તા.10ના ચાંદના દિદાર થતા ‘મુહર્રમ’ અને ઇસ્લામી નૂતન વર્ષનો થશે પ્રારંભ

03 August 2021 05:57 PM
Rajkot Dharmik
  • તા.10ના ચાંદના દિદાર થતા ‘મુહર્રમ’ અને ઇસ્લામી નૂતન વર્ષનો થશે પ્રારંભ
  • તા.10ના ચાંદના દિદાર થતા ‘મુહર્રમ’ અને ઇસ્લામી નૂતન વર્ષનો થશે પ્રારંભ

સાંજે તાજીયા કમિટીની સદર બજારમાં બેઠક : જુલુસની મંજૂરી આપવાની માંગ સાથે વહિવટી તંત્રને થશે રજૂઆત

રાજકોટ તા.3
હઝરત મુહંમદ પૈગમ્બર સાહેબના દોહિત્ર ઇમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મનાવાતા મહોર્રમ પર્વનો આગામી તા.10 ઓગષ્ટના ચાંદના દિદાર થતાની સાથે જ પ્રારંભ થનાર છે.

મહોર્રમની સાથે ઇસ્લામી નૂતન વર્ષ અને હિજરી 1443નો પણ પ્રારંભ થશે. મહોરમ શરૂ થતા જ હુસેની મહેફીલોનો રંગ જામશે. અહીં એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના વાયરસની મહામારીના ફૂંફાડાના પગલે પ્રતિબંધાત્મક હુકમો હોય કલાત્મક તાજીયાનું ઝુલુસ આયોજીત કરી શકાયુ ન હતું. તાજીયા માતમમાં જ રહેવા પામેલ હતાં.

દરમ્યાન ચાલુ વર્ષે કોરોનાની મહામારીનું સંક્રમણ ઘટયુ હોય આ વખતે તાજીયાના ઝુલુસની મંજૂરી આપવાની માંગ ઉઠવા પામી છે. આ સંદર્ભે રાજકોટ શહેર તાજીયા કમિટી અને સદર તાજીયા કમિટીની સંયુકત બેઠક આજે સાંજના 6 વાગ્યે સદર બજાર ખાતે ગનીબાપુના નિવાસ સ્થાને આયોજીત કરવામાં આવેલ છે.

વર્ષો બાદ શહેર તાજીયા કમિટી અને સદર તાજીયા કમિટીની બેઠક એક સાથે મળી રહી છે. જેમાં ન્યાઝ કમિટી, વાએઝ કમિટી, સબીલ કમિટી, અખાડા અને દુલ-દુલ કમિટીના સંચાલકો ઉપસ્થિત રહી તાજીયા અંગે ચર્ચા-વિચારણા કરશે.

અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મહોરમમાં પ્રતિ વર્ષ બે દિવસ કલાત્મક તાજીયાના ઝુલુસ પોતપોતાની લાઇન દોરીમાં નિયત કરેલા રૂટ પર ફરે છે. આ વખતે તા.18ના તાજીયા પડમાં આવશે અને તા.19ના ઠંડા થશે. તેમ મુસ્લિમ સમાજના આગેવાન હબીબભાઇ કટારીયા અને એઝાઝબાપુ બુખારીએ જણાવ્યુ હતું. રાજકોટમાં પ્રતિ વર્ષ 100 ઉપરાંત કલાત્મક તાજીયાનું નિર્માણ થાય છે. જેમાં સદર બજારમાં 15 કલાત્મક તાજીયા, 7 ડોલી અને 2 દુલ-દુલનું નિર્માણ થાય છે. આ ઉપરાંત શહેરના માર્ગો પર સબીલો શરૂ કરી ઠંડા પીણા અને શરબતનું વિતરણ કરવામાં આવે છે.

પરંતુ ગત વર્ષ કોરોના વાયરસની મહામારીના કહેરના પગલે કલાત્મક તાજીયા માતમમાં જ રહ્યા હતા. પરંતુ આ વખતે મહામારીના સંક્રમણમાં ઘટાડો થયો હોય કોવિડ-19ની ગાઇડ લાઇનને અનુસરી કલાત્મક તાજીયાના ઝુલુસને મંજૂરી આપવા મુસ્લિમ સમાજમાં માંગ ઉઠી છે. મહોરમને મનાવવા માટે મુસ્લિમ સમાજ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement