ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમો ટેસ્ટ રદ: શ્રેણી કોણ જીત્યું ? જબરું સસ્પેન્સ

10 September 2021 07:54 PM
Sports
  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમો ટેસ્ટ રદ: શ્રેણી કોણ જીત્યું ? જબરું સસ્પેન્સ

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પહેલાં લખ્યું, ભારતે વોકઓવર આપ્યો હોવાથી ઈંગ્લેન્ડ જીતી ગયું એટલે શ્રેણી 2-2થી બરાબર, થોડી જ વારમાં આ લખાણ દૂર કરી દેવાયું: હવે આઈસીસીના નિર્ણય ઉપર સૌની નજર: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને કારણે બન્ને ટીમ માટે એક-એક પોઈન્ટ મહત્ત્વનો

નવીદિલ્હી, તા.10
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માંચ ટેસ્ટ મેચની શ્રેણીનો અંતિમ મેચ રદ્દ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ પોતાના સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપી છે પરંતુ આ નિવેદનમાં સામેલ એક વાક્ય ‘ફોરફિટ ધ મેચ’ મતલબ કે ભારતે મેચ ગુમાવ્યો તેને લઈને સવાલો ઉભા થયા છે. જો કે બાદમાં ઈસીબીએ પોતાના આ નિવેદનને એડિટ કરીને ફોરફિટ ધ મેચના વાક્યને હટાવી નાખતાં શ્રેણી કોણ જીત્યું તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે. મનાયર રહ્યું છે કે મેચ રદ્દ થયા બાદ બીસીસીઆઈ અને ઈસીબી વચ્ચે ખટાશ આવી શકે છે. બન્ને દેશોના ક્રિકેટ બોર્ડનો આ વિવાદ હવે આઈસીસી પાસે જશે.

ઈસીબીએ એક નિવેદન જારી કરીને મેચ રદ્દ થવાની જાણકારી આપી છે. નિવેદનમાં કહેવાયું કે ભારતીય કેમ્પમાં કોરોનાના મામલા વધવાના ડરથી ભારતે પોતાની ટીમ ઉતારવાનો ઈનકાર કરી દીધો છે. આમ થવાથી અનેક લોકો ઘણી અસુવિધા અને નિરાશા થશે. જો કે આ ઈસીબીનું સુધારેલું નિવેદન છે. આ પહેલાં જારી કરેલા નિવેદનમાં તેણે લખ્યું હતું કે ટીમ નહીં ઉતારવાને કારણે ભારતે આ મેચ ગુમાવી દીધો છે. જો કે તેને બાદમાં હટાવી નાખ્યું હતું. ઈસીબીના નિવેદનને જો આઈસીસી માની લ્યે તો ભારતને પાંચમા ટેસ્ટમાં હારેલું ગણવામાં આવશે.

આ સ્થિતિમાં પાંચ મેચની શ્રેણી 2-2થી બરાબર થઈ જશે અને ઈંગ્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે 12 પોઈન્ટ પણ મળી જશે. બીજી બાજુ જો મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવાય તો શ્રેણી ચાર મેચની ગણીને ભારતને 2-1થી શ્રેણી વિજેતા જાહેર કરાશે અને ઈંગ્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે કોઈ પોઈન્ટ મળશે નહીં. અત્યાર સુધી આ અંગે બીસીસીઆઈ તરફથી કશું કહેવામાં આવ્યું નથી. બીજી બાજુ આઈસીસીએ પણ ટેસ્ટ ચેમ્પિયનશીપની રેન્કીંગમાં કોઈ ફેરફાર કર્યો નથી મતલબ કે આઈસીસીએ પણ પાંચમા ટેસ્ટને લઈને કોઈ નિર્ણય લીધો નથી. જ્યાં સુધી ઈસીબીની વાત છે ત્યાં સુધી તેણે પોતાનો પક્ષ જણાવી દીધું છે.

હવે આ મામલે મેચ રેફરી ક્રિસ બ્રોડ નિર્ણય લેશે. મેચ રદ્દ થયેલો માનવામાં આવશે તો ભારત શ્રેણી જીતી જશે અને જો બ્રોડે ઈંગ્લેન્ડને વોકઓવર આપી દીધું તો શ્રેણી 2-2થી બરાબર થઈ જશે. આ આખોયે વિવાદ આઈસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને કારણે થઈ રહ્યો છે. જો કે ટેસ્ટ ચેમ્પિયનશીપની પ્લેઈંગ કંડીશનમાં કોરોના કેસ મળે તો મેચ રદ કરવાની જોગવાઈ છે. આ સ્થિતિમાં ભારત શ્રેણીવિજેતા બની જશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના રેન્કીંગમાં પણ ટોપ પર જતું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોથા ટેસ્ટ દરમિયાન હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલ પહેલાંથી કોવિડ-19 પોઝિટીવ આવ્યા હતા. પાંચમો ટેસ્ટ શરૂ થતાં પહેલાં બેકઅપ ફિઝિયો યોગેશ પરમાર કોરોના સંક્રમિત થઈ ગયા હતા જેના કારણે ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યું હતું.

મેચ ફરી રમાય તેવી સંભાવના ઓછી: આઈપીએલ, ટી-20 વર્લ્ડકપને કારણે બન્ને ટીમ રહેશે વ્યસ્ત
મેન્ચેસ્ટરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમો ટેસ્ટ રદ્દ થયા બાદ આ મેચને થોડા સમય બાદ ફરીથી રમાડવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ આ મેચ ફરી રમાય તેવી સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે. 17 સપ્ટેમ્બરથી આઈપીએલ શરૂ થઈ રહ્યો છે અને તે પૂર્ણ થયા બાદ તુરંત જ ટી-20 વર્લ્ડકપ રમાનાર હોવાથી બન્ને ટીમના ખેલાડીઓ તેમાં વ્યસ્ત થઈ જશે. જો કે આ બન્ને ટૂર્નામેન્ટ બાદ ભારતની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે ટી-20 અને વન-ડે મેચની શ્રેણી રમવા માટે જવાની છે ત્યારે આ મેચ ગોઠવાઈ શકે તેમ છે પરંતુ આ બન્ને શ્રેણી પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાનો આગામી પ્રવાસ પણ નક્કી થઈ ગયો હોવાથી આ એક મેચ માટે પાંચ દિવસની ફાળવણી થવાની સંભાવના બહુ ઓછી છે.


Related News

Loading...
Advertisement
Advertisement