રેલવે પુલ હેઠળથી ડ્રેનેજ લાઇન પસાર કરવા દેવા અંતે મંજૂરી : આજી રીવરફ્રન્ટ યોજના વેગ પકડશે

23 July 2021 05:58 PM
Rajkot Saurashtra
  • રેલવે પુલ હેઠળથી ડ્રેનેજ લાઇન પસાર કરવા દેવા અંતે મંજૂરી : આજી રીવરફ્રન્ટ યોજના વેગ પકડશે

11 કિ.મી.ના નદી પટના બંને છેડે ભૂગર્ભ લાઇનનું કામ ચાલુ છે : માત્ર એક ભાગમાં અટકેલુ કામ હવે થશે : કેન્દ્રના વિભાગ સાથેના વધુ એક પ્રશ્ર્નનો ઉકેલ લાવવામાં મેયર ડો.પ્રદીપ ડવને સફળતા

રાજકોટ, તા. 23
રાજકોટ મહાનગરમાં વર્ષોથી સરકારી આયોજનમાં રહેલી આજી રીવરફ્રન્ટ યોજના હવે ગતિમાં લાવવાના પ્રયાસો મેયર ડો. પ્રદીપ ડવે શરૂ કર્યા છે ત્યારે ‘અટપટા’ રેલવે તંત્ર સાથેના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવામાં પણ તેઓ સફળ થઇ રહ્યા છે. 11 કિ.મી.ના વિશાળ નદી પટના બંને છેડેથી સવા બે વર્ષથી ઇન્ટરસેપ્ટર (ડ્રેનેજ) લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે બરોબર વચ્ચેના ભાગે રેલવે પુલ હેઠળથી પાઇપલાઇન પસાર કરવા દેવા અંતે મંજૂરી આવી ગઇ છે.

કેસરે એ હિન્દ પુલ બાદના પુલ પરથી રોજ ટ્રેન પસાર થાય છે. નદી પટના આ ભાગમાંથી ડ્રેનેજ લાઇન કાઢવાની મંજૂરી રેલવે પાસે અવારનવાર માંગવામાં આવતી હતી. જેની મંજૂરી હવે આવતા મેયરે કરેલા પ્રયાસનો પણ રેલવે તંત્રએ ખાસ ઉલ્લેખ કર્યો છે. હવે આ ભાગમાં પાઇપલાઇનનું જોડાણ થાય એટલે ડ્રેનેજ લાઇનનું પાયાનું કામ આગળ વધ્યે રીવરફ્રન્ટ પ્રોજેકટ પણ નવા ગીયરમાં પડવાનો છે.

મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પૈકી અમુક પ્રોજેક્ટ રેલ્વે વિભાગ સાથે સંકળાયેલ હતા. જેના અનુસંધાને તાજેતરમાંજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગના અધિકારીઓ અને મનપાના અધિકારીઓ સાથે જુદા જુદા પ્રશ્ને મીટીંગ યોજાઈ હતી. મીટીંગ બાદ થોડા દિવસ પહેલા જ બંને તંત્ર વચ્ચેનો જુનો ટેક્સનો પ્રશ્ન ઉકેલાતા એમ.ઓ.યુ. પણ કરવામાં આવેલ અને મહાનગરપાલિકાને સર્વિસ ચાર્જના રૂ.15 કરોડ જેવી રકમ મળશે.

મહાનગરપાલિકા દ્વારા આજી રીવર ફ્રન્ટ અંતર્ગત ડ્રેનેજની પાઇપલાઇનની કામગીરી કરાવામાં આવી રહેલ છે. કેસરે હિંદ પુલ બાદના રેલ્વેના નવા બનતા તથા હૈયાત બ્રીજની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ડ્રેનેજ લાઈન નાંખવાની મંજૂરીમાં ઘણો સમય થયા પત્રવ્યવહાર ચાલી રહેલ હતો. તાજેતરમાંજ રેલ્વે વિભાગ સાથે મીટીંગ યોજાયા બાદ રેલ્વે વિભાગના ડીવીઝન રેલ્વે મેનેજર રાજકુમાર તથા કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ વિઝિટ કરી હતી. સ્થળ વિઝિટ બાદ સામાન્ય સુધારા વધારા સાથે રેલ્વે વિભાગ દ્વારા ડ્રેનેજની લાઈન નાંખવાની મંજુરી આપવામાં આવેલ છે. આ મંજુરી મળતા મહાનગરપાલિકા દ્વારા આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગ દ્વારા એકબીજા સાથે સંકલનમાં રહી નિર્ણયો કરવામાં આવતા શહેરના વિકાસને ખુબ જ સારુ પરિણામ મળી રહેશે તેમ મેયર તથા કમિશનર જણાવેલ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement