સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીની દુર્ઘટનામાં ત્રણ મજૂરના મોત

13 August 2021 11:11 AM
Porbandar Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીની દુર્ઘટનામાં ત્રણ મજૂરના મોત
  • સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીની દુર્ઘટનામાં ત્રણ મજૂરના મોત

300 ફુટ ઉપરથી ખાબકેલા અન્ય ત્રણ શ્રમિક હોસ્પિટલમાં : મોડી રાત્રે બચાવ કાર્ય પૂર્ણ થયું : એનડીઆરએફ, કલેકટર, પોલીસ તંત્ર ખડેપગે રહ્યા : હવે ઇન્ડ. સેફટી સહિતના મામલે તપાસ

રાજકોટ, તા. 13
પોરબંદર જિલ્લાના રાણાવાવ પાસે આદિત્યાણા રોડ પર આવેલી સૌરાષ્ટ્ર(હાથી) સીમેન્ટ ફેકટરીમાં 300 ફુટ જેટલી ઉંચી ચીમનીના માચડા પરથી છ મજૂરો નીચે ખાબકતા સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં ત્રણ મજૂરના મૃત્યુ નિપજયા છે અને ત્રણને પોરબંદર હોસ્પિટલમાં ખસેડાયા છે ગત મોડી રાત્રે એનડીઆરએફની ટીમો, અધિકારીઓની હાજરીમાં આ રેસ્કયુ ઓપરેશન પૂર્ણ થયું હતું.

આજે સવારે કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે ફેકટરીમાં 85 મીટર ઉંચી ચીમનીના માચડા પર છ મજૂરો કલરકામો પુરૂ કરતા હતા ત્યારે ગત બપોરે ત્રણ વાગ્યા આસપાસ માચડો તુટતા મજૂરો ખાબકયા હતા. જયાં મધ્યપ્રદેશના ત્રણ મજૂરના મૃત્યુ થયા હતા. જયારે ત્રણને સારવારમાં ખસેડાયા છે. ગત રાત્રે 1 વાગ્યે આ બચાવ કાર્ય પૂર્ણ થયુ હતું અને હવે પોલીસ, ઔદ્યોગિક સેફટી સહિતના વિભાગોએ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની વિગત મુજબ પોરબંદરથી 16 કિલોમીટર દૂર રાણાવાવની સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરીમાં ચીમનીમાં રીપેરીંગ કામ ચાલતુ હતું. આ રીપેરીંગ અને કલરકામનો’ કોન્ટ્રાકટ મુંબઇના કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટરના માણસો દ્વારા અંદાજે 8પ મીટર ઉંચી ચીમનીમાં અંદર કલરકામ કરવા માટે માંચડો બાંધવામાં આવ્યો હતો. ચીમનીમાં છ મજુર કલર કામ કરી રહ્યા હતાં ત્યારે અચાનક માંચડો’ તુટી પડયો હતો અને અંદર કામ કરી રહેલા મજુરો ફસાઇ ગયા હતાં.

આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રવિમોહન સૈની, જિલ્લા કલેકટર અશોક શર્મા, રાણાવાવના પીએસઆઇ પી.ડી.જાદવ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. ચીમનીમાં ફસાયેલા મજુરોને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડ વગેરેની મદદ લઇને રેસ્કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે ચીમનીમાં છ મજુર કામ કરી રહ્યા હતાં. માંચડો તુટયાની જાણ થતા તેઓ ત્યાં પહોંચી ગયા હતાં અને ચીમનીમાં કલરકામ કરી રહેલા મજુરોના મોબાઇલ ફોન નંબર મેળવીને તેનો સંપર્ક કરવાનું શરૂ કર્યુ હતું. આ છ પૈકીના ત્રણ મજુરે ફોન પર વાત કરી હતી. જયારે અન્ય ત્રણ મજુરનો સંપર્ક થઇ શકયો ન હતો.

રાણાવાવની સિમેન્ટ ફેકટરીની દુર્ઘટનાની જાણ થતાં તાકીદે પોરબંદરના જિલ્લા કલેકટર અને પોલીસને બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલીક મદદ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત એનડીઆરએફની બે ટીમને તાકીદે રાણાવાવ મોકલી આપવાની સૂચના આપી હતી. હેલિકોપ્ટરની પણ મદદ લેવાઇ હતી. આજે સવારે મજૂરોના મૃતદેહ વતન મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

મુખ્યમંત્રીએ તુરંત મદદ પહોંચાડી..
પત્રકારોને કંપનીમાં પ્રવેશવા ન દેવાયા
રાણાવાવની સીમેન્ટ ફેકટરીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માહિતી મેળવી એનડીઆરએફની બે ટીમને તુરંત મદદમાં મોકલી હતી. તેઓએ કલેકટરને જરૂરી સૂચનાઓ આપી હતી. જોકે ફેકટરીના જવાબદારોએ પત્રકારોને માહિતી લેવા રોકવા ગેટ બંધ કરી દીધા હતા. જેથી મોડી રાત્રી સુધી બચાવ કાર્યની માહિતી સામે આવી ન હતી.

રાણાવાવની સૌરાષ્ટ્ર સીમેન્ટ ફેકટરીમાં બચાવ કાર્ય માટે જતી એમ્બ્યુલન્સ, પોલીસ અને ચીમનીનો પ્લાન્ટ જોવા મળે છે.


Related News

Loading...
Advertisement
Advertisement