યુપીમાં કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો પ્રિયંકા ગાંધી; તમામ બેઠકો પર એકલા હાથે લડશે

05 August 2021 11:15 AM
India Politics
  • યુપીમાં કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો પ્રિયંકા ગાંધી; તમામ બેઠકો પર એકલા હાથે લડશે

કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ રાજેશ તિવારીનો દાવો: સપા કે અન્ય કોઈ સાથે ગઠબંધન નહીં થાય: છત્તીસગઢની તર્જ ઉપર યુપી કબજે કરવા તૈયારી: 100થી વધુ પદાધિકારીઓ બૂથ લેવલ મજબૂત કરવા લઈ રહ્યા છે તાલીમ

નવીદિલ્હી, તા.5
કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી રાજેશ તિવારીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસનો ચહેરો હશે. જનતા તેને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે. તેના નેતૃત્વમાં જ આવતાં વર્ષે વિધાનસભા ચૂંટણી લડવામાં આવશે. પક્ષ તમામ વિધાનસભા બેઠકો ઉપર પોતાનો ઉમેદવાર ઉતારશે. જનતાની સાથે સાથે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ કાર્યકરો અને પદાધિકારીઓ પણ પ્રિયંકાને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે.

રાજેશ તિવારીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની તૈયારી તમામ 403 બેઠકો ઉપર ઉમેદવાર ઉતારવાની છે. રાજ્યમાં સમાજવાદી પાર્ટી અથવા અન્ય કોઈ પક્ષ સાથે ગઠબંધન કરવાની વાત ચાલી રહી નથી. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને બૂથ લેવલ સુધી મજબૂત કરવામાટે તાલીમ આપવામાં આવી રહી છે. તિવારીએ કહ્યું કે જે રીતે છત્તીસગઢમાં 15 વર્ષ સુધી સત્તા બહાર રહ્યા બાદ બૂથ લેવલે મજબૂતિ લાવવાથી સફળતા મળી છે તે જ રીતનો પ્રયોગ ઉત્તરપ્રદેશમાં કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના 100થી વધુ પદાધિકારી પાછલા ત્રણ દિવસથી છત્તીસગઢમાં તાલીમ લઈ રહ્યા છે. આ નેતાઓને કોંગ્રેસના ઈતિહાસથી લઈને બૂથ મેનેજમેન્ટ વિશે જાણકારી આપવામાં આવી રહી છે. તેમને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તાલીમ આપી રહ્યા છે. રાજેશ તિવારીએ કહ્યુંકે રાયપુરની નિરંજન ધર્મશાળામાં માસ્ટર ટ્રેનને બૂથ મેનેજમેન્ટની જાણકારી અપાઈ રહી છે. પાંચ દિવસીય તાલીમમાં પ્રિયંકા ગાંધી પણ આજે સાંજે વર્ચ્યુઅલી સામેલ થયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement