છ વર્ષની બાળકીને રૂમમાં ગોંધી સાણસીથી ચીંટીયા ભર્યા

23 July 2021 06:59 PM
Rajkot Crime
  • છ વર્ષની બાળકીને રૂમમાં ગોંધી સાણસીથી ચીંટીયા ભર્યા

જનેતાએ ક્રૂરતાની હદ વટાવી...

*  થાનગઢનાં નવાગામનો બનાવ : પ્રસંગમાં આવેલા મોટાબાપુએ કહ્યું પાયલ કયાં છે? અને હકિકત બહાર આવી : બંધ રૂમ ખોલીને જોયુ તો સુકો રોટલો અને પાણીના ગ્લાસની બાજુમાં ડરી ગયેલી કણસતી પાયલ બેઠી હતી

*  પોલીસને બોલાવી જનેતા અને સાથ આપનાર બાળકીની માસીની પુછપરછ આદરી : પાયલને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડી : ઘરકામ ન કરતાં માતા અને માસીએ છેલ્લા સાતેક માસથી રૂમમાં પુરી દીધી હોવાનું પાયલે જણાવ્યું

રાજકોટ તા.23
થાનગઢનાં નવા ગામે એક જનેતાએ ક્રુરતાની હદ વટાવી છે. છ વર્ષની નાની બાળકી ઘરકામ કરતી ન હોવાથી તેમને માતા અને માસીએ સાત માસથી એક રૂમમાં ગોંધી રાખી શરીરે સાણસીથી ચીંટીયા ભર્યા હતાં. ગઇકાલે એક પ્રસંગમાં આવેલા મોટાબાપુએ બાળકી વિશે પુછતાં માતા અને માસી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતાં અને ત્યારબાદ રૂમમાં જઇને જોતાં છ વર્ષની ભત્રીજી કણસતી હાલતમાં હતી અને તેની બાજુમાં રોટલો અને પાણીનો ગ્લાસ હતો. હકિકત બહાર આવતાં ગ્રામજનો એકઠા થયા હતા અને પોલીસને બોલાવતાં નાના અને તેના માસીને તુરંત જ પોલીસ મથકે લઇ જવામાં આવી હતી અને બાળકીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે થાનગઢ પોલીસે કાર્યવાહી કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢનાં નવાગામમાં રહેતા રંજનબેન ભવાનભાઇ મીઠાપરા (કોળી) અને તેની બહેન જીલુબેન સામાભાઇ ડાભી બંનેએ સાથે મળી ઘરકામમાં કામ ન કરતી છ વર્ષની માસુમ બાળકી પાયલ ભવાનભાઇને મારમાર્યા બાદ તેને એક રૂમમાં પુરી દીધી હતી અને તેમને સાણસીથી ચીંટીયા ભરતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ છે.


પાયલ બે ભાઇમાં એક બહેનમાં નાની છે. તેણી ધો.2માં અભ્યાસ કરે છે. પિતાનું ચાર વર્ષ પહેલા હાર્ટએટેકથી મોત નિપજયુ હતું. રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલી ડરેલી પાયલે જણાવ્યું હતું કે ઘરકામ કરતી ન હોવાથી માતા અને માસી અવાર-નવાર મારકુટ કરતા અને છેલ્લા સાતેક માસથી એક રૂમમાં પુરી રાખી હતી મને ત્રણ ટાઇમ સુકો રોટલો અને માત્ર પાણીનો ગ્લાસ આપતા હતાં.

આ બનાવ અંગે પાયલના મોટાબાપુ મંગાભાઇ સામાભાઇએ જણાવ્યુ હતું કે ગઇકાલે પ્રસંગ હોય માટે નાનાભાઇનાં પત્ની રંજનબેનને ત્યાં ગયો હતો અને પાયલ કયાં છે તેમ કહેતા તેની માતાએ જણાવ્યું કે તેણીના માતાના ઘરે ગઇ છે અને ત્યાં જાણવા મળ્યું કે બાળકીને એક રૂમમાં સાત મહિનાથી પુરીને રાખી છે. જેથી રૂમનું બારણું ખખડાવતાં પાયલ કણસતી હોય તેણીનો અવાજ આવ્યો હતો અને રૂમનું બારણુ ખોલીને જોતાં જ આંખો પહોળી થઇ ગઇ હતી અને બાળકી ડરી ગયેલી હતી ત્યાં તેની બાજુમાં સુકો રોટલો અને પાણીનો ગ્લાસ પડયા હતાં. ત્યારબાદ પાયલે કાલીઘેલી ભાષામાં સત્ય હકિકત જણાવતાં જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને ગ્રામજનો એકઠા થઇ ગયા હતાં. ત્યારબાદ પોલીસ પાયલને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડી હતી તેમજ તેમના માતા અને માસીની પોલીસે પુછપરછ શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement