મનોરંજન અને માથાફોડના મિશ્રણ સમી ‘ભૂત પોલીસ’!

11 September 2021 11:08 AM
Entertainment
  • મનોરંજન અને માથાફોડના મિશ્રણ સમી ‘ભૂત પોલીસ’!

આમ તો અર્જુન કપૂરની ફિલ્મો જોવા કરતા એકતા કપૂરની સીરિયલો જોઈ લેવી સારી એવું સિને’મા’ માને છે. પરંતુ આજ વખતે વાત ફક્ત અર્જુન કપૂરની નથી. ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થયેલી ‘ભૂત પોલીસ’માં ઘણા સારા કલાકારોનો મેળાવડો છે. ઉપરાંત બદલાપુરથી માંડીને અજ્જી જેવી ઉત્તમ ફિલ્મો સાથે સંકળાયેલા રાઇટર્સ અને ડિરેકટરનો સમૂહ પણ ખરો!

મહાન તાંત્રિક ઉલટ બાબાના બે દીકરાઓ વિભૂતિ (સૈફ અલી ખાન) અને ચિરૌંજી (અર્જુન કપૂર) પ્રેતાત્માઓ ભગાવવાનું કામ કરતી સંસ્થા ચલાવે છે. પ્રેતાત્મામાં વિશ્વાસ ન ધરાવનારા વિભૂતિ માટે આ ફક્ત એક ધંધો છે, જ્યારે બીજી બાજુ પોતાના તાંત્રિક પિતાની શક્તિઓમાં ખૂબ શ્રદ્ધા ધરાવનાર ચિરૌંજી માટે આ પવિત્ર કાર્ય છે. સિલાવર એસ્ટેટ ખાતે ચાલતી ભૂતિયા પ્રવૃત્તિઓ અટકાવવા માટે બંને ભાઈઓ ત્યાં પહોંચે છે, ત્યારબાદ એમને જુદા જુદા પેરાનોર્મલ અનુભવો થવા લાગે છે.

સિલાવર એસ્ટેટનો કાર્યભાર સંભાળતી બે સગી બહેનો માયા (યામી ગૌતમ) અને કનિકા (જેક્લિન ફર્નાન્ડિઝ) પણ આ ભૂતાવળ સાથે જોડાયેલી છે. ભૂત-પ્રેતને અંધશ્રદ્ધા માનતાં વિભૂતિ માટે આ કેસ કઈ રીતે અલગ રહેશે? શું ખરેખર સિલાવર એસ્ટેટમાં ‘કિચકંડી’ નામની કોઈ પ્રેતાત્મા ભટકી રહી છે? રાબેતા મુજબ, અર્જુન કપૂરે પોતાના પાત્રમાં ઢળવાની ખૂબ કોશિશ કરી છે, પરંતુ સ્ક્રીન પર તે જોઈએ એવો ચાર્મ ઉભો નથી કરી શક્યો.

બીજી બાજુ, સૈફ અલી ખાન પોતાના સંવાદો અને કોમેડી-ટાઇમિંગના મામલે બાજી મારી ગયો છે. વાર્તા ખરેખર સારી છે, પરંતુ સ્ક્રીનપ્લે અને અર્થહીન સંવાદોની ભરમારને લીધે ફિલ્મ અમુક અંશે કંટાળાજનક બની જાય છે. સવા બે કલાકની ફિલ્મમાં વચ્ચે વચ્ચે ઘડિયાળમાં સમય ચકાસીને ફિલ્મ ક્યારે પૂરી થાય એ પણ જોઈ લેવાનું મન થઈ આવે! યામી ગૌતમના પાત્રને યોગ્ય માવજત ન મળી હોય એવું લાગ્યું, જ્યારે જેક્લિનને તો ફક્ત ગ્લેમરસ-ડોલ તરીકે જ રાખી હોય એવું જણાઈ આવે છે.

ડિરેકશન, સેટ-ડિઝાઇન, પ્રોડક્શન વેલ્યુ, સંગીત, બેકગ્રાઉન્ડ સ્કોર, સિનેમેટોગ્રાફી વગેરે મામલે ફિલ્મ પ્રમાણમાં સારી છે. દિવંગત અભિનેતા અમિત મિસ્ત્રી પણ ફિલ્મમાં એક નાનકડો કિરદાર નિભાવી ચૂક્યા છે. આ એમની કદાચ છેલ્લી ફિલ્મ હતી, એવું મારું માનવું છે. એ સિવાય રાજપાલ યાદવ, જાવેદ જાફરી અને જોની લિવરની દીકરી જેમી લિવર પણ ફિલ્મમાં નાના નાના પાત્રોમાં જોવા મળ્યા છે, જે દર્શકોના ચહેરા પર છાશવારે સ્મિત લાવવાનું કામ કરે છે. ઑવરઓલ, પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી વન-ટાઇમ વોચ ફિલ્મ છે આ!

કેમ જોવી?: સ્ત્રી, રૂહી વગેરે જેવી હોરર-કોમેડી ફિલ્મો જોવી પસંદ હોય તો!
કેમ ન જોવી?: સારી વાર્તાને યોગ્ય માવજત ન મળે ત્યારે કેવો બૂરો હાલ થાય છે, એ ન જોવું હોય તો!

: ક્લાયમેક્સ:
આ અઠવાડિયે કંગના રનૌત અભિનીત જયલલિતાની બાયોપિક ફિલ્મ ‘થલાયવી’ પણ સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે, એ કેવીક છે?

સાંજસ્ટાર: બે ચોકલેટ

bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement
Advertisement