન્ચાર્જ પ્રભારી નિમિને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવા હાઈકમાંડ દ્વારા વ્યુહ નકકી કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ જગ્યા ખાલી પડી હતી. કોંગ્રેસ હાઈકમાંડે હજુ કોઈ નેતાને નિમણુંક આપી નથી. દેશના વિવિધ રાજયોમાં કોંગ્રેસમાં આંતરીક ધમાસાણ હોવાથી તે સુલટાવવા વારાફરતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં પ્રભારીનુ નામ નકકી થતુ નથી.

ગુજરાતમાં બે દાયકાથી સતા પર રહેલા ભાજપને ઉખેડવાનાં કોઈ પ્રયત્નો સફળ થતા નથી. હાઈકમાંડે પંજાબનું કોકડુ ઉકેલી નાખ્યુ છે. હવે ગુજરાતનો વારો લીધો છે. ઓગસ્ટનાં પ્રથમ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી નિયુકત કરી દેવાશે.

કોંગ્રેસની કરૂણતા એ છે કે લોકોને આકર્ષિ શકે તેવો કોઈ ચહેરો નથી. એટલે કોને સુકાન સોંપવુ તે સવાલ છે.અનુભવીને કમાન સોંપવી કે નવા યુવા ચહેરાને નેતૃત્વ સોંપવુ તે વિશે ગડમથલ વચ્ચે હવે પ્રભારી નિમણુંકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.વર્તમાન પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પંચાયત ચૂંટણીમાં હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામા ધરી દીધા હતા. નવી નિમણુંક થતા સુધી તેઓને કાર્યભાર સંભાળવાનું કહેવાયું હતું. કોંગ્રેસનાં સુત્રોએ કહ્યું કે પ્રભારીપદ માટે મુકુલ વાસનીક તથા અવિનાશ પાંડેના નામ આગળ છે. આ ઉપરાંત ભુતકાળમાં પણ પ્રભારી રહી ચુકેલા બી.કે.હરિપ્રસાદનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.તેઓ ગુજરાતથી સારી રીતે વાકેફ છે.

કોંગ્રેસ મોવડી મંડળ નવા ચહેરાને જવાબદારી આપવાના બદલે સીનીયર તથા અનુભવી નેતાની પસંદગી કરવાનું વિચારી રહી છે. અહેમદ પટેલનાં નિધન બાદ ગુજરાતનો મામલો સંભાળવાનું હાઈ કમાંડ માટે મુશ્કેલ છે. 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી હતી.ભલે સતા ન મળવા છતાં કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં સારો હતો. નવા પ્રભારીપદે પણ એવા નેતાની નિમણુંક કરાશે જે મહત્વની બાબતોમાં અશોક ગેહલોત સાથે પરામર્શ કરી શકે.

ગુજરાતમાં પ્રભારીની નિમણુંક તથા સંગઠનની નવરચના વહેલી તકે કરવા કોંગ્રેસ નેતાઓમાં જ અવાજ ઉઠયો છે. નરેશ રાવલ, શૈલેષ પરમારની આગેવાનીમાં નેતાઓનું પ્રતિનિધિમંડળ દિલ્હી ગયુ હતું અને વહેલી
નિમણુંકની રજુઆત કરી હોવાનું ઉલ્લેખનીય છે.


Related News

Loading...
Advertisement
Advertisement