મહિલાઓની જાસૂસી, નલિયાકાંડના રંગે રંગાયેલા ભાજપના મોઢે ‘નારીશક્તિ’ની વાત શોભતી નથી: અમિત ચાવડા

04 August 2021 05:07 PM
Rajkot Politics
  • મહિલાઓની જાસૂસી, નલિયાકાંડના રંગે રંગાયેલા ભાજપના મોઢે ‘નારીશક્તિ’ની વાત શોભતી નથી: અમિત ચાવડા

નારી સુરક્ષા મામલે ગુજરાતની હાલત દિવસેને દિવસે કથળતી જાય છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી: સરકારને તો કરોડો રૂપિયાનું આંધણ કરીને ચિત્ર-વિચિત્ર યોજનાઓ બનાવવામાં જ રસ છે

મોટા રાજ્યોમાં જેન્ડર રેશિયો મામલે ગુજરાત છેલ્લા ક્રમે; લીંગભેદના નામે દર વર્ષે રાજ્યમાં 9331 બાળકીના ભોગ લેવાય છે: ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ ભાજપના જ નેતાઓએ કાવાદાવા કરીને હટાવ્યા: રાજકોટમાં અમિત ચાવડા ભાજપ પર વરસ્યા

રાજકોટ, તા.4
ગુજરાત સરકાર દ્વારા આખા રાજ્યમાં આજે ‘નારીશક્તિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોની હારમાળા ચાલી રહી છે. દરમિયાન આ બધાની વચ્ચે રાજકોટ આવી પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર બેફામ માછલાં ધોયા હતા.

અમિત ચાવડાએ કહ્યું હતું કે મહિલાઓની જાસૂસી, નલિયાકાંડ સહિતના શરમજનક કૃત્યોમાં સંડોવાયેલા ભાજપ નેતાઓના મોઢે ‘નારીશક્તિ’ની વાત બિલકુલ શોભી રહી નથી. નારી સુરક્ષા મામલે રાજ્યની હાલત દિવસેને દિવસે બગડતી જાય છે છતાં સરકારના પેટનું પાણી હલી રહ્યું નથી. મહિલાઓના નામે ચિત્ર-વિચિત્ર યોજનાઓ બનાવીને સરકારને તો અત્યારે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે કોરોના મહામારી, મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાને નાથવામાં સદંતર નિષ્ફળ નિવડેલી રાજ્ય સરકારને શરમ કરવામાં નહીં પણ વાહવાહી કરવામાં જ મજા આવી રહી છે.

જે સરકારે શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું હોય તે ‘જ્ઞાનદિવસ’ ઉજવે તે ગુજરાતીઓ માટે કેટલી વિચિત્ર વાત ગણાશે. અમિત ચાવડાએ ‘નારીશક્તિ’ દિવસની ઉજવણી કરી રહેલા ભાજપને આડેહાથ લેતાં કહ્યું કે સરકારે ગુજરાતમાં ‘બેટી બચાવો’ કાર્યક્રમ પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે પરંતુ એ જ ગુજરાતમાં એક સમયે 1000 પુરુષ સામે સ્ત્રી જન્મદરનો રેશિયો 907 હતો તે અત્યારે 1000 સામે 854નો થઈ ગયો છે છતાં સરકાર કશાં જ ઠોસ પગલા ઉઠાવી રહી નથી.

અત્યારે દેશના 18 મોટા રાજ્યોમાં જેન્ડર રેશિયા મામલે ગુજરાત છેલ્લા ક્રમે છે અને લીંગભેદના કારણે ગુજરાતમાં દર વર્ષે 9331 બાળકીઓનો ભોગ લેવાઈ રહ્યા છે જે ગુજરાતનું દૂર્ભાગ્ય છે અને આ સ્થિતિમાં મુકવા પાછળ રાજ્ય સરકાર જ જવાબદાર છે. લીંગભેદ મામલે ગુજરાતના જે પાંચ જિલ્લા સૌથી આગળ છે તેમાં રાજકોટ મોખરે રહેવા પામ્યું છે આમ છતાં રાજકોટમાંથી જ ચૂંટાયેલા મુખ્યમંત્રી કશું કરી શકતાં નથી.

અમિત ચાવડાએ સણસણતો આક્ષેપ કરતાં કહ્યું કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ આ જ ભાજપ સરકારે કાવાદાવા કરીને હટાવ્યા છે ત્યારે તે ભાજપ અત્યારે નારીશક્તિની ગુલબાંગો ફેંકે તે તેને બિલકુલ શોભી રહ્યું નથી. રૂપાણી સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર છે અને રિમોટનું બટન દિલ્હીમાં બેઠેલા તેમના આકાઓના હાથમાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement