નકલી આરસી બુક કૌભાંડના માસ્ટર માઈન્ડ ભુમેશ શાહને સુરતથી રાજકોટ લવાયો

23 July 2021 06:47 PM
Rajkot Crime
  • નકલી આરસી બુક કૌભાંડના માસ્ટર માઈન્ડ ભુમેશ શાહને સુરતથી રાજકોટ લવાયો

ભુમેશ ઇર્ષાદ પઠાણને નકલી આરસી બુક આપતો હોવાનું ખુલ્યું હતું, આરોપી સુરતના ગુનામાં જેલમાં હતો, જ્યાંથી રાજકોટ એસઓજીએ કબ્જો મેળવ્યો, જામીન માટે કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટ, તા.23
રાજ્યના રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈમાં અસ્તિત્વ જ ન હોય તેવા વાહનોની નકલી આરસી બુક બનાવી આચરવામાં આવેલા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ભુમેશ શાહને સુરતથી રાજકોટ લવાયો છે. ભુમેશ ઇર્ષાદ પઠાણને નકલી આરસી બુક આપતો હોવાનું ખુલ્યું હતું, આરોપી સુરતના ગુનામાં જેલમાં હતો, જ્યાંથી રાજકોટ એસઓજીએ કબ્જો મેળવ્યો છે. હવે આરોપીને જામીન માટે કોર્ટમાં રજૂ કરાશે.

રાજકોટ ખાતે એચડીએફસી બેંકમાં 2017માં યુઝ કોમર્સીયલ વાહનની લોન મેળવવા ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી (2હે. હરી ઓમ, મકાન નારાયણનગર શેરી નં.12 નારાયણનગર મેઇન રોડ રાજકોટ)એ ત્રણ બસો એઆર - 1 - જે - 7864, એઆર - 1 - જે - 7865 અને એઆર -1 - જે - 7866 ત્રણેય બસની ધી ન્યુ ઇન્ડીયા એસ્યોરન્સ કંપનીની વિમા કંપનીની પોલીસી વગેરે ડોકયુમેન્ટ જમા કરાવ્યા હતા. ત્રણ વાહનો પર 45 લાખની લોન આપેલી, જે બાદ ભોલુગીરીએ ફેબ્રુઆરી 2019થી લોનના હપ્તા ભર્યા નહોતા. દરમિયાન દૈનિક પેપરના માધ્યમથી જાણવા મળ્યું કે,

ઇર્ષાદ પઠાણ નામનો શખ્સ તેમના મળતીયાઓ સાથે વાહનોની હયાતી વગર બનાવટી આરસી બુક બનાવી તેના આધારે અલગ અલગ બેંકમાંથી લોન મેળવી આપે છે જે બાબતે સુરત મુકામે પોલીસ કેસ થયો છે. ભોલુગીરી રજૂ કરેલા દસ્તાવેજોમાં વાહનની પોલીસી નકલી હોવાનું સામે આવતા છેતરપીંડી ખુલ્લી પડી હતી. આ મામલે રાજકોટ એસઓજીએ પ્રથમ ભોલુગીરી બાદ ઇર્ષાદનો સુરત જેલમાંથી કબ્જો મેળવેલો, અને હવે સુરતના ભુમેશ શાહનું નામ ખુલતા કબ્જો લઈ રિમાન્ડ પર લેવા તજવીજ કરાઈ છે.

ભોલુગીરીએ ઇર્ષાદ પઠાણ પાસેથી 4 લાખની એક એવી 28 આરસી બુક લીધી હતી. બસ સુરત ખાતે પડી હોવાનું કહી ત્યાં બેંક કે ફાયનાન્સ કંપનીના વેલ્યુઅર પાસેથી રિપોર્ટ આવ્યા બાદ લોન પાસ થતી હતી જેથી વેલ્યુઅરની સંડોવણી પણ ખુલી પડતા રાજકોટ ખાતે નોંધાયેલી ફરિયાદમાં સુરતના પારસી શખ્સ હોસાંગ ભગવાગરને પણ આરોપી તરીકે દર્શાવાયો છે. જે હાલ ફરાર છે. સુત્રોમાંથી જાણવા મળે છે કે, પૂછપરછમાં ઈર્ષાદે કહ્યું હતું કે, તેમણે સુરતના ભુમેશ શાહ પાસેથી 150 જેટલી આરસી બુક લીધી હતી. જેમાં એકના રૂ.1.50 લાખ આપ્યા હતા. ભુપેશ પણ જેલમાં બંધ હોવાથી એસઓજીએ સુરત ખાતેથી તેને કબ્જો મેળવી લીધો છે.

દરમિયાન એસઓજીને હકીકત મળી છે કે, આ કૌભાંડમાં બધી આરસી બુક અરુણાચલ પ્રદેશના પાસિંગની છે. જેથી અરુણાચલ આરટીઓ ખાતે જ તેનું બોગસ રજિસ્ટ્રેશન થયું હોય શકે. આ શંકાએ ત્યાંના કર્મચારીઓની પણ સંડોવણી હોય તેવી સંભાવના છે. હાલ એસઓજી પીઆઇ રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અસ્લમ અન્સારી અને એસઓજીની ટીમો વધુ તપાસ ચલાવી રહી છે. ભુમેશના રિમાન્ડ બાદ હકીકત સામે આવે તે મુજબ રાજકોટ પોલીસ અરુણાચાલપ્રદેશ ખાતે તપાસ અર્થે જશે તેમ જાણવા મળે છે.

રાજકોટમાં 3 લોન પર ફરિયાદ નોંધાઈ ચુકી છે. જોકે અમદાવાદ, રાજકોટ અને વડોદરા મળી તપાસમાં કુલ 28 આરસી બુક નકલી હોવાનું ખુલ્યું છે. જેથી હાલમાં મળેલા આંકડા પરથી પાંચેક કરોડની છેતરપીંડી છે. ઉપરાંત અગાઉ સુરતમાં 5.25 કરોડ અને ત્યારબાદ 5.68 કરોડની લોન ઠગાઈ અંગે ગુનો નોંધાઈ ચુક્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement