દુધમાં ભેળસેળ કરનાર મંડળી પર આજીવન પ્રતિબંધ: જયેશ રાદડીયાની ચીમકી

23 July 2021 07:10 PM
Rajkot
  • દુધમાં ભેળસેળ કરનાર મંડળી પર આજીવન પ્રતિબંધ: જયેશ રાદડીયાની ચીમકી
  • દુધમાં ભેળસેળ કરનાર મંડળી પર આજીવન પ્રતિબંધ: જયેશ રાદડીયાની ચીમકી
  • દુધમાં ભેળસેળ કરનાર મંડળી પર આજીવન પ્રતિબંધ: જયેશ રાદડીયાની ચીમકી

દૂધ આરોગ્ય માટે મહત્વનો આહાર તેમાં ભેળસેળ કોઈકાળે નહીં ચલાવાય

*  રાજકોટ ડેરીની વાર્ષિક સભામાં પુરવઠા મંત્રીની ગર્ભીત ટકોર: સહકારી સંસ્થાઓની વિકાસયાત્રાના વખાણ

*  રાજકોટ ડેરીનો 9.61 કરોડનો નફો: સભાસદોને 15 ટકા ડીવીડન્ડ: કોરોનાકાળમાં પણ ટર્નઓવર વધ્યુ: ગોરધન ધામેલીયા

*  રાજકોટ ડેરી પાર્લરની સંખ્યા વધારાશે, બે ટનનો પનિર ઉત્પાદન પ્લાન્ટ સ્થપાશે: મેનેજીંગ ડાયરેકટર વિનોદ વ્યાસ

રાજકોટ તા.23
દુધ આરોગ્યનો અગત્યનો ભાગ છે અને અમુક તત્વો તેમાં પણ ભેળસેળ કરીને કમાણીનું સાધન બનાવી રહ્યા છે તે કોઈકાળે નહીં ચલાવાય. રાજકોટ ડેરીમાં ભેળસેળ પકડાવાના સંજોગોમાં મંડળીને નોટીસ આપીને દુધનો નાશ કરવામાં આવે જ છે અને હવે તેમાં વધુ કડક વલણ અપનાવીને મંડળી પર આજીવન પ્રતિબંધ મુકવાની ચીમકી રાજયના પુરવઠા મંત્રીએ આપી હતી.
રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી)ની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ સહકારી ડેરીની પ્રવૃતિઓ તથા વિકાસ યાત્રાના ભારોભાર વખાણ કરવાની સાથોસાથ ભેળસેળીયા તત્વોને ગર્ભીત ટકોર કરી હતી. દુધ આરોગ્યનો મહત્વનો આહાર છે.

ગત વર્ષે ચેતવણી આપી હતી. છતાં અમુક મંડળીઓના દુધમાં કયારેક ભેળસેળ પકડાય છે. ડેરી પાસે ભેળસેળ પકડવાના આધુનિક સાધનો છે એટલે તેમાંથી છટકી ન શકે છતાં ભેળસેળીયા તત્વો અટકતા નથી ત્યારે હવે આકરુ કદમ ઉઠાવવું પડશે. સહકારી મંડળી દ્વારા અપાતા દુધમાં ભેળસેળ પકડાય તો તે મંડળી પર આજીવન પ્રતિબંધની વિચારણા છે એટલે આવા તત્વોને આ છેલ્લી ચેતવણી છે.

આ પુર્વે ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ વિકાસયાત્રા વર્ણવતા જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે પણ ટર્નઓવરમાં 8.59 ટકાનો વધારો થયો છે. દુધનું ઉત્પાદન 11 ટકા વધ્યુ છે. સંઘે પશુપાલકોને ફાઈનલપ્રાઈઝ પેટે પ્રતિ કિલો ફેટ રૂા.6 ચુકવવાનું નકકી કર્યુ છે જેનાથી પશુપાલકોને રૂા.5.73 કરોડ મળશે. વર્ષ દરમ્યાન કિલો ફેટના રૂા.665 ચુકવાયા છે તે ગત વર્ષ કરતા રૂા.9 વધુ છે. ડેરીનો ચોખ્ખો નફો રૂા.9.61 કરોડ થયો છે. સભાસદોને 15 ટકાનું ડિવિડન્ડ અપાશે જે પેટે રૂા.4.42 કરોડ અપાશે.

તેઓએ એવો દાવો કર્યો હતો કે છેલ્લા 20 વર્ષથી ડેરી દ્વારા વર્ષોવર્ષ ખરીદભાવ વધારવામાં આવી રહી છે. 2009-10માં 301 ચુકવાતા હતા તે હાલ ડબલ થયા છે. દુધ ઉત્પાદકોને મહતમ આર્થિક લાભ આપવા તથા દૂધ ઉત્પાદનને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે કટીબદ્ધતા છે. ડેરી દ્વારા અમુલ/ગોપાલ બ્રાંડની નવી પ્રોડકટ પણ લોન્ચ કરવામાં આવી છે. આ વર્ષે અમુલ સ્લીમ એન્ડ ટ્રીમ દૂધ બજારમાં મુકયું છે. ગોપાલ લસ્સીના ઉત્પાદન-વેચાણમા 143 ટકા, દહીમાં 21 ટકાનો વધારો થયો છે.અમુલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લરનો વ્યાપ વધારવાનું તેમણે જાહેર કર્યુ હતું.

કોરોના મહામારી દરમ્યાન પણ 892 મંડળીઓનું દરરોજ 4.47 લાખ લીટર દૂધ મેળવ્યું છે તે ગત વર્ષ કરતા 11 ટકા વધુ છે. ચાલુ વર્ષમાં દુધનું સંપાદન વધુ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. પશુ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત 4056 માદા બચ્ચાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર માટે 1.32 કરોડની સહાય કરવામાં આવી છે. દૂધ ઉત્પાદન ઉત્પાદકતા વધારવા પણ
શ્રેણીબદ્ધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.આ સિવાય આકસ્મિક મોતને ભેટતા સભાસદોના પરિવારોને વીમા અંતર્ગત 10 લાખની સહાય અપાય છે તેનું 1.29 કરોડનું પ્રીમીયમ ડેરી ભોગવે છે. ચાલુ વર્ષે પણ આ નીતિ ચાલુ રાખવામાં આવશે.

ડેરીના મેનેજીંગ ડાયરેકટર વિનોદ વ્યાસે ભાવિ યોજનાઓ જાહેર કરતા કહ્યું કે આવતા વર્ષે દુધ સંપાદનમાં પાંચ ટકા વધારાનો ટારગેટ રાખવામાં આવ્યો છે. આ સિવાય દુધ તથા તેની પ્રોડકટનું વેચાણ વધારવા માટે મોટા ગામોમાં નવી એજન્સી બનાવાશે. દૈનિક બે ટન પનીર ઉત્પાદન માટે પ્લાન્ટ નાખવાની યોજના છે.
ડેરીના પુર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા વગેરેએ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતા. આ તકે ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરઝાદા, મગનભાઈ વડાવીયા, ઘનશ્યામભાઈ ખાટરીયા, અરવિંદ તાળા, મગનભાઈ ધોણીયા, પ્રવિણ રૈયાણી, ડો.ડાયાભાઈ પટેલ, લલિત રાદડીયા સહિતના સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement