ફાળદંગમાં પટેલ દંપતી પર હુમલો કરનાર શિવકુ વાળાના બે સાગરીતો દબોચાયા

05 August 2021 11:20 AM
Rajkot Crime
  • ફાળદંગમાં પટેલ દંપતી પર હુમલો કરનાર શિવકુ વાળાના બે સાગરીતો દબોચાયા

રાજકોટના ઘંટેશ્વર પાર્ક 25 વારીયા ક્વાર્ટસમાં રહેતા મોઈન ચૌહાણ અને ડેરોઈના મહિપત ચાવડાની ધરપકડ, શિવકુને પકડવા પોલીસની દોડધામ

રાજકોટ, તા.5
ફાળદંગ ગામે રહેતા પટેલ વૃધ્ધનું અપરહરણ કરી રૂ.3.85 લાખની ખંડણી વસુલવાના ગુનામાં પકડાયેલા રીઢા ગુનેગાર શિવરાજ વાળાએ જામીન પર છૂટયા બાદ સાગરીતો સાથે મળી પટેલ વૃધ્ધની હત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેની પત્ની પર પણ હુમલો કરી નાસી છૂટયા હતા. કુવાડવા રોડ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી, જે દરમિયાન શિવકુના સાગરીત મોઈન ઉર્ફે ટકો સતાર ચૌહાણ (ઉ.વ.21, રહે. ઘંટેશ્વર પાર્ક, 25 વારીયા, ક્વાર્ટસ, રાજકોટ) અને મહિપત વજા ચાવડા (ઉ.વ.36, રહે. ડેરોઈગામ, તા.જિ. રાજકોટ)ને દબોચી લેવાયા છે.

વિસ્તૃત વિગત મુજબ ફાળદંગ ગામે રહેતા ખેડૂત વલ્લભભાઈ ભગવાનભાઈ ખુંટ અને તેમની પત્ની હેમીબેન ગત તા.25/7ના રોજ સવારે પોતાના ઘર હતા ત્યારે ફાળદંગ ગામનો શિવકુ વાળા, ડેરોઈનો મહિપત ચાવડા અને ત્રણ અજાણ્યા શખસો ધસી આવ્યા હતા અને વલ્લભભાઈ ઉપર પાઈપ-ધોકાથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાખી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને પતિ વલ્લભભાઈને બચાવવા વચ્ચે પડેલા હેમીબેન પર પણ હુમલો કરી બે પુત્રોને મારી નાખવાની ધમકી આપી શિવકુ વાળા સહિતની ટોળકી ફરાર થઈ ગઈ હતી અને ગંભીર રીતે ઘવાયેલા વલ્લભભાઈ અને હેમીબેનને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જે અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ વલ્લભભાઈનું શિવકુ વાળા સહિતના શખ્સોએ કારમાં અપહરણ કરી રૂ. 3.85 લાખની ખંડણી વસુલી હોય તેનો પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. આ અંગેનો ખાર રાખીને શિવકુ વાળાએ સાગરીતો સાથે મળી ઘરમાં ઘૂસી પટેલ દંપતી પર ખૂની હુમલો કર્યો હતો. વૃધ્ધના પરિવારજનોએ શિવકુ વાળા સહિતનાને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવતા પોલીસ કમિશનરનું સન્માન કર્યું હતું.

ત્યાં જ જામીન પર છૂટેલા શિવકુ વાળાએ ફરીથી હુમલો કરતા પોલીસે વલ્લભભાઈ ખુંટની ફરિયાદ પરથી શિવકુ વાળા, મહિપત ચાવડા અને ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. જેમાં મોઇન અને મહિપત હાથ લાગ્યા છે. જ્યારે શિવરાજ ઉર્ફે શિવકુ વાળા હજુ ફરાર છે. જેને પકડવા પોલીસની જુદી - જુદી ટીમો કામે લાગી છે.આરોપીને પકડવા કુવાડવા રોડ પોલીસના પીઆઇ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી. રોહડિયા, એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ગઢવી, અરવિંદભાઈ મકવાણા, કોન્સ્ટેબલ હરેશભાઈ સારદીયા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મુકેશભાઈ સબાડ ફરજ પર રહ્યા હતા.

બન્ને આરોપી ગુનાઈત ઇતિહાસ ધરાવે છે
આરોપી મોઈન ઉર્ફે ટકો ચૌહાણ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરજ રુકાવટ અને મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે જ્યારે એ. ડિવિઝન પોલીસ મથકે હત્યા પ્રયાસનો ગુનો તેના વિરુદ્ધ નોંધાયેલો છે. મહીપત ચાવડા સામે અગાઉ કુવાડવા રોડ પોલીસે દારૂના બે ગુના નોંધાયા છે. જેમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement