12 સ્કૂલમાં 2244 વિદ્યાર્થી કાલે ગુજકેટની પરીક્ષા આપશે

05 August 2021 02:25 PM
Jamnagar
  • 12 સ્કૂલમાં 2244 વિદ્યાર્થી કાલે ગુજકેટની પરીક્ષા આપશે

જામનગર તા.5
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા આગામી તારીખ 6 ઓગસ્ટને શુક્રવારે જામનગર સહિત રાજ્યભરમાં લેવાનાર છે. જામનગર શહેરમાં 12 સ્કૂલના 10 બિલ્ડિંગમાં 2244 વિદ્યાર્થી કાલે ગુજકેટની પરીક્ષા આપશે. આ માટે પરીક્ષા વિભાગ દ્વારા રાજ્યના તમામ સેન્ટર પર પ્રશ્નપત્ર પહોંચાડી દેવામાં આવ્યા છે. જામનગરશહેરમાં પ્રશ્નપત્ર સ્ટ્રોંગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારી જણાવે છે.

શુક્રવારે લેવાનાર ગુજકેટની પરીક્ષા કોવિડ-19ની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે લેવાશે. અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થી બેસાડાશે. દરેક પરીક્ષા કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલગન સહિતની કોરોનાની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરાશે. પરીક્ષા કેન્દ્ર માટે કુલ 12 બિલ્ડીંગો માટે શાંતીપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે એક બિલ્ડીંગ દીઠ 15નો સ્ટાફની ફાળવણી કરાઇ છે અને ગુજકેટની પરીક્ષા માટે ત્રણ ઝોનલ અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.

પ્રવર્તમાન સમયમાં માસ પ્રમોશન બાદ ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન ગુજકેટની પરીક્ષાથી જ થશે, તેથી વાલીની સાથે બોર્ડ અધિકારીઓની નજર પણ ગુજકેટની પરીક્ષા અને પરિણામ પર રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટાભાગે 50 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે, ત્યારે ગુજકેટની પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેશે કે કેમ તે જોવું રહ્યું.


Loading...
Advertisement
Advertisement