અંજારના મેઘપરમાં રાજસ્થાનથી આવેલો 29 લાખનો દારૂ પકડાયો

05 August 2021 01:45 PM
kutch Crime
  • અંજારના મેઘપરમાં રાજસ્થાનથી આવેલો 29 લાખનો દારૂ પકડાયો

હાઇવે ઉપર અવાવરૂ જગ્યાએ માલ ઉતારી કટીંગ કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં જ પોલીસ ત્રાટકી

ભૂજ તા.5
અંજારથી ગળપાદર જતા હાઈવે પર મેઘપર (બો) પાસેના અવાવરૂ પ્લોટમાંથી પોલીસે 29.40 લાખનો દારૂનો જથ્થો મળ્યો હતો. રાજસ્થાનથી ટ્રકમાં આવેલા દારૂના જથ્થાનું કટીંગ થાય એ પહેલા જ પોલીસના હાથે માલ પકડાઇ ગયો હતો.

એકતરફ રાજ્યના મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અંજાર પોલીસે મેઘપર બોરીચી પાસે આવેલા અવાવરુ પ્લોટમાં ટ્રકમાં આવેલા 29.40 લાખની કિંમતના શરાબના જથ્થાનું કટીંગ થાય તે પૂર્વે ત્રાટકી કુલ 44.90 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.બાગેશ્રી પામમાં રહેતો શિવરાજસિંહ રાજસ્થાનની ટ્રકમાં દારૂનો જથ્થો મંગાવી, અંજારથી ગળપાદર તરફ જતા ધોરીમાર્ગ પર મેઘપર બોરીચી વિસ્તારમાં આવતા રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળના ભાગે આવેલી અવાવરુ જગ્યાએ બાવળોની ઝાડીમાં માલના કટીંગ કરવાની તૈયારી કરી રહ્યા હોવાની અંજાર પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા બાવળો વચ્ચે એક ટ્રક અને બાઈક ઉભેલી જોવા મળી હતી.

તપાસ કરતા પ્લાસ્ટિકના રેપર નીચેથી દારુની પેટીઓ હોવાનો અંદાજો આવતા ટ્રક અને બાઈકને અંજાર પોલીસે મથકે લઈ જવાયા હતા. જ્યાં જઈને તપાસ હાથ ધરતા ભારતીય બનાવટની વિદેશી દારુની જુદા જુદા બ્રાંડની 7200 બોટલ કે જેની કિંમત 25,80,000 થાય છે, તેમજ 3.60 લાખની કિંમતના બીયરના 3600 ટીન મળી આવતાં 29.40 લાખનો શરાબનો જથ્થો તેમજ ટ્રક અને બાઈક મળીને કુલ 44.90 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. આ જથ્થાને મંગાવનાર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત (રહે. બાગેશ્રી પામ, ગળપાદર), ટ્રકના ચાલક, મોટર સાઈકલના ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement