41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવતી ભારતીય પુરુષ હોકી ટીમ: જર્મનીને 5-4થી હરાવ્યું

05 August 2021 11:05 AM
India Sports
  • 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવતી ભારતીય પુરુષ હોકી ટીમ: જર્મનીને 5-4થી હરાવ્યું

આંગળીના નખ કરડી ખવાય તેવો રહ્યો મુકાબલાનો રોમાંચ: સીમરનજીતસિંહે બે, હાર્દિકસિંહ, હરમનપ્રિતસિંહ, રુપિન્દર પાલસિંહે એક-એક ગોલ કરી જીતને સુનિશ્ર્ચિત બનાવી: 1972 બાદ ભારતીય ટીમને મેડલ મળ્યો

નવીદિલ્હી, તા.5
ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચતાં ટોક્યો ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ દેશને મેડલ અપાવ્યો છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલા ભારત-જર્મની વચ્ચેના મુકાબલામાં ભારતે જર્મનીને 5-4થી હરાવી મેડલ પોતાના નામે કરી લીધો છે. ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમને છેલ્લે 1980માં મોસ્કોમાં મળ્યો હતો ત્યારે વાસુદેવન ભાસ્કરનની આગેવાનીમાં ટીમે ગોલ્ડ પોતાના નામે કર્યો હતો.

ભારત-જર્મની વચ્ચેના મુકાબલાનું પ્રથમ ક્વાર્ટર જર્મનીના નામે રહ્યું હતું. તેણે શરૂઆતથી જ એટેકિંગ રમત રમી હતી. જર્મન ટીમે મેચની પહેલી જ મિનિટમાં ગોલ કરી લીડ મેળવી લીધી હતી. જર્મની વતી તિમુર ઓરુઝે ફિલ્ડ ગોલ કર્યો હતો. પહેલું ક્વાર્ટર પૂરું થયાની થોડી જ ક્ષણ પહેલાં તેને પેનલ્ટી કોર્નર મળ્યું હતું. જો કે ભારતે તેનો શાનદાર બચાવ કર્યો અને જર્મનીને 1-0 સુધી જ રોકી રાખ્યું હતું. ભારતીય ગોલકિપર શ્રીજેશે સતત બે ગોલ બચાવ્યા હતા.

બીજા ક્વાર્ટરની શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાએ વાપસી કરી લીધી હતી અને સીમરનજીતસિંહે 17મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. ત્યારબાદ જર્મનીના વેલેને વધુ એક ગોલ કરતાં ટીમ 2-1થી આગળ થઈ ગઈ હતી. આ પછી 24મી મિનિટે વેલેને ગોલ કરીને સ્કોર 3-1 કર્યો હતો. જો કે ભારતે એટેક કરવાનું છોડ્યું નહોતું અને હાર્દિકસિંહે 27મી અને હરમનપ્રિતસિંહે 29મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 3-3થી બરાબર કર્યો હતો. હાફટાઈમ સુધી બન્ને ટીમનો સ્કોર 3-3 જ રહ્યો હતો.

હાફટાઈમ બાદ 31મી મિનિટમાં રુપિન્દરપાલસિંહે પેનલ્ટી કોર્નર ઉપર ગોલ કરીને ભારતને 4-3થી આગળ કરી દીધું હતું. તેની ઠીક 3 મિનિટ બાદ સીમરનજીતસિંહે ગોલ કરીને લીડને 5-3 કરી દીધી હતી. ભારત માટે સારી વાત એ રહી કે આ ઓલિમ્પિકમાં તે પોતાનાથી નીચેના રેન્કવાળી કોઈ ટીમ સામે હારી નથી. પુલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા અને અંતિમ-4ના મુકાબલામાં બેલ્જિયમ સામે હાર જોવી પડી હતી. આ બન્ને ટીમ રેન્કીંગમાં ભારત કરતા ઉપર હતી.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ 1972 બાદ પહેલી વખત ટોક્યોમાં પુલ સ્ટેજમાં ચાર અથવા તેનાથી વધુ મુકાબલા જીત્યા છે. 1972 ઓલિમ્પિકમાં ભારતે પુલ સ્ટેજમાં 7માંથી પાંચ મેચ જીત્યા હતા. ત્યારબાદ 2016 ઓલિમ્પિક સુધી ભારત ગ્રુપ સ્ટેજમાં ત્રણથી વધુ મેચ જીતી શક્યું નથી. 1984થી 2016 સુધી તો ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પણ ક્યારેય બેથી વધુ મેચ જીતી શકી નહોતી.

આજે એક એવો દિવસ છે જે દરેક ભારતીય માટે યાદગાર બની રહેશે: મોદીએ હોકી ટીમને આપ્યા અભિનંદન
ટોક્યો ઓલિમ્પિકમાં જર્મનીને હરાવી બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોએ અભિનંદન પાઠવ્યા છે. મોદીએ ટવીટ કરતાં લખ્યું કે ઐતિહાસિક ! એક એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં વસી જશે. બ્રોન્ઝ મેડલ જીતવા બદલ આપણી પુરુષ હોકી ટીમને શુભકામના, આ ઉપલબ્ધી સાથે તેમણે દેશ અને ખાસ કરીને આપણા યુવાઓની આશાને પૂર્ણ કરી છે. ભારતને તેની હોકી ટીમ ઉપર ગર્વ છે. આ ઉપરાંત અર્જુન પુરસ્કાર વિજેતા પૂર્વ હોકી ખેલાડી અને સાંસદ દિલીપ તીર્કીએ આ જીતને ઐતિહાસિક ગણાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement