પ્રવાસન ખીલવા લાગ્યુ: જન્માષ્ટમીની રજાઓમાં 50 ટકા વધુ બુકીંગ

23 August 2021 05:40 PM
Rajkot Travel
  • પ્રવાસન ખીલવા લાગ્યુ: જન્માષ્ટમીની રજાઓમાં 50 ટકા વધુ બુકીંગ
  • પ્રવાસન ખીલવા લાગ્યુ: જન્માષ્ટમીની રજાઓમાં 50 ટકા વધુ બુકીંગ

* કોરોનાની ત્રીજી લહેરની ભલે ચેતવણી હોય પણ તે આવે તે પૂર્વે ‘ફરી લેવાનો’ લોકોનો મૂડ

* પ્રવાસીઓ-બુકીંગ વધતા પેકેજ 20થી30 ટકા મોંઘા થઈ ગયા: લોકલ કે રાજસ્થાન જેવા પાડોશી રાજયના પ્રવાસન સિવાય કાશ્મીર-લદાખ જેવા લાંબી ટુરનો પણ ટ્રેન્ડ

રાજકોટ તા.21
ગુજરાતીઓને હરવા-ફરવાનાં શોખીનો માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને તહેવારોની સિઝનમાં તો ફરવાલાયક સ્થળોએ ગુજરાતીઓનો ધસારો જોવા મળતો હોય છે. જો કે, કોરોનાને કારણે ફરવા જવા માટે લોકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પણ હવે સ્થિતિ ફરી અનુકુળ થઈ રહી હોવાથી ગુજરાતીઓ ધીમે-ધીમે પ્રવાસનાં આયોજનો કરી રહ્યાં છે. સહેલાણીઓ માટેનાં ફેવરીટ સ્થળો તેમાં પણ ખાસ કરીને નજીકનાં સ્થળોએ લોકો ધડાધડ બુકીંગ કરાવી રહ્યાં છે.

હાલ કોરોનાનાં કેસ નહિવત હોવાથી લોકો જન્માષ્ટમીનાં તહેવારોમાં અવનવા સ્થળોએ જઈને રજાઓ ગાળવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે ત્યારે ટુર-ઓપરેટરોની ઓફિસોમાં પણ રોનક જોવા મળી રહી છે. કોરોનાને કારણે ઘરમાંને ઘરમાં કેદ થઈ ગયેલા લોકો હવે રિફ્રેશમેન્ટ મેળવવાનાં અવનવા રસ્તાઓ શોધી રહ્યાં છે ત્યારે ગુજરાતનાં ફરવાલાયક સ્થળો ધીમે ધીમે હાઉસફુલ થઈ રહ્યાં છે. પહેલાંની તુલનાએ હાલ 50% જેટલું બુકીંગ વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉપરાંત રાજસ્થાન, ગોવા સહિતનાં સ્થળોએ ફરવા જવાનો ક્રેઝ પણ વધ્યો છે ત્યારે ટ્રાવેલ સંચાલકો પણ રસીકરણ તેમજ કોવિડ પ્રોટોકોલનો પાલન સાથે જ લોકોને મુસાફરી કરવાનો આગ્રહ રાખી રહ્યાં છે.તહેવારોમાં હરવા-ફરવાનાં શોખીન એવા ગુજરાતીઓ કોરોનાને કારણે ગયા વર્ષે ઘરમાં જ તહેવારો ઉજવવા મજબૂર બન્યા હતાં. જો કે આ વર્ષે સ્થિતિ સામાન્ય થતાં લોકો ફરવા જવા માટે બહાર નીકળી રહ્યાં છે

ત્યારે મંદીનો માર સહેનારા હોટેલ, ટેકસી, એરલાઈન્સ સહિતનાં ક્ષેત્રોમાં ભાવવધારો જોવા મળ્યો છે. જન્માષ્ટમીમાં તો ટુર પેકેજમાં 25% જેટલો જ ભાવવધારો નોંધાયો છે પરંતુ ટુર સંચાલકોનું માનવું છે કે દિવાળીનાં ટુર પેકેજોમાં તોતીંગ ભાવવધારો થશે. કોરોનાને કારણે બે વર્ષથી બંધ એવા હોટેલોમાં હવે રોનક પાછી ફરી છે ત્યારે દિવાળીમાં ફરવા જવા ઈચ્છતાં લોકોનાં ખિસ્સા પર વધુ ભાર પડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.


સાસણ, પોળો ફોરેસ્ટ, સોમનાથ સહિતનાં સ્થળો બન્યાં ફેવરીટ ડેફીએશન: અમેશભાઈ દફતરી
પ્રભાવ હોલિડેઝમાં અમેશભાઈ દફતરીએ કહ્યું કે, નજીકનાં ફરવાલાયક સ્થળો તો ઠીક અત્યારે તો તીર્થસ્થાનો પર હાઉસફુલ થવા લાગ્યાં છે. સાસણ, પોળોફોરેસ્ટ, સોમનાથ, દ્વારકા, આબુ, ઉદેપુર, તારંગા સહિતનાં સ્થળોએ લોકો ફરવા જવાનું પસંદ કરી રહ્યાં છે.

જન્માષ્ટમી પર ટુર પેકેજનાં 25થી50 ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે જયારે દિવાળી પર તો પેકેજોમાં તોતીંગ ભાવવધારો થવાની શકયતા છે. હાલ દિવાળી માટેનાં બુકીંગ પણ શરુ થઈ ગયા છે તેમજ મોટાભાગનાં લોકોએ રસી લઈ લીધી હોવાથી હરવાફરવા જવા માટેનો ક્રેઝ વધી રહ્યો છે. તહેવારોમાં બુકીંગ વધતાં હોટેલ સહિતની સર્વિસીઝમાં પણ ભાવવધારો થયો છે. હાલ મોટાભાગનાં સ્થળો ફુલ થવા લાગ્યાં છે.


પ્રીમીયમ અને લકઝરીયસ હોટેલોમાં બુકીંગ ફુલ થવા લાગ્યા: શૈલેષભાઈ પટેલ
પટેલ હોલીડેઝનાં શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે, મોટાભાગનાં લોકો હાલ પ્રીમીયમ તેમજ લકઝરી હોટેલોમાં બુકીંગ પસંદ કરી રહ્યાં છે. કોરોનાને પગલે લોકો સ્વચ્છતા તેમજ સલામતીને વધુ મહત્વ આપી રહ્યાં છે તેમજ લોકો ઈન્કવાયરીમાં નાની-નાની બાબતોની કાળજી લઈ રહ્યાં છે

બીજી તરફ, અમને ફોરેન ટ્રીપની સલાહ લેવા માટે પણ લોકો ફોન કરી રહ્યાં છે. હાલ દુબઈ જેવાં અનેક દેશોમાં ફરવા જવા માટેની છૂટ નથી મળી છતાં લોકો દિવાળી પર બુકીંગ કરાવવું કે નહીં તેવી ઈન્કવાયરી કરી રહ્યાં છે. એટલે કે, હવે લોકો ફરવા જવા માટે બેતાબ થઈ રહ્યાં છે કે, જેવાં પ્રતિબંધો હટે એટલે ઝડપથી કઈ આવવુ ફરી આવવુ કારણ કે, સ્થિતિ કયારે કેવી હોય તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. હાલ સામાન્ય પરીસ્થિતિ થતાં મુસાફરીનો ક્રેઝ વધ્યો છે.


સામાન્ય રીતે જન્માષ્ટમીની ટુંકી ટુર હોય પણ આ વખતે કાશ્મીર-લદાખનો પણ ક્રેઝ: દિપકભાઈ કારીયા
બેસ્ટ ટુર્સનાં દિપકભાઈ કારીયાએ કહ્યું કે, લોકો હરવા-ફરવા માટે હવે છૂટથી બહાર નીકળી રહ્યાં છે. કોરોનાની ભયંકર પરીસ્થિતિથી કંટાળેલા લોકો રિફ્રેશમેન્ટ માટે જન્માષ્ટમીનાં તહેવારો પર આસપાસનાં સ્થળે ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે તેથી અત્યારથી જ સાસણ, ઉદેપુર જેવાં ઓલટાઈમ ફેવરીટ સ્થળો 80 ટકા જેટલાં ફુલ થઈ ગયાં છે.

તો બીજી તરફ લાંબી મુસાફરી પસંદ કરતાં લોકો સૌથી વધુ કાશ્મીર, લેહ-લદાખ તેમજ હિમાચલ પ્રદેશ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યાં છે. જો કે, દિવાળી માટે હજુ જોઈએ તેટલી ઈન્કવાયરી મળી રહી નથી. હાલની પરીસ્થિતિ પ્રમાણે લોકો ખુબ અગાઉ બુકીંગ કરવાનું ટાળી રહ્યાં છે પરંતુ જન્માષ્ટમીમાં તો ફરવાલાયક સ્થળો પર ખાસ્સી ભીડ જોવા મળશે તેવું લાગી રહ્યું છે.


દિલ્હીમાં ટુર પેકેજ મોંઘા થવાનાં એંધાણ, એરટિકીટ, હોટેલોમાં ભાડાં વધશે: સંજયભાઈ મહેતા
ટ્રાન્સગ્લોબ ટ્રાવેલ્સનાં સંજયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, હવે પરીસ્થિતિ સામાન્ય થતાં લોકો ધીમે-ધીમે ફરવા જવા માટે આગળ આવી રહ્યાં છે. રસીનાં બંને ડોઝ લીધા બાદ હવે કોરોનાનો ડર થોડો-ઘણો ઓછો છતાં લોકો હરવાફરવાનું પસંદ કરી રહ્યાં છે. જન્માષ્ટમીના તહેવારોમાં ગોવા, ઉદેપુર તેમજ સાસણગીર મોટાભાગનાં લોકો માટે ફેવરીટ ડેસ્ટીનેશન છે. જો કે, છેલ્લાં દોઢેક વર્ષથી ટ્રાવેલીંગ બંધ હોવાનાં કારણે હવે હોટેલ, એરલાઈન્સ, રાઈડસ સહિતનાં તમામ ક્ષેત્રોમાં ભાવવધારો જોવા મળી રહ્યો છે.

તેમાં પણ દિવાળીનાં પેકેજમાં તો 50% જેટલો ભાવવધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. જેથી સામાન્ય માણસને દીવાળીએ હરવા-ફરવા જવાનું મોંઘુ પડશે તો બીજી તરફ ગુજરાત ટુરીઝમે સ્ટેચ્યુ ઓફ યુનીટી, ધોળાવીરા સહિતનાં સ્થળો ખોલતા વધુ લોકો હરવા ફરવા બહાર નીકળશે તેવું લાગે છે. જો કે, સ્થિતિ પહેલાં જેવી સામાન્ય નથી જ. હજુપણ લોકો તમામ સાવચેતી સાથે જ પ્રવાસ કરવાનું પસંદ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement