રક્ષાબંધન વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

05 August 2021 02:41 PM
Jamnagar
  • રક્ષાબંધન વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

જામનગર જિલ્લા અને શહેરની સ્પર્ધા તા.23-08-2021 થી 13-09-2021 સુધી : રાજ્યકક્ષાની સ્પર્ધા તા.24-09-2021ના રોજ યોજાશે: 8 થી 13 વર્ષના બાળકો ભાગ લઇ શકશે

જામનગર તા.5
મુખ્યમંત્રી દ્વારા તા.01/10/2020ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ના અભિયાનની નવતર પહેલ કરી છે.

હાલના કોરોનાની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃતિમાં અત્યંત કીંમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે.યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ 2020-21 દરમ્યાન મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્ર સ્પર્ધા,ટેલીવીઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડીયો કલીપ રજુ કરી યુવાનોને રમત ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવી રહ્યા છે.

આ હેતુને સુચારુ પાર પાડવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર હસ્તકની લલિતકલા અકાદમી અને જીલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.જેમાં8 થી 13 વર્ષના (જન્મ તા.31/12/2021ને) ધ્યાને રાખીને રક્ષાબંધન વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ અ4 સાઈઝના (8.3’  11.7’) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તા.23-08-2021 થી 13-09-2021 સુધીમાં બપોર 12:00 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ,સરનામું,મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશેતેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ, જન્મ તારીખના પ્રમાણપત્ર)ની ઝેરોક્ષ અને બેન્કની પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે.આ સ્પર્ધામાંથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્ર જીલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે.તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.25000,દ્રિતીય વિજેતાને રૂ.15000,તૃતીય વિજેતાને રૂ.10000 એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.5000 (પ્રત્યેક) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ)આપવામાં આવશે.

જીલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી 13-09-2021 સુધી બપોરે 12:00 કલાક સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત ગમત કચેરી,જીલ્લા સેવા સદન-4, રૂમ નં-42, રાજપાર્ક પાસે,જામનગર ખાતે પહોંચાડવાના રહેશે.સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.


Loading...
Advertisement
Advertisement