મોરબી પેપરમિલ એસો. દ્વારા ટ્રાન્સપોર્ટરોની હડતાલના પગલે પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું

05 August 2021 01:18 PM
Morbi
  • મોરબી પેપરમિલ એસો. દ્વારા ટ્રાન્સપોર્ટરોની હડતાલના પગલે પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું

માલના પરિવહનમાં જોખમ...

મોરબી, તા. 5
મોરબી જીલ્લામાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા હડતાળ કરવામાં આવી છે જેથી માલના પરિવહન ઉપર બ્રેક લાગી છે ત્યારે મોરબી પેપરમિલ એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માલની આવક જાવક થઈ શકે તેના માટે પોલીસ પ્રોટેકશન માંગવામાં આવ્યું છે.

પેપરમિલ એસો.ના પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાની આગેવાનીમાં કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા હાલમાં હડતાળ કરવામાં આવી છે ત્યારે ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. સભ્યો અથવા તો તેઓના નામથી બીજા જિલ્લામાથી આવતા ટ્રક અને માલવાહનોના ડ્રાઈવરો અને તેના માલિકોને ધમકાવવામાં આવે છે અને કેટલાક વાહનમાં તોડફોડ પણ કરવામાં આવી છે જેથી કરીને બહારના ટ્રક માલિકોમાં ભયનું મોજું છે.

હાલમાં કારખાનામાં માલ તૈયાર હોવા છતાં પણ કારખાનેદારો માલ મોકલી શકતા નથી જેથી ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડે તેમ છે અને 7000 લોકોની રોજગારીને અસર થાય તેમ છે ઘણા કારખાનામાં સંપૂર્ણ અથવા આંશિક નિકાસના ઓર્ડરનો માલ તૈયાર છે પણ હડતાળના લીધે તેને મોકલવી શકતા નથી અને પેપર પ્રોડક્ટ ડેરી, ખાદ્ય પ્રોડક્ટ અને અન્ય ફાર્મા પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાઈ છે જેથી હડતાળનો સુખદ અંત ન આવે ત્યાં સુધી માલની આવક જાવક ચાલુ કરવા માટે પોલીસ પ્રોટેકશન આપવામાં આવે તેવી માંગ મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો દ્વારા કરવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement