જામનગર જિલ્લામાં કોરોનાની મહામારી સમયે બંધ કરાયેલા એસ.ટી. બસના રૂટો ફરી શરૂ કરાયા

05 August 2021 02:48 PM
Jamnagar
  • જામનગર જિલ્લામાં કોરોનાની મહામારી સમયે બંધ કરાયેલા એસ.ટી. બસના રૂટો ફરી શરૂ કરાયા

ધારાસભ્ય રાઘવજી પટેલની રજૂઆતને સફળતા: ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ

જામનગર તા.5
જામનગર જિલ્લામાં ધ્રોલ-જોડિયા અને જામનગર તાલુકામાં કોરોનાના કારણે તેમજ રસ્તાઓના પ્રશ્નને લઇને અનેક એસ.ટી. બસોના રૂટો બંધ કરી દેવાયા હતાં. ગ્રામજનોની એસ.ટી. બસ અંગેની ફરિયાદોને ધ્યાને લઇ ધારાસભ્ય રાઘવજી પટેલની રજૂઆતને ધ્યાને લઇ એસ.ટી. તંત્ર દ્વારા બંધ કરાયેલા એસ.ટી.ના રૂટો ફરી શરૂ કરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

કોરોના મહામારીના કારણે અને રસ્તાના પ્રશ્નોના કારણે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના ઘણા એસ.ટી. બસ રૂટો બંધ કરવામાં આવેલ પરંતુ કોરોનાના કેસ ઘટતા અને જનજીવન પૂર્વવત થતાં લોકોને મુસાફરી માટે એસ.ટી. બસની જરૂરીયાત ઉભી થયેલ જેના લીધે બંધ એસ.ટી. બસ રૂટો શરૂ કરવા અને જરૂરીયાત મુજબ નવા બસ રૂટો શરૂ કરવા રજૂઆત કરેલ અને જે અન્વયે રજૂઆત કરેલ બસ રૂટો શરૂ થયેલ છે

જેમાં જામનગરથી લાલપુર એસ.ટી. બસ રૂટના તમામ લોકલ રૂટને લોઠીયા ગામના પાટીયે સ્ટોપ આપવા, રાજકોટથી જામનગર આવતી લોકલ બસ રૂટને ધ્રાંગડા સ્ટોપ આપવા, જામનગરથી સિક્કા રૂટની બંધ થયેલ એસ.ટી. બસ પુન: ચાલુ કરવા, જામનગર-બાલાચડી-જોડિયા રૂટની બસ રૂટ શરૂ કરવા, જગા ગામે બસ રૂટ ફરીથી શરૂ કરવા, રાજકોટ-અમારાપર બસ રૂટનો સમય બદલવા, ધ્રોલ-કાલાવડ વાયા ધુતારપર બસ રૂટ શરૂ કરવા,

જામનગરથી બજરંગપુર બસ રૂટ શરૂ કરવા તેમજ બસ સ્ટોપ આપવા, જામનગર-દ્વારકા એકસપ્રેસ બસ રૂટને સિક્કા પાટીયે સ્ટોપ આપવા, જામનગરથી લીંબુડા એસ.ટી. બસ રૂટ શરૂ કરવા, જામનગરથી દોઢીયા એસ.ટી. બસ રૂટ શરૂ કરવા, જામનગરથી બેરાજા, બાંગા, છતર, અરલા બસ રૂટને વાયા કોંઝા, નાઘુના, સુમરીથી ચલાવવા, ધ્રોલ-પીઠડ વાયા બોડકા-રાજકોટ રૂટને પુન: શરૂ કરવા. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે ઉપર મુજબના જુદા જુદા એસ.ટી. બસ રૂટના પ્રશ્નોની વિભાગીય નિયામકને તાકિદે નિકાલ કરવા રજુઆત કરતા, આ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement
Advertisement