ઓલિમ્પિક: બરછી ફેંકમાં નિરજ ચોપડાની ફાઈનલમાં એન્ટ્રી; કુશ્તીમાં રવિકુમાર-દીપક પુનિયા ક્વાર્ટરમાં

04 August 2021 11:15 AM
India Sports
  • ઓલિમ્પિક: બરછી ફેંકમાં નિરજ ચોપડાની ફાઈનલમાં એન્ટ્રી; કુશ્તીમાં રવિકુમાર-દીપક પુનિયા ક્વાર્ટરમાં

12મા દિવસની સવાર ભારતીયો માટે આશાની કિરણો સાથે આવી: નીરજ ચોપડાએ પ્રથમ પ્રયાસમાં જ 86.65 મીટર દૂર બરછી ફેંકી: હવે શનિવારે ફાઈનલ મુકાબલો રમશે

* પહેલવાન રવિકુમારે કોલંબીયા તો દીપક પુનિયાએ નાઈઝીરીયાના ખેલાડીને હરાવ્યો : મહિલા પહેલવાન અંશુ મલિક પ્રિ-ક્વાર્ટરમાં પરાજિત, બેલારુસની પહેલવાને 8-2થી હરાવી

* આજે મહિલા હોકી સેમિફાઈનલમાં આર્જેન્ટીના સામે ટકરાશે; બોક્સર લવલિના પણ સિલ્વર અથવા ગોલ્ડ મેડલ માટે ઉતરશે

નવીદિલ્હી, તા.4
ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસની સવાર ભારતીય ચાહકો માટે આશાની કિરણો લઈને આવી છે. જેવલિન (બરછી ફેંક) થ્રોમાં ભારતીય ખેલાડી નીરજ ચોપડાએ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. જ્યારે કુશ્તીમાં પુરુષ ફ્રી-સ્ટાઈલ 57 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં પહેલવાન રવિકુમારે ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો (કોલંબીયા)ને 13-2થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે.

આ સાથે જ ભારતના અન્ય બોક્સર દીપિક પુનિયાએ 86 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં નાઈઝીરીયાના એકરેકેમ એગિયોમોરને પ્રિ-ક્વાર્ટરમાં હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી બાજુ મહિલાઓની 57 કિલોગ્રામ વેઈટ કેટેગરીની ફ્રી-સ્ટાઈલ કુશ્તીમાં અંશુ મલિકને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. અંશુને બેલારુસની ઈરિના કુરાચિકિનાએ 8-2થી હરાવી છે.

દરમિયાન આજે ભારતીય મહિલા હોકી ટીમ અને બોક્સર લવલિના બોરગોહેનથી ઘણી અપેક્ષા રહેશે. હોકી ટીમે સેમિફાઈનલમાં પહોંચીને પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો પરચો આપી દીધો છે અને હવે તેનો લક્ષ્યાંક ફાઈનલમાં પહોંચવાનો છે. આજે તેની ટક્કર આર્જેન્ટીના સામે થશે. આવું જ કંઈક બોક્સર લવલિનાનું છે. પોતાના પહેલાં જ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પાક્કો કરી ચૂકેલી લવલિના હવે સિલ્વર અથવા ગોલ્ડ મેડલ મેળવવા માંગશે.

આ ઉપરાંત ભારતને કુશ્તી, એથ્લેટિક્સ અને ગોલ્ફમાં પણ સારા પ્રદર્શનની આશા રહેશે. બરછી ફેંક (જેવલિન થ્રો)ની રમતમાં નીરજ ચોપડા પુલ ‘એ’માં સામેલ છે. તેણે પોતાના પહેલાં જ પ્રયાસમાં 86.65 મીટર દૂર થ્રો ફેંક્યો હતો. આ સાથે જ તેણે ભારત માટે મેડલની આશા ઉજળી કરી દીધી છે. ચોપડાની ઓલિમ્પિકની તૈયારીઓ ઈજા તેમજ કોરોના મહામારીને કારણે પ્રભાવિત થઈ હતી

પરંતુ તેણે પોતાના ચાહકોને બિલકુલ નિરાશ કર્યા નથી અને ઓલિમ્પિકમાં પોતાના પહેલાં જ થ્રો ઉપર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી બાજુ બીજા ભારતીય થ્રોઅર શિવપાલસિંહ ફાઈનલની દોડમાંથી બહાર થઈ ગયા છે. તેણે ત્રીજા પ્રયાસે 74.81 મીટરનો થ્રો કર્યો હતો. આ પહેલાં તેણે બીજા પ્રયાસમાં 74.80 મીટર અને પહેલાં પ્રયાસમાં 76.40 મીટરનો થ્રો કર્યો હતો. ફાઈનલમાં પહોંચેલા નીરજનો મુકાબલો હવે 7 ઓગસ્ટે થશે.


Related News

Loading...
Advertisement
Advertisement