ભાઈ.. ભાઈ.. બોલિવુડે ફરી વખત ગુજરાતી ગીત પર માર્યો હાથ : ફિલ્મ ‘ભૂજ’માં અરવિંદ વેગડાના ગીતની ઉઠાંતરી

03 August 2021 05:57 PM
Entertainment Gujarat
  • ભાઈ.. ભાઈ.. બોલિવુડે ફરી વખત ગુજરાતી ગીત પર માર્યો હાથ : ફિલ્મ ‘ભૂજ’માં અરવિંદ વેગડાના ગીતની ઉઠાંતરી
  • ભાઈ.. ભાઈ.. બોલિવુડે ફરી વખત ગુજરાતી ગીત પર માર્યો હાથ : ફિલ્મ ‘ભૂજ’માં અરવિંદ વેગડાના ગીતની ઉઠાંતરી

‘પદ્માવત’, ‘લવ રાત્રી’ સહિતની ફિલ્મોમાં ગુજરાતી ગાયકોના ગીત ‘ઉઠાવી’ લેવાયા પણ ક્રેડિટ ‘0’ અપાઈ ! : આ પ્રકારની ‘ઉઠાવગીરી’ રોકવા માટે ગુજરાતી ગાયકો મુખ્યમંત્રીને રજૂઆત કરશે-અરવિંદ વેગડાની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત

મનોજ મુન્તશીરે લખેલું ગીત મીકાસિંઘે લલકારી નાખ્યું પણ અરવિંદ વેગડાને બિલકુલ ક્રેડિટ પણ ન અપાતાં ભારે રોષ: ગીતને સંજય દત્તના જન્મદિવસે રિલિઝ કરી દેવાયું પણ ક્યાંય ગુજરાતી ગાયકના નામનો ઉલ્લેખ સુદ્ધાં નહીં

રાજકોટ, તા.3
1971ની સાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત અને અજય દેવગણ, સોનાક્ષી સિંહા તેમજ સંજય દત્ત સહિતના કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ આગામી તા.13 ઓગસ્ટે રિલિઝ થઈ રહી છે. જો કે રિલિઝ થાય તે પહેલાં વિવાદમાં ઘેરાઈ ગઈ છે.

આ ફિલ્મમાં સંજય દત્ત અભિનીત એક ગીતને લઈને વિવાદ થયો છે. મનોજ મુન્તશીરે લખેલું અને મીકાસિંઘે ગાયેલું આ ગીત ‘ભલા મોરી રામા...ભાઈ...ભાઈ’ છે જેને રિલિઝ કરી દેવાયું છે અને રિલિઝના તુરંત જ બાદ તેને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતી ગાયક અરવિંદ વેગડા દ્વારા બનાવવામાં આવેલા ‘ભલા મોરી રામા’ ગીતને પરવાનગી લીધા વગર જ ફિલ્મના ડાયરેક્ટર તેમજ ગાયકે ચોરી લીધાનો આક્ષેપ અરવિંદ વેગડાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીત દરમિયાન મુક્યો હતો.

અરવિંદ વેગડાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 2011માં મેં ‘ભલા મોરી રામા, ભલા તારી રામા’ ગીત બનાવ્યું હતું અને આ ગીત સુપરહિટ પણ નિવડ્યું હતું અને આ ગીતને આજે 10 વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં હજુ પણ લોકોને કંઠસ્થ છે. જો કે તાજેતરમાં જ સંજય દત્તના જન્મદિવસ 29 જૂલાઈએ યુ-ટયુબ પર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ગીત જોયા બાદ તેમાં મારા ગીતની શૈલી અને શબ્દો બન્ને મારી પરવાનગી લીધા વગર જ ઉઠાવી લેવાતાં બહુ જ દુ:ખ થઈ રહ્યું છે. આ ગીતમાં સંજય દત્ત નાચી રહ્યો છે અને ‘ભલા મોરી રામા’ ગીત સાંભળવા મળી રહ્યું છે. ગીતકાર મનોજ મુન્તશીર અને ગાયક મીકાસિંઘ કે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક દૂધૈયાએ મારો એક પણ વખત સંપર્ક કર્યા વગર મારું જ ગીત ચોરી લીધું છે અને ગીત કે ફિલ્મમાં ક્યાંય પણ મને ક્રેડિટ આપવામાં આવી નથી.

મારું ગીત ચોરી લેવાયું તે બિલકુલ વ્યાજબી નથી કેમ કે તે ગીતની જ નહીં બલ્કે ગુજરાતની અસ્મિતાની ચોરી છે. હું આ ગીતની ચોરીનો વિરોધ પૈસા માટે નહીં બલ્કે ગુજરાતી ગાયકની અવગણના બદલ કરી રહ્યો છે. અરવિંદ વેગડાએ આગળ કહ્યું કે આવું પહેલી વખત નથી બન્યું કે જ્યારે બોલિવૂડે ગુજરાતી ગાયકોના ગીતની ચોરી કરી લીધી હોય. આ પહેલાં સંજય લીલા ભણસાલીએ ફિલ્મ ‘પદ્માવત’માં ‘મન મોર બની થનગાટ કરે’ ગીતને ચોરી લીધું હતું અને ત્યારે પણ કોઈને ક્રેડિટ આપી નહોતી. ત્યારે વિરોધ થતાં તેમણે ઝવેરચંદ મેઘાણીનું પોસ્ટર લગાવવું પડ્યું હતું.

આ ઉપરાંત સલમાન ખાનના બનેવી આયુષને ચમકાવતી ફિલ્મ ‘લવયાત્રી’માં ‘ઓઢણી ઓઢું’, ‘રંગલો’ સહિતના ગુજરાતી ગીતને ઉઠાવી લેવાયા હતા પરંતુ ક્રેડિટના નામે માત્ર ‘મીંડું’ જ આપવામાં આવ્યું હતું. આ પ્રકારની ચોરીઓ સતત વધતી જતાં હવે આગામી સમયમાં અમે ગુજરાતી ગાયકો મળીને મુખ્યમંત્રીને આ મુદ્દે રજૂઆત કરશું અને આ પ્રકારની ચોરીને અટકાવવા માટે રજૂઆત કરશું. મુખ્યમંત્રીને અમે રજૂઆત કરશું કે તેઓ એક કમિટી બનાવે અને આ કમિટીની પરવાનગી લીધા બાદ જ બોલિવૂડને ગુજરાતી ગાયકોના ગીતને પોતાની ફિલ્મોમાં લેવા દેવામાં આવે. ભલે ગાયકોને પૈસા ન મળે પરંતુ ક્રેડિટ આપવી જરૂરી બની જાય છે.

લોકગીત છે એટલે ઉઠાવી લીધું એવો ઉડાઉ જવાબ ન ચાલે: પૈસા ન આપો તો કંઈ નહીં, ક્રેડિટ તો આપો
અરવિંદ વેગડાએ કહ્યું કે બોલિવૂડ દ્વારા દર વખતે એમ કહેવામાં આવે છે કે લોકગીત છે એટલે ઉઠાવી લીધું...આ પ્રકારનો ઉડાઉ જવાબ બિલકુલ ન ચાલે કેમ કે ગુજરાતી ગીતો કોઈ બિનવારસી ખેતર નથી કે ત્યાંથી તમે ગમે તે ઉઠાવી લો. બોલિવૂડ એકદમ પ્રોફેશ્નલ ધોરણે વર્તન કરે છે પરંતુ જ્યારે પોતે કોઈ ગીત કે શબ્દોની ચોરી કરે ત્યારે તેની પાસે આ પ્રકારના જ ઉડાઉ જવાબ હોય છે અને ક્યારેય ગુજરાતના ગાયકને પૈસા તો આપતાં જ નથી પણ ક્રેડિટ આપવાનું પણ ટાળી રહ્યા છે.

આ પ્રકારની ચોરીથી ગુજરાતી ગાયકોને શું થાય છે નુકસાન ?
અરવિંદ વેગડાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ચોરીથી ગુજરાતી ગાયકોને સૌથી મોટું નુકસાન એ જાય છે કે તેઓ પોતાનું જ ગીત બનાવી શકતાં નથી. તેમણે ઉદાહરણ આપ્યું કે જો આગામી સમયમાં મારે ‘ભલા મોરી રામા’ શબ્દો લઈને ગીત બનાવવું હોય તો મારે મીકાસિંઘ અને મનોજ મુન્તશીરની પરવાનગી લેવી પડે કેમ કે તેઓ એવો દાવો કરે કે આ ગીત તેમણે બનાવ્યું છે. જો હું પરવાનગી લીધા વગર મારું જ ગીત બનાવું તો મારા ઉપર ‘કોપીરાઈટ’ ભંગની ફરિયાદ પણ થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement