તાલીબાનો સામે જગત જમાદારની ‘આબરૂ’ દાવ પર

26 August 2021 11:28 AM
India Woman
  • તાલીબાનો સામે જગત જમાદારની ‘આબરૂ’ દાવ પર

અફઘાનમાંથી નાગરિકોને બહાર કાઢવામાં અમેરિકાની લાચારી જાહેર

* તા.31 ઓગષ્ટ પુર્વે તમામને બહાર કાઢવાનો પડકાર: બાઈડન તંત્ર પર દેશમાં જ જબરી પસ્તાળ પડી: પુર્વ પ્રમુખ ટ્રમ્પે પણ ચીટીયો ભરી લીધો: તા.31ની ડેડલાઈન વધારવા વાટાઘાટ

નવી દિલ્હી:
અફઘાનીસ્તાન મામલે પુરી રીતે ફસાઈ ગયેલા અમેરિકાએ હવે તા.31 ઓગષ્ટ સુધીની ‘ડેડલાઈન’ સુધીમાં તેના નાગરિકો તથા સૈનિકોને સલામત બહાર લાવવાનું મોટો પડકાર હોવાનું સ્વીકારી તેનું એર ઓપરેશન વધુ તેજ બનાવી દીધું છે. પણ તા.31 સુધીમાં તમામને બહાર કાઢી શકાશે કે કેમ તે પણ પ્રશ્ન છે અને હાલ તાલીબાન શાસન સાથે આ ડેડલાઈન વધારવાની પણ વાતચીત કરી રહ્યા છે.

અફઘાનમાં જે રીતે અમેરિકા બહાર નીકળવા જતા પણ ફસાયું તેનાથી ઘરઆંગણે તથા વિશ્વમાં અમેરિકાની પ્રતિષ્ઠા પર મોટો ફટકો પડયો છે અને ખાસ કરીને પ્રમુખ જો બાઈડન પર તેમના જ પક્ષ અને વિપક્ષ ભારે પસ્તાળ પાડી રહ્યા છે.

પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તો કેટલા આતંકીઓને અમેરિકામાં લાવવામાં આવશે તેવો પ્રશ્ન પુછીને જોરદાર પ્રહાર કર્યો હતો. અમેરિકાના જર્મની સહિતના સાથી દેશો પણ બાઈડનથી ભારે નારાજ છે અને તાલીબાનોને બહું ઝડપથી અફઘાન સોપીને ભયાનક કટોકટી સર્જી છે તેવો પણ આક્ષેપ કર્યો છે તથા ચીન તેની બંધી ચાલથી અમેરિકાને સપડાવી રહ્યા છે. 16000 અમેરિકી નાગરિકો તથા કોન્ટ્રાકટરના કામદારો અફઘાનમાં મોજુદ હોવા છતાં છેલ્લા સૈનિકોને પાછા ખેચીને બાઈડન તંત્રએ મોટી ભુલ કરી છે અને હવે ફરી સૈનિકોને મોકલવા પડયા છે.

તાલીબાનોએ 31 ઓગષ્ટ પછી કોઈ ડેડલાઈન વધારાશે નહી તેવી જાહેરાત કરીને અમેરિકાની ચિંતા વધારી છે. હવે બાઈડન તંત્રએ તેની પ્રતિષ્ઠા બચાવવા માટે જાહેર કર્યુ છે કે બચાવ આંદોલન તા.31 પછી પણ જારી રખાશે પણ તાલીબાન તરફી હજું કોઈ જાહેરાત થઈ નથી.

અમેરિકાએ અત્યાર સુધીમાં 6000 અમેરિકી નાગરિકો અને તેના પરિવારોના 4500 લોકોને સુરક્ષિત કર્યા છે. અમેરિકાના વિદેશમંત્રી એન્થની બ્લીંકને જાહેર કર્યુ કે તા.31 પછી આ ઓપરેશન ચાલુ રહેશે. હજુ 1500થી વધુ અમેરિકનો અફઘાનના અલગ અલગ ભાગમાં મોજૂદ છે પણ તાલીબાનોએ હવે કાબુલ એરપોર્ટ આસપાસના ભરડો મજબૂત બનાવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement