ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા એકઝીબીશન યોજાયું

05 August 2021 12:47 PM
Dhoraji
  • ધોરાજીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા એકઝીબીશન યોજાયું

ધોરાજી તા.5
ભારત વિકાસ પરિષદ ધોરાજી મહીલા સમિતિ દ્વારા તાજેતરમાં અહીંના લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન (જેતપુર રોડ) ખાતેે મહિલા સશક્તિકરણ, ઉત્કર્ષ, સ્વદેશી તેમજ લોકલ વસ્તુઓના વેચાણ ને પ્રોત્સાહન આપવા માટે જે મહિલાઓ ઘરે રહીને વેપાર કરે છે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે એક્ઝિબિશન કમ સેલ નું આયોજન કરવામાં આવેલ.

આ એક્ઝિબિશનમાં ધોરાજી ઉપરાંત જુનાગઢ, જેતપુર, જામનગર, રાજકોટ, મોરબી, અમદાવાદ, દાદર, ભાયાવદર જેવા ગુજરાત ભરના બહેનોએ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં વિશેષ મહિલાઓને આમંત્રિત કરી તેમના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવેલ. આ વિશેષ મહિલાઓમાં વિરલબેન પારેખ (પ્રમુખશ્રી ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત), શ્વેતાબેન દક્ષિણી (મહિલા સંયોજીકા ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત),કીર્તિબેન ટિલાળા (ઓક્સિજન રીફીલ સપ્લાયર), મંજુલાબેન પેથાણી (ઓફસેટ સંચાલક), અલ્પાબેન ગરાણા (ગર્ભ સંસ્કાર કેન્દ્ર સંચાલક)નો સમાવેશ થાય છે.

આ એક્ઝિબિશનમાં કુલ 67 સ્ટોલ પ્રદર્શન તેમજ વેચાણ માટે રાખવામાં આવેલ. દરેક સ્ટોર ને સ્વચ્છતા, સુઘડતા, પ્રોડક્ટનું માર્કેટિંગ, સ્ટોલ માં લઇ આવેલ વસ્તુઓ, જે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે તેમાંથી કેટલી રોજગારી ઉભી થાય છે આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિર્ણાયકો ભાવેશભાઈ માવાણી તેમજ સંગીતાબેન મહેતા પાસેથી નિર્ણય કરાવીને સ્ટોર ધારકો ને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનાર સ્ટોલ ધારકને સ્પોન્સર જ્યોતિબેન બાબરીયા (ઓમવેદ ફેમસ) તરફથી ઇનામ આપવામાં આવેલ હતાં. જેમાં પ્રથમ વિજેતા જાનવીબેન મેહતા જામનગર (ઇન્ડોર પ્લાન્ટ), દ્વિતીય વિજેતા અંકિતાબેન સીતાપરા જામનગર (જ્વેલરી), તૃતીય વિજેતા નિશિતાબેન રાજપરા તથા કવિશાબેન શાહ ધોરાજી (હેન્ડમેડ ચોકલેટ અને ઓર્નામેન્ટ).

આ ઉપરાંત જુનાગઢ ના આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન ના માનસિક રોગી તેમજ મંદબુદ્ધિના વ્યક્તિઓનો એક વિશેષ સ્ટોલ રાખવામાં આવેલ જે બાળકોને પણ ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ.ભારત વિકાસ પરિષદ મહિલા સમિતિ દ્વારા આ પ્રકારનો એક્ઝિબિશન કમ સેલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેમાં દરેક સ્ટોર નહિ નફો નહિ નુકશાન ના મિનિમમ દરે આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારત વિકાસ પરિષદ મહિલા સમિતિના સંયોજીકા રેખાબેન વૈષ્ણવ, સહ સંયોજીકા નેહલબેન કણસાગરા ઉપરાંત મહિલા સમિતિના વિજયાબેન પેથાણી, જ્યોતિબેન બાબરીયા, વંદિતાબેન દવે, સોનલબેન વાગડિયા, અલકાબેન વાઢેર નું મહત્વનું યોગદાન રહેલ હતું.


Loading...
Advertisement
Advertisement