ગર્ભ પરિક્ષણ કરાવવા ત્રાસ આપી પરિણીતાને મરવા મજબુર કરેલ આરોપીઓના જામીન નામંજુર

05 August 2021 02:39 PM
Jamnagar Crime
  • ગર્ભ પરિક્ષણ કરાવવા ત્રાસ આપી પરિણીતાને મરવા મજબુર કરેલ આરોપીઓના જામીન નામંજુર

જામનગર તા.5
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતી પરિણીતા કાજલબા અભેસંગ જાડેજાએ સાસરીયાના ત્રાસના કારણે સર્ગભા અવસ્થામાં ગળાફાંસો ખાઇને પોતાના ઘેર આપઘાત કરી લીધેલ હતો અને જે બાબતની પોલીસ ફરિયાદના આધારે પોલીસે પતિ, દિયર, સાસુ-સસરાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા. આરોપીઓએ જામીન ઉપર મુકત થવા માટે કરેલ તમામ આરોપીઓની જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજુર કરેલ છે.

ખંભાળિયા તાલુકાના કજુરડા ગામે રહેતા અભેસંગ ઘેલુભા જાડેજાએ પોતાની દિકરી કાજલબાના લગ્ન મોટી ખાવડી રહેતા સિધ્ધરાજસિંહ સુરૂભા વાળા સાથે કરેલ હતાં. લગ્ન જીવન દરમિયાન મૃતક કાજલબાને તેના પતિ સિધ્ધરાજસિંહ, દિયર મયુરસિંહ, સસરા સુરૂભા નાગુભા વાળા, સાસુ ધ્રુપતબા ઉર્ફે હસુબા સુરૂભા વાળા અવાર-નવાર નાની-નાની બાબતે ઘરકામ બાબતે તેમજ તું અમને ગમતી નથી અમારે તને રાખવી નથી. તેમ કહી શારિરીક, માનસીક ત્રાસ આપી મારકુટ કરવામાં આવતી હતી. તે દરમિયાન કાજલબાને ચારેક માસનો ગર્ભ હતો અને પતિ તેમજ સાસુ ગર્ભ પરિક્ષણ કરાવવા દબાણ કરતા હતાં.

જેથી મૃતક કાજલબાએ તા.18-7-2021ના રોજ પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી અભેસંગ ઘેલુભા જાડેજાએ ચારેય આરોપીઓ સામે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી અને ચારેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા અને આરોપીઓએ જામીન ઉપર મુકત થવા માટે જામીન અરજી દાખલ કરેલ હતી. જે જામીન અરજી સામે ફરિયાદીના વકીલ દિનેશભાઇ એમ. વિરાણીએ જણાવ્યું કે આરોપીઓને જામીન ઉપર મુકત કરવામાં આવે તો સમાજ ઉપર વિપરીત અસરો પડતી હોય છે. તમામ દલીલો ધ્યાને લઇ નામદાર સેશન્સ જજ ત્યાગીએ તમામ આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કેસમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી દિનેશ વિરાણી, મોહસીન ગોરી તથા જયદીપ મોલીયા રોકાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement