મોરબીમાં એપાર્ટમેન્ટનું બાંધકામ શરૂ કરનારા બિલ્ડરોએ એડવાન્સ બુકિંગના ઓઠા હેઠળ 18 કરોડથી વધુની કરી છેતરપિંડી !

05 August 2021 01:20 PM
Morbi Crime
  • મોરબીમાં એપાર્ટમેન્ટનું બાંધકામ શરૂ કરનારા બિલ્ડરોએ એડવાન્સ બુકિંગના ઓઠા હેઠળ 18 કરોડથી વધુની કરી છેતરપિંડી !

બિલ્ડરના ઘરને તાળા : ગુનો નોંધવા ફસાયેલ લોકોની માંગ

મોરબી, તા. 5
મોરબીમાં ફ્લેટના એડવાન્સ બુકિંગના નામે 54 ગ્રાહકો પાસેથી 18 કરોડથી વધુની રકમ લઇ બોગસ સોદાખત કરી આપ્યા હતા પણ હજુ સુધી બાંધકામ પૂરું થયું નથી જેથી કરોડો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે એસપીને ભોગ બનેલા લોકોએ અરજી આપી બિલ્ડરો સામે પગલાં લેવાની માંગ કરી છે.

મોરબી નજીકના બેલા (રંગપર)ના રહેવાસી એન્ટીકા હાઈટ્સમાં ફ્લેટ ખરીદનાર મનુભાઈ ભવાનભાઈ ચાપાણીએ એસપીને અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે, રાજેશ થોભણભાઈ સનીયારા તેના પત્ની દીનાબેન સનીયારા રહે. બંને મયુરપાર્ક સોસાયટી મોરબી, ગંગારામભાઈ સનીયારા રહે. ગાંધીનગર અને ભરતભાઈ હરખજીભાઇ સરસાવાડિયા રહે. કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાએ ફ્લેટ માટે એડવાન્સ રકમ આપનાર 54 વ્યક્તિઓ સાથે 18.18 કરોડની છેતરપિંડી કરેલ છે તેમણે કરેલી અરજીમાં લખ્યું છે કે, રાજેશભાઈ અને તેના પત્ની દીનાબેને શ્રી હરી એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારીથી પેઢી બનાવી હતી અને વજેપર સર્વે નં 1163/1 પૈકી 3 ની જમીન ચો.મી. 4148 બિનખેતીમાં ફેરવેલ હતી જે જમીન કાન્તિલાલ દેવરાજભાઈ અઘારાની માલિકીની છે.

ત્યાં એન્ટીકા હાઈટ્સ નામની વિંગ બનવાનું આયોજન કર્યું હતું અને ફરિયાદી સહીત 54 લોકોએ ફ્લેટ ખરીદવા માટે સમયાંતરે 18.18 કરોડની રકમ ચૂકવી હતી તેમજ રાજેશ સનીયારા અને તેની પત્ની દીનાબેન દ્વારા ફ્લેટના બોગસ સોદાખત કરી આપ્યા હતા જે પ્રોજેક્ટ શરુ કર્યાના 18 માસમાં પૂરું કરવાનો હતો અને કોરોનાને લીધે 6 માસની મુદત વધારી આપી હતી તો પણ હજુ સુધી બાંધકામ પૂર્ણ થયું નથી અને હાલમાં બિલ્ડરોના મોબાઈલ ફોન બંધ આવે છે અને જેની જમીન છે તે કાંતિલાલ દેવરાજભાઈ અઘારાએ જણાવ્યું હતું કે તેની જમીનનું પૂરું પેમેન્ટ કરે તો દસ્તાવેજ કરવા તેઓ તૈયાર છે જો કે, બિલ્ડર રાજેશભાઈના ફ્લેટમાં હાલ તાળું મારેલ છે અને તેનો સંપર્ક થતો નથી તેવો આક્ષેપ ભોગ બનેલા લોકોએ કર્યો છે અને બિલ્ડરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે એસપીને અરજી આપેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement