યુવાનના હત્યારાઓના સગડ મેળવવા પોલીસે જુદી-જુદી ટીમ બનાવી

05 August 2021 02:16 PM
Jamnagar Crime
  • યુવાનના હત્યારાઓના સગડ મેળવવા પોલીસે જુદી-જુદી ટીમ બનાવી

ધ્રોલ પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડ પણ તપાસમાં લાગી

જામનગર તા.5
ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા એક યુવાનની ક્રૂર હત્યા નીપજાવામાં આવી છે. માથાના ભાગે ક્રુરતા પૂર્વક તીક્ષ્ણ હથિયાર ફટકારી યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. આ ઘટનાના ત્રણ દિવસ બાદ પણ હત્યારાઓના સગળ નહી મળતા પોલીસે જુદી-જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકથી 16 કિમી દુર આવેલ લતીપર ગામમાં રહેતો ધનજીભાઈ દામજીભાઈ નામનો 42 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે મોડી સાંજે પોતાના ઘેરથી નીકળ્યા પછી એકાએક લાપતા બન્યો હતો. દરમિયાન બીજા દિવસે સવારે સાડા સાતેક વાગ્યાના અરસામાં લતીપર ગૌશાળા તરફ જવાના માર્ગે વોકળાના પૂલ નીચેથી તેનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં ધ્રોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

કોઈ અજાણ્યા શખ્સોએ મોડી રાત્રિ દરમિયાન ધારદાર હથિયારો થી તેની હત્યા નિપજાવી હોવાનું અનુમાન કરાયું છે. મૃતકના કપાળ અને માથાના ભાગે છ જેટલા તિક્ષણ હથિયારોના ઘા જોવા મળ્યા હોવાથી પોલીસે મૃતકના ભાઇ મુકેશભાઈ ધનજીભાઈ જોગેલની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે, અને હત્યારાઓને શોધવા માટે ચો તરફ નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે.

હત્યારાઓ ને પકડવા માટે જામનગરની ગુના શોધક શાખાની ટુકડી ઉપરાંત એસ.ઓ.જી.ની ટીમ વગેરે પણ મદદમાં જોડાઈ છે. મૃતક યુવાન મોબાઇલ ફોન વાપરતો ન હોવાથી ટાવર લોકેશન અથવા તો છેલ્લે કોની સાથે વાત થઈ તે જાણી શકાયું નથી. ઉપરાંત જે સ્થળે હત્યાનો બનાવ બન્યો છે, તેની આસપાસના વિસ્તારમાં એક પણ સીસીટીવી કેમેરા વગેરે પણ ન હોવાથી પોલીસને હત્યારાઓ સુધી પહોંચવાના કોઈ નજીકની કડી મળતી નથી.

જેથી સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરવા ધ્રોલ પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્કોડની જુદી-જુદી ચાર ટીમ બનાવી છે. હત્યારાઓના સગડ મેળવવા માટે પોલીસે હવે એક માત્ર બાતમીદારોના નેટવર્કને કામે લગાડયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement