કોરોનાની ત્રીજી લહેર સામે 3700થી વધુ ઇન્જેકશનોનો સ્ટોક હોસ્પિટલમાં તૈયાર

05 August 2021 02:55 PM
Jamnagar
  • કોરોનાની ત્રીજી લહેર સામે 3700થી વધુ ઇન્જેકશનોનો સ્ટોક હોસ્પિટલમાં તૈયાર

કોરોનાકાળમાં જામનગરને રેમડેસીવીરના 30 હજાર ઇન્જેકશનોની કરાઇ હતી ફાળવણી: જી.જી.કોવીડ માટે 22 હજાર: ખાનગી હોસ્પિટલોને 8400 ઇન્જેકશનો મળ્યા

જામનગર તા.5
કોરોનાની બીજી લહેરના સમયગાળામાં દર્દીઓના જીવ બચાવવા માટે ઇમર્જન્સી ડ્રગ તરીકે જામનગરની સરકારી હોસ્પિટલમાં રેમડેસીવીરના 22 હજાર અને ખાનગી હોસ્પિટલો ડોકટરોને 8439 ઇન્જેકશનો ફાળવવામાં આવ્યા બાદ હજુ પણ કોવીડ હોસ્પિટલમાં 3700થી વધુ ઇન્જેકશનોનો જથ્થો હોવાનું જાણવા મળે છે.

રાજ્યની માફક જામનગર જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરમાં ફટાફટ કેસ વધવા સાથે સાથે દર્દીઓ બહુ જલ્દી ગંભીર સ્થિતિમાં પહોંચી જતાં હતાં. સરકારી હોસ્પિટલમાં 700 બેડની ક્ષમતા તંત્રએ વધારીને 1200ની કરી છતાં અન્ય જિલ્લાના દર્દીઓનો ધસારો ચાલુ રહેતા એક સમયે હોસ્પિટલમાં 1900 દર્દીઓ દાખલ કરાવવામાં આવ્યા હતાં. આવી સ્થિતિમાં મ્યુ. તંત્રએ ખાનગી કોવીડ કેર સેન્ટરો, હોસ્પિટલોને મંજૂરી આપતાં ખાનગી અને સંસ્થાની મળીને 24 હોસ્પિટલોમાં કોરોનાની સારવાર શરૂ થઇ હતી. આ સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ રેમડેસીવીર ઇન્જેકશનોની માંગ ઉભી થતાં રાજ્યભરમાં સરકારે ગોઠવેલી વ્યવસ્થા મુજબ રેશનીંગ પધ્ધતી દાખલ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સરકાર તરફથી ફાળવવામાં આવેલા રેમડેસીવીર ઇન્જેકશનો આ પ્રક્રિયા માટેના નોડલ અધિકારી સીટી એસડીએમની નિગરાની હેઠળ ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા હતાં.

ઇન્જેકશન ફાળવણીની આ કામગીરી દરમિયાન એપ્રિલ-2021થી જુન માસના અંત સુધીમાં તંત્રએ સરકારી હોસ્પિટલમાં 25878 રેમડેસીવીર ઇન્જેકશનો આપ્યા હતાં. જેમાંથી 22146 ઇન્જેકશનો વપરાતા હજુ તંત્ર પાસે 3732 ઇન્જેકશનોનો જથ્થો બચ્યો છે. આ ઉપરાંત શહેરની ખાનગી કોવીડ હોસ્પિટલોમાં તંત્રએ 8439 ઇન્જેકશનો ફાળવ્યા હતાં. જે તમામનો ઉપયોગ થઇ ચૂકયો હોવાનું સરકારી ચોપડે નોંધાયેલું છે.


Loading...
Advertisement
Advertisement